..
….
સ્મિત કાળું કે ધોળું ન હોય…
સ્મિત રંગીન હોય, મેઘ-ધનુષી હોય, સ્વપ્ન રંગે રંગેલું જ હોય,
સ્મિત સાવ અમસ્તું ન હોય…
સ્મિત ધારદાર હોય, સ્મિત આરપાર હોય, સ્મિત દાતરડાં જેવું જ હોય,
સ્મિત કાળું કે ધોળું ન હોય…
.
સ્મિત આંખોમાં છે, સ્મિત છાતીમાં છે, લટ વિખેરાય છે એ’ય સ્મિત છે,
તું મલકે ને લીલેરો કોલ ધબકે, સખી, હોવાપણાંની એ જીત છે,
સ્મિત સાચું કે ખોટું ન હોય…
સ્મિત સંગીન હોય, સ્મિતમાં’ય દિલ હોય, સ્મિત સાવ સાચું સોનું જ હોય,
સ્મિત કાળું કે ધોળું ન હોય…
.
ઉઘડતી કળીઓને જરા પૂછી જુઓ કે તારી પાંદડીઓ હસતી’તી કેમ ?
સૂરજની સાક્ષીએ જાળવ્યો છે કેમ તે ઝાકળ અડી ગ્યાંનો વ્હેમ ?
સ્મિત અરધું કે અઘરું ન હોય…
જેને સમજે બધાય એવી બોલી છે એ, સ્મિત સહજ ન સ્હેલું જ હોય,
સ્મિત કાળું કે ધોળું ન હોય…
.
સ્મિત એવી જણસ તો નથી કે એ આવીને હોઠોમાં સચવાઈ જાય,
કોઈ ગાલ પર સ્મિતનો ટશિયો ફૂટે ને ત્યારે ‘ખમ્મા’ જ બોલાઈ જાય,
સ્મિત ખાટું કે મોળું ન હોય…
સ્મિત સ્વાદિષ્ટ હોય, સ્મિતમાં ઈશ હોય, સ્મિત મધથી’ય મીઠું જ હોય.
સ્મિત કાળું કે ધોળું ન હોય…
.
( અલ્પેશ ‘પાગલ’)
Beautiful Description of Smile with Lovely Snap. Love You So Very Much for this.
હિનાબેન,
જેવું સ્મિત આપ્યું તેવીજ સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ ! હકીકત એ છે કે સ્મિત સ્મિત છે, જે કરી શકે તે જાણે …!