લઘુકાવ્યો – પન્ના નાયક
(૧)
આપણી પાસે રસ્તો બહુ જ ટૂંકો છે.
તારા શબ્દોનો ભાર ઊંચકીને
હવે મારાથી ચલાતું નથી.
કાં તો તું
પ્રેમને નામે ઠાલું બોલવાનું બંધ કર
અથવા તો
કાયમને માટે
ઊતારી લે આ બોજો…
.
(૨)
આંખો યાદ કરે છે-
પાછું વળીને જોયા વિના
ગાડીનું બારણું ખોલી
બેસી ગયેલાં પગલાં…
.
મન યાદ કરે છે.
પાછું વળીને જોયા વિના
ગાડીનું બારણું ખોલી
બેસી ગયેલાં પગલાં…
.
મન યાદ કરે છે
પાછું વળીને જોયા વિના
ચાલી ગયેલાં પગલાંના ધક્કાથી
બંધ થઈ ગયેલું
ગાડીનું બારણું…
.
(૩)
આંગણે અડકી અડકીને
પાછો ફરી જતો
બપોરના તડકાનાં મોજાંનો
નીરવ ઘુઘવાટ
મારી આંખમાં રણક્યા કરે
સમીસાંજે…
.
(૪)
અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…
.
(૫)
પાંદડાં
ખડખડ હસે
ઉનાળે
ખરખર ખરે
પાનખરે
.
(૬)
ક્યાંકથી ઘૂસી જઈ
મને
એના ભાર નીચે
દાબી
મસળી
જીવતેજીવ મારી નાંખે છે
એક વિચાર
નપુંસક-
.
(૭)
કુંભાર
માટલાને ઘાટ આપે
એમ
આપ્યો છે મને પુસ્તકોએ
આકાર
મને નાણવા
કયા પુસ્તક પર
મારશો ટકોરા ?
.
(૮)
કમળ ખારાં જળમાં
ઊગે
તો
જળકમળવત રહી શકે ખરાં ?
.
(૯)
ગમે એટલી નિષ્ઠા હોય
ગમે એટલી ભક્તિ હોય
તો પણ
કોઈ પણ પનિહારી
જમુનાના જળ વિનાની
ખાલી ગાગરનો ભાર
ક્યાં સુધી ઝીલી શકે ?
ક્યાં સુધી ?
.
(૧૦)
ગળાને રૂંધતી
પ્રશ્નોની વણજાર
અને
ઠાંસી ઠાંસીને
મોઢે મારેલા
અવાક શબ્દોના ડૂચા…
.
( પન્ના નાયક )