Skip links

હું બારણે બારણે – રવીન્દ્રનાથ ટાગોર

હું બારણે બારણે ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હોય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો !

આ રાજરાજેશ્વર જેવું કોણ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું તો ત્યાં વગર માગે મળી જનારા દાનની રાહ જોતો, અને ધૂળમાં વેરાયેલા સુવર્ણદ્રમ્મોનાં સ્વપ્નાં સેવતો, ઊભો રહ્યો.

હું જ્યાં ઊભો હતો ત્યાં જ રથ પણ અટક્યો. તારી અમીદ્રષ્ટિ મારા ઉપર પડી, તું સ્મિત કરતો નીચે ઊતર્યો. આહા આહા, મેં ધાર્યું કે છેવટે છેવટે મારા જીવનની આશાનો પૂર્ણ કુંભ છલકાવાની તૈયારીમાં છે.

પણ એટલામાં તો તેં જ અચાનક તારો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું : ‘તું મને આમાં શું આપે છે ?’

આ હા ! રાજરાજેશ્વર પોતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંબો કરે એ તો તારી રાજાની, મારા જેવા ભિખારીની કેવી રાજ-મશ્કરી હતી ? હું તો મૂંઝાઈ ગયો. અને અનિશ્ચિત જેવો ત્યાં ઊભો જ રહી ગયો. અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડો દાણો કાઢીને તને આપ્યો !

પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાનો ઢગલો જમીન ઉપર કર્યો – અને આહ ! એમાં એક દાણો સોનાનો હતો ! હું નિરાશામાં વેદનાભર્યું આક્રંદ કરી રહ્યો, અરે ! અરે ! અરે ! – મેં તને સઘળા જ દાણા આપી દીધા હોત તો !

( રવીન્દ્રનાથ ટાગોર, અનુ. ધૂમકેતુ )

Leave a comment

  1. હિનાબેન,

    સૌ પ્રથમ તમોને વિજેતા બનવાના અભિનંદન સાથે ખૂબ સારી શુભેચ્છાઓ !

    કોઈ સમયે જીવનમાં આવું ઘટતું હોય છે, આવા સમયે આપણી પાસે કશુજ બોલવા માટે રહેતું નથી અને પશ્ચાતાપ નો પાર રહેતો નથી.. પ્રતનું હિન્દીમાં કહેવત છે ને કે જબ ચિડ્યા ચૂક ગઈ ખેત, અબ ફિર પસ્તાને કા ક્યા ફાયદા ? !

    સુંદર વાત !

  2. હિનાબેન,

    સૌ પ્રથમ તમોને વિજેતા બનવાના અભિનંદન સાથે ખૂબ સારી શુભેચ્છાઓ !

    કોઈ સમયે જીવનમાં આવું ઘટતું હોય છે, આવા સમયે આપણી પાસે કશુજ બોલવા માટે રહેતું નથી અને પશ્ચાતાપ નો પાર રહેતો નથી.. પ્રતનું હિન્દીમાં કહેવત છે ને કે જબ ચિડ્યા ચૂક ગઈ ખેત, અબ ફિર પસ્તાને કા ક્યા ફાયદા ? !

    સુંદર વાત !