કરી જુઓ-સાહિલ
કદી કામના તણાં કુંભને જો ભરી શકો તો ભરી જુઓ
પૂરા વિશ્વમાં પછી ઈચ્છો ત્યાં જો ફરી શકો તો ફરી જુઓ.
નદી હોય છીછરી તોય શું-મળ્યું બરકરાર નદીપણું
તમે સાવ છીછરા વ્હેણમાં જો તરી શકો તો તરી જુઓ.
જો ઝીલી શકો તો પતંગિયાના પીંછાની છાયા ઝીલી લઈ,
પછી વીજળીના લસરપટે જો સરી શકો તો સરી જુઓ.
તમે બાળકોના નયનને ઊડતી પરીના થોડા સપન દઈ
પછી સુખ તમારી પછેડીમાં જો ભરી શકો તો ભરી જુઓ.
ભલે કલ્પવૃક્ષના છાંયડે તમે આયખું વીતાવ્યાં કરો
અને મનને વશમાં જરા-તરા જો કરી શકો તો કરી જુઓ.
હવે શક્યતા ને અશક્યતાની તમામ ભાંજગડો મૂકી
ને હરિ કનેથી હરિપણું જો હરી શકો તો હરી જુઓ.
તમે ગાંઠ બાંધી છે જેટલી-એ બધીય ‘સાહિલ’ છૂટશે !
એ વિષે વિચારીને જાતરા જો કરી શકો તો કરી જુઓ.
( સાહિલ )