Skip links

આઠ લઘુકાવ્યો

.

(૧)

જળપરીની વાર્તાઓ

અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં

એકલવાયું બાળક

ઊભું છે

ઝાડના ઠૂંઠાને વળગીને.

 .

( જયા મહેતા )

.

(૨)

નિંદાથી

જીભ મોચવાઈ જતી હોય

અને કાન કરમાઈ જતા હોય

એવી અવસ્થા

જો ઈશ્વરે કરી હોત

તો જગત વિશેષ

જીવવા લાયક હોત.

 

( સુરેશ દલાલ )

 

(૩)

મારી ટચલી આંગળી

તરણુંય તોળી શકે તેમ નથી

ને આ જિંદગી તો

ગોવર્ધન થઈ બેઠી છે.

 

( વજેસિંહ પારગી )

.

(૪)

હું ગુલાબને સૂર્ય કહું

કે ચંદ્રને કમળ કહું

એથી નામની અદલાબદલીનો

આનંદ મળે છે;

પણ એનાથી કોઈની

પ્રકૃતિ બદલાતી નથી

 .

( સુરેશ દલાલ)

 .

(૫)

એક (યક્ષ) પ્રશ્ન

 .

જે માણસને

ઉઘાડી આંખે

ખિલખિલ હસતા બાળકમાં

પ્રગટેલા ભગવાન

ન દેખાય

તે માણસને

બંધ આંખે

જડ મૂર્તિમાં

પોઢેલા ભગવાન

દેખાય ખરા ? !….

 .

( ચંદ્રેશ શાહ )

.

(૬)

પ્લાસ્ટિકના ફૂલ પર

કાચનું પતંગિયું બેઠું

અને એનો ફોટો

છાપામાં છપાયો

.

( સુરેશ દલાલ )

 .

 

(૭)

પતંગિયું

ઊડે છે ત્યારે

હવા પર

પોતાની સહી નથી કરતું

 .

 

( સુરેશ દલાલ )

 .

 

(૮)

જળના સ્પર્શે

પથ્થરે ચીસ પાડી:

આટલી બધી નજાકત

જીરવાતી નથી

 .

( સુરેશ દલાલ )

Leave a comment

  1. દરેકે દરેક લઘુકાવ્ય અતિ ઉત્તમ…બહુ જ ગમ્યા બધા. ખાસ કરી ને ૩ નંબર નું.

  2. દરેકે દરેક લઘુકાવ્ય અતિ ઉત્તમ…બહુ જ ગમ્યા બધા. ખાસ કરી ને ૩ નંબર નું.