Skip links

સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

.

શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું શ્રાવણ ‘વદ’ આઠમ પર અવસાન.

 .

શું લખું તે જ મને તો સમજ નથી પડતી. સુરેશભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોઈ જ પરિચય ન્હોતો. એક વાચક અને ભાવક તરીકેનો નાતો. એમના લખાણો મારા હૃદયની ખૂબ જ નજીક હતા, છે અને રહેશે.

.

કૃષ્ણ પર એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું તે પછી કવિતા હોય કે ઝલક હોય કે પ્રાર્થના. અને આજે જન્માષ્ટમીના દિવસે જ તેઓ કૃષ્ણમાં સમાઈ ગયા. કદાચ કૃષ્ણને પણ એમના અવાજમાં કૃષ્ણગીતો સાંભળવા હશે એટલે પોતાની પાસે બોલાવી લીધા.

 .

કવિ અને લેખક તરીકે એમણે ઉત્તમ કક્ષાનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. ગણી ગણાય નહીં એટલી બધી કવિતાઓ અને એટલા બધા પુસ્તકો. અઢળક. અને તોય લોકભોગ્ય ભાષામાં. સરળ ભાષામાં ઉંચા અને ઉમદા વિચારોને રજૂ કરી છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા. આ રીતે લોકો સુધી પહોંચવા માટે એમની પાસે બે પ્રબળ માધ્યમો હતા…કવિતા અને ઈમેજ પબ્લિકેશન. ‘ઈમેજ’ના માધ્યમથી એમણે પ્રકાશક, સંપાદક અને અનુવાદક તરીકે જે પુસ્તકો આપ્યા એ બધા જ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યા છે. એમના સંપાદનો દરેક વખતે વિવિધતા ભરેલા રહ્યા છે. આ ઉપરાંત એમણે કેટલાયે નવોદિતોને બનાવ્યા છે, પ્રોત્સાહિત કર્યા છે, પ્રેર્યા છે, તક આપી છે, ઘડ્યા છે અને એમના પછીની બીજી પેઢી તૈયાર કરી છે.

 .

પણ સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ જ. એમના ન રહેવાથી ગુજરાતી સાહિત્યમાં જે શૂન્યાવકાશ સર્જાશે તે ગમે એટલા પ્રયત્નો પછી પણ નહીં પૂરી શકાય.

 .

“મોરપીંછ” એમના પ્રિય કવિ-લેખકને હાર્દિક શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ આપે છે..

 .

સુરેશભાઈ તમે જ લખ્યું હતું….

મૃત્યુ પછી

કાવ્યમાં

કવિ જીવે છે સુખથી.

*

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

*

કંઈ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:

એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે !

*

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

મને સૂતીને સપને જગાડ્યા કરી.

*

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

*

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

*

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

*

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

*

અમે એવા છઈએ : અમે એવા છઈએ

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

*

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

*

આપણે આપણી રીત રહેવું :

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

*

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

*

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ..

આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ…

*

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો

*

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી.

*

હું વિદૂષક છું એમાં કોઈ શંકા નથી

આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં

એટલે હાસ્યથી લૂછી લઉં છું.

*

હજાર વચ્ચે રહેવું નથી મારે બજાર વચ્ચે રહેવું નથી

મને ગુરુ મળ્યા છે ક્ષણમાં

નીરવ એમના મૌનમાત્રથી ગુલાબ ખીલ્યાં છે રણમાં.

*

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ,

અમને થાય પછી આરામ…

*

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

*

અને છેલ્લે…

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનગમતો માણસ એક ચાલ્યો ગયો.

લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો

ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો.

સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને

હણહણતો માણસ એક ચાલ્યો ગયો.

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત અહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

.

[આ સાઈટ બનાવી ત્યારે સાઈડ પરના વિજેટમાં ‘શેરબજાર’ નામનું એક વિજેટ બનાવ્યું છે જેમાં કાવ્યપંક્તિઓ મૂકું છું. ‘શેરબજાર’ નામ લખતી વખતે મનમાં પ્રશ્ન થયો કે ‘શેરબજાર’ આવ્યું ક્યાં ? તો મુંબઈમાં ‘દલાલ સ્ટ્રીટ’માં. દલાલ કોણ ? તો સુરેશ દલાલ. એમાંથી મેં બીજા વિજેટને નામ આપ્યું છે ‘દલાલ સ્ટ્રીટ’ અને એમાં સુરેશભાઈની રચનાઓ મૂકું છું.]

.

હિના પારેખ “મનમૌજી”

Leave a comment

  1. નિ:શબ્દ.. આઘાતથી મન અને દિલ બેય ભારે છે એમાં તારા આ શબ્દો એમની યાદ વધુ તીવ્ર બનાવે છે.

  2. નિ:શબ્દ.. આઘાતથી મન અને દિલ બેય ભારે છે એમાં તારા આ શબ્દો એમની યાદ વધુ તીવ્ર બનાવે છે.

  3. મારો પણ તેમની સાથેનો વાચક તરીકેનો જ પ્રેમ સંબંધ. તેમની ઝલક વર્ષો સુધી વાંચી છે. તેમની કક્ષાનો કાવ્યમય રસિક માણસ ગુજરાતને ફરી મળશે કે કેમ?

  4. મારો પણ તેમની સાથેનો વાચક તરીકેનો જ પ્રેમ સંબંધ. તેમની ઝલક વર્ષો સુધી વાંચી છે. તેમની કક્ષાનો કાવ્યમય રસિક માણસ ગુજરાતને ફરી મળશે કે કેમ?