લઘુકાવ્યો – સુરેશ દલાલ

મારે હાથે હું જ ચઢાવું

તુલસી…

પૂજા હોય ઊછીની નહીં.

હું જ આરતી ગાઉં

ને સાંભળનારો વિષ્ણુ.

*

કિનારો વહેતો હોય

અને નદી સ્થિર હોય

ત્યારે

માણસ મૂંઝાય નહીં

તો શું કરે ?

*

મને સંબંધોનો પારાવાર

ભાર લાગે છે…

નિદ્રા ને જાગૃતિમાં

ઓથાર લાગે છે…

*

લાક્ષાગૃહ જેવા સંબંધો

કોઈ અગ્નિની

ક્યારના રાહ જોઈ રહ્યા છે.

*

આપણે સાથે જ

રહેવાનું હોય

અને તારે તારું

ધાર્યું જ કરવાનું હોય

-તો સાથે રહેવાનો

કોઈ અર્થ ખરો ?

*

રાણાની જંજીરને

ઝાંઝરમાં ફેરવે

તે મીરાં-

કે મીરાંની કવિતા ?

*

ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે

અને દુ:ખ ચંદનલેપ પણ કરે છે.

કોણ શાપ અને કોણ વરદાન

એની ખબર પડતી નથી…

કોઈ ક્યારે અદલબદલ થાય છે

એ અટકળનો નહીં

પણ અનુભવનો વિષય છે.

*

ખૂંધી વળી ગયેલી

સાંજને કહું છું

કે આમ કુબ્જા થઈને

મારી કને આવ નહીં…

મારા સાંનિધ્યમાં સામ્રાજ્ઞી થઈને

પૃથ્વી સિંહાસન પર બેસ

અને આકાશમાં પ્રવેશ.

*

હજી સહજથી દુવાર ખૂલે

કે પવનની ડાળ પર પંખી ઝૂલે

એના વિસ્મય સાથે જીવું છું

-એ મારે માટે તો

જાણે કે ઘટના કહેવાય.

*

રાતના

રાતરાણીની સુગંધથી

વીંટળાઈ વળું છું

અને લયના વિસ્મયમાં

વ્યાકુળ થઈને સૂઈ જાઉં છું અને

સપનાઓની ગલીઓમાં ઘૂમી વળી છું

એ નાનીસૂની વાત નથી.

 .

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.