
.
‘મમ્મી’ – કેટલો મીઠો શબ્દ છે !
તું પ્રત્યક્ષ ન હોય ત્યારે
અંધકારભર્યા ઓરડામાં આ શબ્દ ઉચ્ચારતાં જ
મારા આખ્ખા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ જાય છે.
.
મમ્મી ,
વહેલી સવારે ઉઠતીવેળાએ તારું મૌનભર્યું સ્મિત ,
તારી આંગળીનાં ટેરવાંનો ખરબચડો સ્પર્શ ,
દૂર બેઠા બેઠા ઘરમાં તારી હિલચાલને
ધ્યાનથી નીરખવામાં મળતો આનંદ,
વિદાય વેળાએ તારી આંખમાં ધસી આવતાં
અશ્રુને ખાળવાની તારી મથામણ –
અને
તેમાં મળતી નિષ્ફળતાની ચાડી ખાતો
તારો રૂંધાયેલો અવાજ .
મમ્મી, આ બધું મારા અસ્તિત્વમાં
સંતાઈ ગયું છે .
.
મમ્મી,
હું તને કદીય શબ્દથી શણગારીશ નહીં .
હું તને ‘ તું ઈશ્વર છે ‘ એમ કહીશ નહીં .
આપણને મળેલાં સુખ, દુ:ખને સાથે બેસી માણીશું
પરસ્પરને સાંત્વન અને ક્ષમા આપીશું
એકમેકની સંભાળ લઈશું
અને આપણી આખરી વિદાય સુધી એકબીજાંને
ભરપૂર પ્રેમ કરીશું કે જેથી
એક સંતોષભર્યા જીવનની અંતિમ ક્ષણને
આપણે બે હાથ લંબાવી આવકારી શકીએ
ને
સવારે ઉઘડતાં પુષ્પના હાસ્ય સાથે
આપણે ચાલી નીકળીએ … … … !
.
( દિનેશ પરમાર )
Really Heart touching, Dedicate to My Aunt…
Really Heart touching, Dedicate to My Aunt…