નહિ ટાળું !-વીરુ પુરોહિત
હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !
હતો સમય કે જ્યારે વ્હાલાં થવા કૃષ્ણને જીવતાં;
કરી એકઠાં મોરપિચ્છ, કહાનાનાં વસ્ત્રો સીવતાં !
કાલાવાલા કરીએ ત્યારે માંડ વગાડે બંસી;
એ વેળા થાતું કે હું તો મનસરોવર હંસી !
થયું બધું વેરાન, થોરની વચ્ચે જીવન ગાળું !
હું નહીં શ્યામને ભાળું !
હશે શ્યામને, એના વિણ ગોકુળનો ઊડ્યો રંગ;
કોણ હશે જે મરક-મરકતું ઊભું રહે ત્રિભંગ ?
કહેજો, ઉદ્ધવ ! અમે બધાંયે ભૂલી ગયાં ગઈકાલ;
આ વેળા, મોસમનો સાચ્ચે મબલખ ઊતર્યો ફાલ !
હાશ, નગરમાં કોઈ નથી કરનારું કામણ કાળું !
હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !
( વીરુ પુરોહિત )