પરિસ્થિતિની લક્ષ્મણરેખા – મણિલાલ પટેલ

પરિસ્થિતિની લક્ષ્મણરેખા ઓળંગવા

મેં ઉપાડેલો મારો પગ

સત્તાવીસ વર્ષોથી

અટકી ગયો છે એમ જ….

ક્યાં છે શબ્દોની પંચવટી?

શબ્દો વિનાનો હું

સળગ્યા કરું છું-રૂ જેવું !

શબ્દ જ મારો રામ હશે ?

કે શબ્દ જ હશે માયાવી મૃગ ?

શ્લોકત્વ પામવા ઝંખતી

મારી વેદનાઓ

વંધ્ય થઈ જાય એ પહેલાં જ

હે નિષાદ ! વીંધી નાખ મને….

કેમ હું ફંગોળી શકતો નથી

મારી અશબ્દતાને ?

મારી એકલતાના ખારાદવ અબ્ધિ પર

બાંધી શકતો નથી હું શબ્દ-સેતુ !

મારી આંખમાં ખડક થઈ ગયેલું આંસુ

ઝરણાની જેમ હું વહાવી શકતો નથી હવે-

હે રામ ! તમે જ વીંધી નાખો મને….

 .

( મણિલાલ પટેલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.