જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી

ઝાંઝવા પીતી રહું, રોકી શકે ક્યાં રણ મને !

સાવ સૂકી રેતનું છે તીવ્ર આકર્ષણ મને !

 .

વૃક્ષના જેવી કફોડી છે દશા મારી જુઓ,

ઝંખના આકાશની ને મૂળનું વળગણ મને !

 .

સૂર્યની સાથે ક્ષિતિજે આથમી જાવું અફર,

ને સતત શોધ્યા કરે અજવાસનું પ્રાંગણ મને !

 .

આયનામાં કેટલાં વર્ષો પછી જોયું અને,

મામલો ગંભીર છે; ના ઓળખું હું પણ મને !

 .

જિંદગી વિશે બધાંઆભાસ આછા-પાતળા,

છું વમળમાં, મૂંઝવે પ્રશ્નો હજી હરક્ષણ મને !

.

આમ હોવાનું ગમે છે, છે ખબર બસ એટલી;

પણ હયાતીનાં હજી જડતાં નથી કારણ મને !

 .

( દક્ષા બી. સંઘવી )

Share this

4 replies on “જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.