ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર – સુરેન્દ્ર કડિયા

ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર
મ્યાન પણ મૂંઝાય છે અંદર ને અંદર

સોંસરો નીકળે પવન જે નાભિમાંથી
આજ એ અટવાય છે અંદર ને અંદર

બહાર કેવાં બુંદ કે ભીનાશ કેવી
આંખ પણ છલકાય છે અંદર ને અંદર

ના પડે કે ઊપડે એકેય પડદો
દ્રશ્ય તો ભજવાય છે અંદર ને અંદર

હાથમાં લે રોજ, પણ ખોલી શકે ના
પત્ર ભીનો થાય છે અંદર ને અંદર

( સુરેન્દ્ર કડિયા )

સાંજ પણ નડે, કદી સવાર પણ નડે – સુરેન્દ્ર કડિયા

સાંજ પણ નડે, કદી સવાર પણ નડે
પાનખર નડે, કદી બહાર પણ નડે
હું ક્ષણોની રિક્તતા ઉલ્લંઘવા મથું
દ્વાર પણ નડે, કદી દરાર પણ નડે
હું કશું પ્રમાણસર કરી શકું નહીં
અલ્પ પણ નડે, કદી અપાર પણ નડે
જીવીએ છતાં સમજની બહાર જિંદગી
મોત પણ નડે, કદી મજાર પણ નડે
આ અહંનો આખરી કિલ્લો પડે નહીં !
કોટ પણ નડે, કદી કગાર પણ નડે
( સુરેન્દ્ર કડિયા )

… થાવા દીજિયે – સુરેન્દ્ર કડિયા

… થાવા દીજિયે
સુખ અથવા દુ:ખ પારાવાર થાવા દીજિયે
એક ટીપું જળ હલેસા-ધાર થાવા દીજિયે
ડૂબવાની પ્રથમિકતાઓ જ ડૂબે સૌ પ્રથમ
ધારમાંથી ધાર અનરાધાર થાવા દીજિયે
એ નશો કે આભલામાં આભલું ઓછું પડે
કુંભ કાચી માટીનો ચિક્કાર થાવા દીજિયે
ટેરવાં કંઈ સમસમી બેસી રહે એવાં નથી
પંડ વાઢી નાખતો પડકાર થાવા દીજિયે
સિંહનો બચ્ચો બનીને શબ્દ તો જન્મી ગયો
અર્થ એના એક-બે ખૂંખાર થાવા દીજિયે
( સુરેન્દ્ર કડિયા )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? – નિયતિનું સંતાન – હરેશ ધોળકિયા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

નિયતિનું સંતાન-હરેશ ધોળકિયા
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પૃષ્ઠ : ૧૮૦
કિંમત : રૂ. ૧૨૫/-