.

મારા આંગણામાં ઊભું છે એક લીલુંછમ વૃક્ષ – એક પગે ઊભા રહીને સાધના કરતા હઠયોગી તપસ્વી જેવું. રાત પડે ત્યારે આ વૃક્ષનાં પાંદડાં અંધકાર ઓઢતાં નથી. આ પાંદડાંઓ કદી પોઢતાં નથી. ફૂલ અને પાન નિતાન્ત જાગરણ કરે છે. પાંદડાંનો રંગ રાતને સમયે સોનેરી ને સોનેરી થતો જાય છે. ફૂલે ફૂલેથી પ્રસરે છે માત્ર તારું સ્મરણ – કોઈક અલૌકિક સુગંધ રૂપે. આ વૃક્ષની પાછળ એક સમુદ્ર સતત ઘૂઘવ્યા કરે છે. એનો ઘુઘવાટ કેવળ મારા કાનની ભીતરના કાનને સંભળાયા કરે છે. સમુદ્ર કોઈ ઋષિમુનિની જેમ જપ્યા કરે છે તારો અખંડ જાપ.

 .

હું તારી પાસે દોડી દોડીને આવું છું કારણ કે તું મને રચી આપે છે મારું એકાન્ત. આ એકાન્તના ખંડમાંજ હું પામું છું મારો અને તારો-આપણો અખંડ પરિચય. પરિચય તો કહેવાનો શબ્દ. પણ તું મને આપે છે આત્મીયતાનો અનન્ય અનુભવ. હવે મને સૂર્ય નહીં પણ આખું આકાશ ઊગતું હોય એવું લાગે છે. ધરતીમાં મારા પગ વૃક્ષની જેમ રોપાઈ ગયા છે અને આંખમાં ઝૂલે છે આખું આકાશ. હવા અને સૂર્યનાં કિરણોથી સાક્ષીએ આપણે મળીએ છીએ-જાણે કે હવેથી કદીયે ન છૂટા પડવા માટે. આત્માને હંમેશા એક જ તરસ હોય છે-અને એ તરસ તે પરમાત્માની.

 .

એક વાર તો મારે તને બોલતો કરવો છે. તારા મૌનની ભાષાને મારી આંખો વાંચે છે તો ખરી પણ મારે તો તું આપમેળે સહસ્ત્રદલ કમળની જેમ તારું હૃદય ખોલે અને વાંસળીમાં મારું નામ પણ વહેતું કરે એમ તને વાચાળ કરવો છે. આ શું ? માત્ર હું જ બોલું અને તું સાવ ચૂપ અને વળી પાછો નામ અને આકાર વિના અરૂપ. એક વાર તો તારે અમારે ખાતર નામરૂપ ધારણ કરીને પ્રગટ થવું પડશે અને અમારી સતત વિમાસણનું નિરાકરણ કરવું પડશે. અમારે તો માત્ર બે જ આંખો, બહુ બહુ તો આછી અમથી કલ્પનાની પાંખો. એક વાર તારે અહીં અમારા યમુનાના તટ પર આવવું પડશે. વાંસળી વગાડવી પડશે. અમારી સુષુપ્ત લાગણીઓ જગાડવી પડશે. અમારા અહમનું વસ્ત્રાહરણ કરવું પડશે. હવે આજે તારું મૌન ન ખપે. અમને જોઈએ છે તું, માત્ર તું. તારો શબ્દ, તારો સૂર. દૂરતા અને ક્રૂરતાનો કોઈ અર્થ નથી, હે નિર્દય, દયામય ભગવાન.

.

( સુરેશ દલાલ )

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *