મારે સુખના – સુરેશ દલાલ

મારે સુખના સામ્રાજ્યના ગુલામ થવું નથી

કે નથી થવું દુ:ખના સામ્રાજ્યના સમ્રાટ.

સુખ અને દુ:ખને હાંસિયામાં ધકેલી દઈ

કોરા કાગળના આકાશમાં

પાનખરના શીતળ સૂર્યની ઉષ્મા લઈને

પ્રવાસ કરવો છે દિનાન્ત સુધી

અને રાતે ચંદ્ર થઈને

સમુદ્રનાં જળને પાગલ કરવાં છે.

ડાળે ડાળે ફૂલના દીવાની જ્યોત પ્રકટાવી શકું

તો એના અજવાળામાં

મારે મારાં નહીં લખેલાં કાવ્યો

મારા એકાન્તમાં વાંચવાં છે

અને પછી નિદ્રાની નિતાન્ત ચાદર ઓઢી

પોઢી જવું છે સ્વપ્નની કુંજગલીમાં.

 .

( સુરેશ દલાલ )

Leave a comment