વાણી પછીનું મૌન – સુરેશ દલાલ

વાણી પછીનું મૌન

મને ડાળી પરના ગુલાબ જેટલું

સુંદર લાગ્યું.

 .

પથ્થરમાંથી પ્રકટતું ઝરણ

મને વૈશાખી મોગરા જેટલું

મ્હેકતું લાગ્યું.

 .

તારા સાન્નિધ્યને કારણે જ

કાદચ, આ બધું સુંદર લાગતું હશે.

 .

તારા સાન્નિધ્યમાં

મને એમ થયા કરે છે

કે હું વૃક્ષ થઈને ઊગી શકું છું

પંખી થઈને ઊડી શકું છું

સાંજની શીતળ હવા થઈને

પર્વતના ખભા પંપાળી શકું છું

અને નદી થઈને વહી શકું છું.

 .

તારું સાન્નિધ્ય સ્વયમ સૌંદર્ય

સૌંદર્ય એકલું હોય છે

કદીયે એકલવાયું નથી હોતું.

 .

( સુરેશ દલાલ )

Leave a comment