તારા પ્રેમપત્રો વાંચું છું – સુરેશ દલાલ

.

તારા પ્રેમપત્રો વાંચું છું

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

હંસની પાંખ થઈને આવેલા કાગળોનું

હવે કશુંય મહત્વ નથી

તો પછી કયા મમત્વથી પ્રેરાઈને

સ્મૃતિના કબ્રસ્તાનમાં

હું આવી પહોંચ્યો છું ?

લાગણી નથી હોતી

ત્યારે જ માણસ લાગણીનું પૃથક્કરણ કરે છે.

ફાટી ગયેલું એક એક પરબીડિયું

સ્મૃતિની રઝળતી કબર છે.

અક્ષરોના મ્યુઝિયમમાં

અટવાય છે આંખ.

 .

કવર પરનું મારું નામ

મારું સરનામું

આ બધું જ જો એકાએક બદલાઈ જાય

ભૂતકાળ જો સુખની ક્ષણની જેમ કાયમ માટે અલોપ

થઈ જાય

તો

કદાચ થાય મારો પુનર્જન્મ.

પ્રેમ વિનાની સ્મૃતિને સાચવી રાખવી

એ વેશ્યાવૃત્તિને માંડવે લઈ જવા જેવી વાત છે.

 .

મારા નવા જન્મમાં

બારખડી શીખતી વખતે

હું કોઈ દિવસ પૂછીશ નહીં

કે પ્રેમ એટલે શું ?

 .

મને ખબર છે

કે પ્રેમ એટલે બે માણસો મળે તે

પ્રેમ એટલે બે માણસો

એકમેકને ગળે પડે તે.

પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,

કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાંક સપનાં,

પ્રેમ એટલે હોટેલનું ટેબલ-

સામસામી પડેલી બે ખાલી ખુરશી,

કોઈક ખૂણે કામુક આલિંગનો,

થોડીક થ્રિલ, પૂરો થતો શો,

ફરી પાછી ફૂટપાથ

પ્રેમ એટલે થોડાંક સપનાં, અઢળક ભ્રમણા !

 .

વૈયક્તિક પ્રેમની પ્રતીક્ષાના

બધા જ ઝરૂખા કેમ નંદવાયેલા હોય છે ?

લખાયેલા પત્રો

અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.

આ ગલીઓમાં

ક્યારેક લાઉડ-સ્પીકર્સ મુકાયાં હશે,

રંગીન પરપોટાનાં તોરણો બંધાયાં હશે.

મારે તો ગલીની બહાર નીકળવું છે.

હતો, છે અને હશેની બહર નીકળવું છે.

જ્ઞાનીઓ કહ્યા કરે છે

કે મારે બહાર નીકળવું હોય

તો ભીતરમાં જવું જોઈએ.

 .

હમણાં તો

મારી ભીતર એક આખું નગર સળગ્યા કરે છે

એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે.

 .

ટાઢક અને શાતા

બુદ્ધની મીંચાયેલી આંખમાં છે

અને મારી આંખોને તો

નહીં મીંચાવાનો શાપ છે.

.

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું

જાણે કે સ્મશાનમાં બેસીને

યશોધરાના પ્રેમપત્રો વાંચું છું.

 .

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

( સુરેશ દલાલ )

Share this

6 replies on “તારા પ્રેમપત્રો વાંચું છું – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.