બારીઓ ઊઘડી – નયન હ. દેસાઈ

.

બારીઓ ઊઘડી ફટોફટ ને ઝરૂખા ઝળહળ્યા

આપણે આવ્યા વિજેતા થઈ તો રસ્તા ઝળહળ્યા

 .

શબ્દનાં કૈં દ્વાર ભિડાયા પછી એવું બન્યું

બે નજર ભેગી મળી : નવખંડ દીવા ઝળહળ્યા

 .

દોસ્ત ! ભ્રમણાએ હકીકતને નિભાવી એ રીતે

સાચવેલા સૂર્ય બુઝાયા તો શમણાં ઝળહળ્યા

 .

નાવ તો નાવ જ રહી એનું રૂપાંતર ના થયું

આપ બેઠા તે પછી બન્ને કિનારા ઝળહળ્યા

 .

દિલ શમાદાની હતું જેમાં સ્મરણ બળતાં રહ્યાં

આપણે એકાંતની મહેફિલમાં ક્યાં ક્યાં ઝળહળ્યા

 .

( નયન હ. દેસાઈ )

Share this

2 replies on “બારીઓ ઊઘડી – નયન હ. દેસાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.