સાહિત્ય એમનો શોખ ને રસોઈ એમનો સ્વભાવ – ભદ્રાયુ વચ્છરાજાની

Arunaben Jadeja

.

બાળપણની બે સખીઓ ૨૦૦૯માં મળી ફરી. અરુણા પારેખ આવ્યા મુંબઈથી. અરુણા જાડેજા તો હતાં જ નવસારી. શા માટે મળ્યાં, ખબર છે ? પોતાનાં બહેનપણાંનાં પચાસ વર્ષ પૂરાં થયાં તે ઉજવવા ! રિક્ષા કરીને સવારથી સાંજ સુધી નાનપણની ખાસ ખાસ જગ્યાએ ગયાં. આખા નવસારીની પ્રદક્ષિણા કરી. બાળપણનું ગોઠિયાપણું મનભરીને વાગોળ્યું અને જીવનનો પરમ સંતોષ ગાંઠે બાંધ્યો. સુરેશ દલાલે કરેલા સંપાદન ‘મૈત્રી’માં અરુણા જાડેજાએ લેખ લખ્યો, શીર્ષક આપ્યું : ‘અરુણાથી અરુણા’ !

 .

૧૯૫૦માં દિવાળીની તિથિએ મોસાળ સુરતમાં જન્મ. સમય હતો પરોઢનો, તેથી ભાઉએ નક્કી કરેલું કે દીકરો આવશે તો અરુણ અને દીકરી આવશે તો અરુણા નામ રાખીશું. પરિવાર મરાઠી, પણ આજે જીવનના સાતમા દસકમાં પહોંચેલાં અરુણા જીવનસિંહ જાડેજા સવાયાં ગુજરાતી છે ! નાનાજી સુરતમાં સંસ્કૃતનાં શિક્ષક, દાદાજી ગાયકવાડ સરકારની નોકરીમાં, પિતાજી ભીમરાવ શ્રીનિવાસ બિલગી સેન્ટ્રલ એક્સાઈઝમાં, પણ એમ. એ. થયેલા એટલે પૂરા સાહિત્યપ્રેમી, સરકારી નોકરીને લઈને બદલીઓ બહુ થાય, તેથી ઘણાં ગામનાં પાણી પીવા મળ્યાં. ઘરમાં શુદ્ધ મરાઠી સંસ્કારો, પિતાજીને ભાઉ અને માતાજીને આઈ કહેવાનું. ઘરમાં મધ્યમવર્ગીય મરાઠી વાતાવરણ. આઈ પણ શાળામાં શિક્ષિકા, સંગીતની બધી પરીક્ષા આપેલી, દિલરુબા સરસ વગાડે. આઈ-ભાઉ બન્ને પુસ્તકપ્રેમી, ઘરમાં મરાઠી સામયિકોની સાથોસાથ ગુજરાતી સામયિકો પણ આવે. લાઈબ્રેરીમાંથી પણ પુસ્તકો લઈ આવે. પુસ્તકો વાંચવા માટે ઘરમાં આઈ, ભાઉ અને અરુણા વચ્ચે પડાપડી થાય. અરુણા સૂઈ જાય પછી રસોડાનું બારણું બંધ કરીને આઈ, ભાઉ અંદર પુસ્તકો વાંચતાં હોય ! દરેક મરાઠી કુટુંબની જેમ સાંજે દીવાબત્તી ટાણે ‘શુભમ કરોતુ કલ્યાણમ’થી લઈને સાંધ્ય શ્લોકોનું પઠન થાય, પછી જ જમવાનું. રવિવારે બપોરે જમવા ટાણે ગીતાજીના કેટલા શ્લોક મોઢે થયા એની પૃચ્છા થાય પછી જ જમવાનું મળે. એવું જ સમર્થ રામદાસ સ્વામીના ‘મનાચે શ્લોક’નું ! પાછલી ઉંમરે પણ આઈ-ભાઉ ખૂબ વાંચતા રહ્યાં. અરુણાના જન્મ વખતે આઈ બહુ એનેમિક તો ભાઉ આઈને કહે કે ‘મીઠું ભલે ઓછું ખા, પણ વાંચજે ખૂબ !’ આઈ ઉત્સવપ્રિય, બધી વાતની એને ખૂબ હોંશ. રોજનું છાંટેલું આંગણું, રંગોળી ને પૂજેલો ઉંબરો. વારેતહેવારે સજાવટ, પાંચ પકવાન, પોસાય તેવાં નવા કપડાં, બધું અરુણાએ જોયું, માણ્યું, આત્મસાત કર્યું, આજ સુધી આચરણ કર્યું.

 .

અરુણાબેન બીલીમોરામાં પહેલાં બે ધોરણ ભણ્યાં…પણ પછી દક્ષિણ ગુજરાતના ખરોલી, ચીખલી ગામની બુનિયાદી શાળામાં ભણવા મળ્યું. ત્યાં છાણ ગાર માટીથી લીંપણ કરવાની બહુ મજા આવે પણ જરાયે ફાવે નહીં. તકલી-રેંટિયો કાંતવાનું જરાય ના ગમે. માધ્યમિક સળંગ નવસારીની ડી. ડી. ગર્લ્સ હાઈસ્કુલમાં. અંગ્રેજી પાક્કું કરાવ્યું નવસારીમાં જ પારેખ ક્લાસીસ ચલાવતાં રતિલાલ પારેખે. રેન એન્ડ માર્ટિનનું ગ્રામર આજે પણ તેવું જ ચુસ્ત…ભાઉને થવું હતું પત્રકાર કે સાહિત્યકાર. વડીલોના આગ્રહ અને જમાનાની માંગ એટલે સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા. પોતાનું અધુરું સ્વપ્ન અરુણા પૂરું કરે તેવી દિલની ઈચ્છા એટલે અરુણાને જે વિષય લઈ ભણવું હોય તેની છૂટ મળી, નસીબવશ અરુણા પણ સાહિત્યઘેલી, અમદાવાદની આર્ટસ કોલેજમાં ગુજરાતી સાથે બી. એ. કર્યું. રોહિત પંડ્યા, ચીનુ મોદી, ઈલા નાયક જેવા ઉમંગભર્યા પ્રાધ્યાપકો મળ્યા. વકતૃત્વ, પાદપૂર્તિ સ્પર્ધાઓમાં વિજેતા બનવાની તક મળી. બોરસદ આર્ટસ કોલેજમાં એમ. એ. તો ડભોઈની કોલેજમાંથી બી. એડ કર્યું. સુરતની વાડિયા વિમેન્સ કોલેજમાં અધ્યાપકની નોકરી તો મળી પણ છાત્રાલયના ગૃહમાતા થવાની શરતે ! અરુણા હવે થયાં રેક્ટર કમ લેકચરર. હોસ્ટેલની બહેનો અરુણાથી માંડ બે-ચાર વરસ નાની. ઘર યાદ આવે તો છોકરીઓની સાથે અરુણા પણ પોતાના રૂમમાં જઈ રડવા બેસે. ભણાવવું બહુ ગમે, પ્રેમાનંદ, નરસિંહ ભણાવતાં અરુણા મેડમના સિક્કે આખો વર્ગ રડે ! છાપાંની પૂર્તિઓ, અખંડ આનંદ, જનકલ્યાણ વગેરે લીટી લીટી વાંચવાનાં. પણ પેલું રેક્ટરવાળું અરુણાને ન ફાવે, ભારે અઘરું લાગે ! સ્વભાવ નરમ તે છોકરીઓ ઉપર ધાક એવી ઊપજે નહીં. હા, છોકરીઓ અરુણાને ખૂબ માને, પણ અરુણાનું ના માને !…લગ્નની ઉંમર, રૂપે કરુપા તો નહીં જ પણ અરુણા પોતાને અરુપા માને. અઠ્ઠાવીશ વર્ષ થયાં છતાં મેળ ખાતો નહોતો…ત્યાં જીવને વળાંક લીધો….અરુણાએ ડભોઈમાં બી. એડ. કર્યું ત્યારે એની નાની બહેન મંગલની એક બહેનપણી હતી મંજુ જાડેજા. તેના પિતા ત્યારે ડભોઈના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર….એમની પછી તો સુરત બદલી થઈ. મંજુ અને મંગલનો નાતો અહીં પણ ચાલુ. મંજુ અરુણાને મળે, તેનો નાનો ભાઈ સુરેન અરુણા પાસે નિબંધ વગેરે લખાવવા આવે. અરુણા પણ એકલી એટલે મંજુના ઘરે જાય. મંજુના બાપુજી જુવાનસિંહ જાડેજા કદી ઘરે જ ના હોય. એ રાંદેર પોલીસ ઈન્સપેક્ટર. મંજુના બા અરુણાનું બહુ રાખે, પણ મંજુના બાપુજી સાથે કંઈ લેવાદેવા નહીં. અચાનક મંજુના બા કારમી બીમારીમાં સ્વર્ગે સિધાવ્યાં. બીજે વર્ષે મંજુનાં લગ્ન થઈ ગયાં. એના બાપુજી જાડેજા સાહેબની પાલનપુર બદલી થઈ ગઈ. સુરતમાં અરુણા માટે એક ઘર ઓછું થયું….લેક્ચરર તરીકે આઠ વર્ષ થયાં હતાં. ત્યાં એક દિવસ અચાનક ફરી જાડેજા સાહેબને મળવાનું થયું. ઓગણત્રીસ વર્ષ : લગ્નની ઉંમર વટાવી ગયેલી એક કન્યા અને પચાસ વર્ષનાં ચાર સંતાનોના વિધુર સદગૃહસ્થ મળ્યાં ! જાણે એકબીજાની રાહ જોતાં હોય તેવાં અધૂરા-અધૂરા બન્ને ! દોઢ વર્ષ વીતવા દીધું એ પ્રથમ આત્મીય મિલન પછી..! ચારેય સંતાનોની મરજી જાણી. તેઓ તો ઈચ્છતાં જ હતાં કે પિતાશ્રી ફરી ઠરીઠામ થાય. અરુણાના કુટુંબ દ્વારા સ્વાભાવિક વિરોધ થયો. અરુણા આગોતરું સજ્જ રહેવા ટેવાયેલાં. દોઢ વર્ષનું હોમવર્ક કરીને ત્રીસ વર્ષની ઉંમરે અરુણા હવે શ્રીમતી અરુણા જુવાનસિંહ જાડેજા બની…!

 Arunaben J. Jadeja

વડોદરાના ડી.વાય.એસ.પી. જુવાનસિંહ જાડેજાની દીકરીઓ જ પોતાની નવી મા માટે પાનેતર, ઘરચોળું અને હાથીદાંતનો શુકનનો ચૂડલો લઈ આવી. ચારેય સંતાનોનાં લગ્ન તો થઈ ગયેલાં. સંતાનોને અરુણાએ કહેલું : ‘તમારા માટે તો હું આજે પણ તાઈ છું, તમારા બાપુજી સાથેનો મારો સંબંધ બદલાયો છે.’ મોટી દીકરી નિર્મળા અને જમાઈરાજ ધર્મેન્દ્રસિંહે મન મોટું કરી પોતાની ત્રીજી અને સૌથી નાની દીકરી મીકુ અરુણાતાઈના ખોળામાં મૂકીને એમને માતૃત્વ અર્પ્યું. અરુણાતાઈ તો ન્યાલ થઈ ગયાં !…આમ છતાં, અરુણાને અઘરું તો પડ્યું. અ-સાધારણ સંજોગોમાં, માથે તો ઓઢવાનું પણ ગામડે લાજ પણ કાઢવાની. બહુ વખણાયેલી પેલી નિખાલસતા ગામડામાં જોવા ન મળી. અરુણાબહેનના જ શબ્દોમાં કહું તો : ઉંમર સિવાય પણ ઘણો તફાવત. એ ઊંચા, હું નીચી. એ ગુજરાતી, હું મરાઠી. એ ક્ષત્રિય, હું બ્રાહ્મણ. એમનો સમાજ પ્રમાણમાં બંધિયાર, હું ખુલ્લા વાતાવરણમાંથી આવેલી. એ ગુસ્સાવાળા, હું પ્રમાણમાં શાંત. પૂરાં ૨૧ વર્ષનો તફાવત, પણ એમણે ક્યારેય કપલ લગાડ્યો નહીં. સધિયારામાં ઉંમરનો બાધ ક્યાં નડે ? હા, મીકુની નાનકડી બહેનપણીઓ કહે કે તારા નાના બાપુના વાળ તો ધોળા છે પણ તારા નાનીમા ડાઈ કરે છે. મીકુ મને પૂછે કે હેં, તાઈ ડાઈ એટલે શું ? મીકુને હું કેમ સમજાવું કે બેટા હું ય ડાઈ નથી કરતી પણ… લગ્નનાં ત્રીજે વર્ષે વડોદરાથી અમદાવાદ બદલી અને ત્યાં જ ૧૯૮૮માં જુવાનસિંહ જાડેજા નિવૃત થયા. ૧૯૮૩ થી ૨૦૧૩, પૂરાં ત્રીસ વર્ષથી અમદાવાદ. ‘લગ્નને ૩૨ વર્ષ પૂરાં થયાં. બન્નેનો એક સરખો શોખ, સંગીત, મોટેભાગે શાસ્ત્રીય ! વર્ષમાં બે વાર તો કચ્છમાં જવાનું જ. કારણ કચ્છમાં અમારા ભાઈઓનો લગભગ ૮૫ જણનો પરિવાર. સાસુ-સસરા સ્વર્ગે સિધાવ્યાં અને મીકુ (સીઈપીટી) સેપ્ટમાંથી પદવીધર બની અમેરિકા ગઈ. થયું કોઈ સારું કામ કરીએ. ઘરેથી, માનદ, કોઈ પગાર નહીં, અંધશાળામાં રીડર બની. દસ-બાર ધોરણના સવાર ને કોલેજના બપોરે, એમ અંધ વિદ્યાર્થીઓ ઘર આવે. ઘરની જેમ જ આ બાળકો માટે પણ હું તાઈ. ભણતર સાથે સંસ્કાર સિંચન પણ કરું જ.’

 .

જુવાનસિંહની નોકરી આકરી હતી, વળી બન્ને મળ્યાં હતાં મોડાં, એટલે સાથે તો નિરાંતે રહ્યાં જ ન હતાં. તેથી ૨૦૦૦ની સાલમાં નિર્ણય કર્યો કે : બચેલો સમય સહજીવનની સુગંધ માણવામાં જ ગાળવો છે માટે સમાજના કે સાહિત્યના કોઈપણ કાર્યક્રમમાં ન જવું. અરુણાબેન આજ સુધી સાહિત્યના એક પણ કાર્યક્રમમાં ગયાં નથી, તેથી તેમને કોઈએ જોયાં નથી. હા, ઘરે બેસીને સાહિત્ય જગત સાથે તેમનો સંબંધ પ્રગાઢ છે. વચ્ચે એક વાચકે તેમને કહેલું : આ તો સારું છે કે જનકલ્યાણમાં તમારો ફોટો આવે છે નહીં તો અમને એમ કે સાચે જ કોઈ અરુણા જાડેજા છે ખરાં કે નહીં ? દિલાવરસિંહ જાડેજાએ અખંડ આનંદથી અરુણાબેનને લખતાં કર્યાં. કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ સામે ચાલીને પુ. લ. દેશપાંડેના અનુવાદનું કામ સોંપ્યું. વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલની પ્રેરણા અને રતિલાલ બોરીસાગર તો ‘ફાધર, ફિલોસોફર એન્ડ ગાઈડ.’ અરુણાબહેન આદરથી કહે છે : લોકો સાત ગરણે ગાળીને પાણી પીવે. સાહિત્યની બાબતે હું ‘સાગરે’ ગાળીને પાણી પીવું છું, બધું બોરીસાગર સાહેબને પૂછી પૂછીને જ કરવાનું. ૨૦૦૫માં પહેલો અનુવાદ બહાર પડ્યો ને આજ સુધીમાં બારેક અનુવાદો આવ્યા, વખણાયાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ પામ્યા ! મૌલિક લેખો અનેક લખાયા. પોતાનાં મૌલિક બે પુસ્તકો ‘લ-ખવૈયાગીરી’ અને ‘સંસારીનું સાચું સુખ.’

 .

પતિ મહોદયની પોલીસ કારકિર્દી-ગાથા પતિ પાસે લખાવી, સંકલન કરી ‘હૈયું, કટારી ને હાથ’ પુસ્તક છપાયું અને પોંખાયું પણ ! રસોઈ એમનો સ્વભાવ છે. રસવતી અને સરસ્વતી બેઉની કૃપા છે. એમના ૪૮મા વર્ષે ગાડી અને પચાસમા વર્ષે કોમ્પ્યુટર ચલાવતાં શીખ્યાં છે. મંજુએ બાવનમાં વર્ષે પ્રવેશેલી અરુણાતાઈને પેજ મેકરમાં ગુજરાતી ટાઈપ શીખવ્યું. આજે અરુણાબહેન ફોન પર વાતો કરવા કરતાં શુદ્ધ ગુજરાતીમાં કોમ્પ્યુટર પર પત્રવ્યવહાર વધુ પસંદ કરે છે. સાલસ, સહજ અને સ્વીટ એવાં અરુણા જાડેજા વાત પૂરી કરતાં કહે :’દર દશેરાએ ક્ષત્રિય રિવાજ પ્રમાણે શસ્ત્રની અને મરાઠી રિવાજ પ્રમાણે સરસ્વતીની પૂજા સાથે જ થાય. આમ શસ્ત્ર-સાહિત્ય પૂજા એ અમારા સહિયારાપણાનું પ્રતીક.’

 .

( ભદ્રાયુ વચ્છરાજાની )

.

“વિશ્વ સાહિત્ય સંગમ” બ્લોગ પર અરુણાબેન જાડેજાનો પરિચય :

 .

http://gujaratisahityasangam.wordpress.com/2012/06/03/arunaben-jadejaa/

 .

આ સાઈટ પર અરુણાબેન જાડેજા દ્વારા અનુવાદિત, સંપાદિત પુસ્તકોની માહિતી :

 .

હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા

 .

શ્યામની બા – સાને ગુરુજી, અનુવાદ : અરુણા જાડેજા

.

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત, અનુવાદ : અરુણા જાડેજા

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.