લઘુકાવ્યો – પન્ના નાયક Feb21 (૧) ઘરઆંગણે ન ઓળંગાતા ઠરીને બરફ થઈ ગયેલા સ્નોના ઢગલે ઢગલા. . ક્યારે સૂરજ ઊગશે ? ક્યારે ? . (૨) ચાલ્યા કરે છે હજીય તારી ને મારી શોધ કશુંક રચવા. . એ રચાઈ જશે એટલે પતંગિયું ઊડી જતાં નમેલું ફૂલ સ્વસ્થ થાય એમ નહીં રહે કોઈ અજંપ નહીં રહે કોઈ ખેવના. . વિચારું છું- પછી આપણું શું થશે ? . (૩) તું અહીં નથી ને વરસું વરસું થતાં વાદળાંનો ભાર મારે જીરવ્યા કરવાનો ભીનો ભીનો…. . (૪) ઢળતી સાંજે મિત્રની વૃદ્ધ માને મળવા જાઉં છું ત્યારે આંખ સામે તરવરતું હોય છે નવેમ્બરની સવારના તડકામાં જોયેલું ખરું ખરું થઈ રહેલું એક પાન… . (૫) દીવો ઓલવ ! ચાલ, એકમેકને જીવી લઈએ પથારી પર નૃત્ય કરતી ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં… . ( પન્ના નાયક )