સ્પર્શ-મનીષા જોષી

આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ
આજે જાણે નવેસરથી અનુભવાય છે.
લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને
નજર સ્થિર થાય છે,
મારા હાથ પરની કરચલીઓ પર.
કથ્થાઈ રંગના મારા હાથ
ફરી વળે છે,
લાકડાની તિરાડોમાં.
ન સામ્ય, ન વિરોધ.
ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુંવાટી પર હાથ ફેરવું
કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું,
સંવેદનમાં કોઈ ઝાઝો ફરક હોય એવું નથી લાગતું.
અને છતાં મગજમાં હજી પણ પડી રહ્યા છે,
વિવિધ સંવેદનનાં ચોકઠાં કે વિવિધ સ્પર્શની સ્મૃતિઓ.
ક્યારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આ બેન્ચને,
હું દૂરથી જોઉં તો પણ,
મારા હાથ જાણે અનુભવે છે,
ભીના લાકડાના સ્પર્શને.
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો.
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત
પણ મારા હાથમાં વાગે છે
એ ઝીણી ઝીણી ફાંસો.
ક્યારેક વંટોળભરી સાંજે,
ધૂળની એક ડમરી
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર.
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ
હું મારા હાથે સાફ કરું છું
અને પછી ત્યાં બેસી રહું છું,
કલાકો સુધી,
હાથ પરની ધૂળ ખંખેર્યા વિના.
દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,
મારા હાથ પર જામી છે.
આજે ઘણા વખતે,
મારા હાથ મને ઓળખીતા લાગે છે.

( મનીષા જોષી )

મારી જાતને-પન્ના નાયક

હું મારી જાતને રોકી શકતી નથી :
મનુષ્યોને ચાહતાં
વ્યથામાં સહાનુભૂતિ દર્શાવતાં
ખાનગી વાત છાની રાખતાં
દરિયાકિનારે રેતી પર ટહેલતાં
મોજાંઓનો ઘુઘવાટ કાનમાં સંઘરતાં
પાર્કમાં વૃક્ષોનાં પાંદડાં ગણતાં
ઝરણાં સાથે ગોષ્ઠી કરતાં
વરસાદમાં તરબોળ થતાં
ઘાસ પર ખુલ્લે પગે ચાલતાં
સાડીઓમાં સજ્જ થતાં
ભેટસોગાદો આપતાં
ઘર સજાવતાં
ફૂલો ગોઠવતાં
પકવાન પકાવતાં
પુસ્તકો વસાવતાં
કાવ્યો માણતાં
સંગીત સાંભળતાં
વિનોદ વહેંચતાં
અને
આ બધાની વચ્ચે
કવિતા ન લખ્યાનો
વસવસો અનુભવતાં..

( પન્ના નાયક )

મિલિન્દ ગઢવી

12914875_10207468043793994_1602916511_o

જૂનાગઢના વતની એવા કવિ, સંચાલક મિલિન્દ ગઢવીનો જન્મ 1 મે 1985 ના રોજ મેંદરડા (જૂનાગઢ)નાં દેત્રાણા ગામમાં થયો હતોં. (પિતા: ડોં ભરત ગઢવી, માતા: ચંદનબહેન ગઢવી). તેમણે શાળાકિય શિક્ષણ રૂપાયતણ (અમરેલી), Good Samaritan English Medium High School (અમરેલી), ગુરુકુળ (સાવરકુંડલા), Carmel Convent High School (જુનાગઢ), Saint Xevier’s High School (જામનગર), Saint Mary’s School (પોરબંદર), સ્વામી વિવેકાનંદ વિનય મંદિર (જૂનાગઢ) ખાતે લીધુ. 2009 માં તેઓ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Com થયા અને ત્યારબાદ 2011 માં મહારાજા સયાજિરાવ યુનિવર્સિટી, વડોદરા માંથી તેમણે M.B.A ની ઉપાધી મેળવી. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, જુનાગઢ ખાતે આસિસ્ટન્ટ મૅનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે પહેલી કવિતા ધોરણ 6 માં 11 વર્ષની ઉંમરે લખેલી. જ્યારે પહેલી ગઝલ ધોરણ 8 માં હતાં ત્યારે લખેલી. ધોરણ 12 માં આવ્યા પછીથી તેઓ છંદ શીખ્યા અને છંદમા લખવાની શરૂઆત કરી. તેમણે કવિતાના વિવિધ સ્વરૂપો જેવા કે ગઝલ, નઝમ, ગીત, ત્રીપદી, મુક્તક સૉનેટ, અછાદસ, અંજની, ટ્રાયૅલેટ વગેરેમાં કામ કર્યું છે.
Mobile No : 098988 66686, 095865 99699

E-mail Address : milind.gadhavi@gmail.com

Website : http://kavigami.blogspot.com

Bye - Bye

Facebook ID : http://facebook.com/milind.gadhavi

અમે !-કરસનદાસ લુહાર

લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે,
ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે.

કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર-
ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે.

કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ;
વેદના સઘળીય એની આંચકી લીધી અમે.

સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા;
ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે.

શ્વાસ કરતાંયે વધારે એમની નિકટ ગયા;
તોય ના પામ્યા અરેરે સહેજ સન્નિધિ અમે !

( કરસનદાસ લુહાર )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી !
શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી !

ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે;
જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી !

કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને;
બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી !

આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે,
નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી !

નાડી ન હાથ આવે ને ફરકે ન પાંપણો,
ઢાંકીને શ્વેત વસ્ત્ર ઉદાસી લ્યો વૈદ્યજી !

( હરકિસન જોષી )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી !
મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી !

જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો !
નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી !

અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ;
ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી !

એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે;
આષાઢી મેઘ થઈને ગરજ્યો છે વૈદ્યજી !

વણસ્પર્શ્યો રહી બેઠો હતો અંત:કરણમાં,
વીજળીની જેમ આજ વરસ્યો છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

સખી ઝૂલોને-સંદીપ ભાટીયા

સખી ઝૂલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

રંગના વંટોળોયાઓ વનમાં વાટ ભૂલ્યા છે
ઊગવું આથમવું શું દિન કે શું રાત ભૂલ્યા છે
અલ્પ શું આલિંગવામાં શું અફાટ ભૂલ્યા છે
તમેય ભૂલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

હટાવી દો બધા પરદા મિટાવી દો નકાબોને
મોસમ મોકલે છે જાસા રાજાઓ નવાબોને
જાઇ જૂઇ મોગરાઓને ચમેલીને ગુલાબોને
અને બકુલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

( સંદીપ ભાટીયા )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજયંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યાર વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

તમે આવતાં, ઉદ્ધવ ! આજે અમે;
છેલ્લું પાનેય ખરી ગયેલાં વૃક્ષ સમા થૈ ગયાં !
ધૂપ હતા અગરું-ચંદનનો પહેલાં;
આજે આટાકટના વ્યર્થ ગણાતા ધૂમ્ર બની રહી ગયા !

ન’તા જાણતા : ઘટ ભરવાથી;
ઘટ સંગાથે સીંચણિયું પણ ડૂબશે, લથબથ થાશે !
તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

ચકલીઓને પાર જવાની હોંશ;
પરંતુ અંતે થાકી સમુદ્રમાં ડૂબાડી દે છે જાત !
નહીં છલકાશે ઊંડો-સૂકો કૂપ;
ભલેને પક્ષીઓનાં મર્મ વિદારક, ક્રંદન હો’ દિન-રાત !

એક દિવસ જોજો, ઉદ્ધવજી !
માધવ સારુ સારેલાં અશ્રુ અમૃત કહેવાશે !

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

“અમે કર્યો છે પ્રેમ જ કેવળ,” હરખ્યાં જગમાં કથી;
શા સગપણ જોડ્યાં કહાનાએ, અમે જાણતા નથી !
હોય પ્રેમમય, તે સઘળાંને બાહુપાશમાં લે છે;
તેથી જ પહેલાં બધા છોડમાં બે પર્ણો પ્રગટે છે !

વશ કરશું જો ફરી આવશે;
તો, ઉદ્ધવજી ! કદી ન માધવ જાવાનું લ્યે નામ !
કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

મલય પર્વતે ચંદનવૃક્ષો, બીજે બધે બાવળનાં;
યુગો સુધી સહુ ગુણ ગાવાના, માધવન’ને ગોકુળનાં !

રટણ હોય છે એક જ, ઉદ્ધવ ! રોજ અમારું સપને;
કાં તો મારા થાવ, અને કાં સ્વીકારી લો અમને !

એક દિવસ જો જો, ઉદ્ધવજી !
બધા પ્રેમીઓ, ગોકુળ ગણશે ગમતું તીરથધામ !

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

( વીરુ પુરોહિત )