પવનમાં પ્લાસ્ટિકની એક કોથળી-યજ્ઞેશ દવે

ઝાંખરામાં ભરાયેલી ફાટેલી ફરફરતી
પ્લાસ્ટિકની ધોળી એક કોથળી
વાયરાની અમથી એવી એક ફૂંકે
ઊડી,
રમણી બની રમણે ચડી
ઊંચે ને ચડે ચડી
બેલેરિનાની જેમ એક પગ હળવેથી હવામાં ફંગોળી
એક પગે સ્થિર થઈ
ગોળ ગોળ ફરી
તો વળી બીજો પગ બીજી તરફ લહેરાવી
અમથું અમથું નાચી.
ત્યાં તો
પળવારમાં થયો
કથક નૃત્યાંગનાના ચક્રધારનો આરંભ
ઘડીક આમ ફરી ઘેર રચે
તો ઘડીક તેમ
પોતાનામાં જ મસ્ત
એવી તો ચક્કર ચક્કર નાચે
કે લાગે સ્થિર.
એ બાવરી તો નાચતી રહી અદ્દભુત
તિહાઈના કોઈ સમ પર આવ્યા વગર
નાચતી જ રહી
નાચતી નાચતી જ હળવે હળવે ઊંચે ચડી
ઊડી ગઈ તેના દેશમાં-એ પરી !

( યજ્ઞેશ દવે )

Leave a comment