ઈજન-જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ.

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ.

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

( જગદીપ ઉપાધ્યાય )

છત્રી-પ્રીતમ લખલાણી

૧.
છત્રી ખૂલતાં જ
તડકો
આભથી
ધોધમાર વરસે !

૨.
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય.

૩.
માણસને
છાપરા તળે
કોરોકટ ઊભેલ જોઈને
છત્રી
ટહુકતા મોરને કહે :
‘મૂવા, અભાગિયા
અવસરે પણ
ભીંજાઈ ન શક્યા !’

૪.
જો
માણસ
છત્રીની જેમ
ઊઘડી શકતો હોત તો !
કદાચ
આભ
બારેમાસ
મન મૂકીને
વરસતું હોત !

૫.
જ્યોતિષના ઇશારે
ફૂટપાથે
નાચતો પોપટ
છત્રીના છિદ્રમાંથી
દેખાતા
આભ સામું જોઈને
ભવિષ્યનું પાનું
નહીં ખોલતો હોયને ?

( પ્રીતમ લખલાણી )

સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ

તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા,
વાર નહીં લાગે, સમજાય છે ?
આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં,
ફૂલો પણ વાગે, સમજાય છે ?

કાળી આ રાત જેવું જીવન છતાંય
હું તો તારાઓ ગણી ગણી થાકી,
તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક
હજી ચાંદનીને માણવાની બાકી.
ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,
સ્વપ્નો પણ જાગે, સમજાય છે ?

રણઝણવા ઝંખે છે આતુર આ ઉર
રાહ જુએ છે ભીતરના સૂર,
ધાર્યું’તું તમને પણ છેડતાં તો આવડશે
ખૂણે પડ્યું આ સંતૂર.
કેળવો જો કંઠને તો હજી ગાઈ ઊઠીશું,
ગીત એક રાગે, સમજાય છે ?

( મનોજ્ઞા દેસાઈ )

ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો

૧.
તમે કેટલી વખત વિચાર્યું છે કે-
હવે ક્રોધ નહિ કરીએ.

તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને;
બરાબર સમજી ગયા છો કે-
ક્રોધ પાપ છે, ઝેર છે.
તેનાથી કોઈ લાભ નથી થતો.

તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે
ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો;
સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી.

૨.
ક્રોધ જ્યારે તમારા અંતરના બગીચાને
વેરવિખેર કરીને ચાલ્યો જાય છે
ત્યારે ફરીથી ભાન આવે છે
અને તમને પસ્તાવો થાય છે.

પરંતુ હવે પસ્તાવાનો શો અર્થ
જ્યારે નુકશાન થઈ ચૂક્યું ?

આ એક જૂની કુટેવ પડી ગઈ છે.
ક્રોધ કર્યો, પછી પસ્તાવો કર્યો;
ફરીથી ક્રોધ આવ્યો, ફરીથી પસ્તાવો…

આ રીતે ક્રોધ અને પસ્તાવો
એકબીજાના સાથીદાર બની ગયા છે,
તેમાં હવે કોઈ તફાવત જ નથી રહ્યો.

તમારો પસ્તાવો તમારા ક્રોધને રોકી નથી શકતો.

આ હકીકત પરથી એક વાત સ્પષ્ટ થાય છે
કે-તમે હજુ તમારા ક્રોધને યોગ્ય રીતે
તેના વાસ્તવિક રૂપમાં જાણ્યો નથી.

તમે ક્રોધ વિષે માત્ર સાંભળી-સાંભળીને
માની લીધું છે કે – ક્રોધ ખરાબ છે.
પરંતુ તે તમારું પોતાનું આત્મદર્શન નથી.

( ઓશો )

ખિસકોલી-પ્રીતમ લખલાણી

૧.
વસંત
કઈ ડાળેથી પ્રવેશી
વૃક્ષમાં
તેની ખબર હોય છે
માત્ર
ખિસકોલીને જ !

૨.
ફળિયે
ટહુકા વીણતી
ખિસકોલીને જોઈને
કોયલ મૂંઝાઈ, કે
ખિસકોલી મારી જેમ
ટહુકવા તો નહીં માંડેને ?

૩.
કોયલને
ખિસકોલીએ જ
કહ્યું કે ;
‘વસંત આવે છે’.

( પ્રીતમ લખલાણી )

પાંદડું-પ્રીતમ લખલાણી

૧.
ડાળે
એક પાંદડું
ફરફરતું હોય છે
ત્યાં લગી
વૃક્ષને ક્યાં બીક હોય છે
પાનખરની ?

૨.
ફૂલ, ડાળ કે
પંખીથી નહીં પણ
વૃક્ષ ઓળખાય છે
પાંદડાંથી.

૩.
જે દિવસે
કાગડા અને કોયલમાંથી
વૃક્ષ લેશે
કાગડાનો પક્ષ
તે દિવસે તેની ડાળને
લીલાં નહીં પણ
ફૂટશે કાળાં પાંદડાં.

૪.
મોસમના રંગે
બદલાતા વૃક્ષને
સમજી શકે છે માત્ર
પાંદડાં.

( પ્રીતમ લખલાણી )

એટલે તો-બરકત વીરાણી ‘બેફામ’

એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા,
જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા.

જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો,
જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા.

ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.

ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત,
દિલની અંદર લાગણીઓનાંય લીરા થઈ ગયા.

એમ તો સૌએ રડ્યા બેફામના મૃત્યુ ઉપર,
દાટવા માટે પરંતુ સૌ અધીરા થઈ ગયા.

એ મર્યા તો એમ ઊંચકવા પડ્યા બેફામને,
કોઈ મોટા ઘરના જાણે કે નબીરા થઈ ગયા.

( બરકત વીરાણી ‘બેફામ’ )

કોઈ એમ ન માને કે…-પન્ના નાયક

કોઈ એમ ન માને કે હું માત્ર પુસ્તકોથી ઘેરાયેલી છું
લાઈબ્રેરીની બહાર પણ જીવન વહે છે નદીની જેમ
એક બાજુ ઘૂઘવતા અક્ષરોનો અવિરામ સમુદ્ર
અને બહાર ઊછળતા મનુષ્યોના અનેકવિધ ચહેરાઓ.

પ્રત્યેક ચહેરો મારે માટે નહીં લખાયેલી કે નહીં વંચાયેલી
નવલકથા કે નવલિકા કે એક સ્વયં કવિતા છે.
કોઈના સ્મિતના અજવાળે હું આંખોના અધ્યાય વાંચી લઉં છું
તો કોઈકનાં આંસુનાં મુક્તક મારી આંખની છીપમાં હોય છે.

લાઈબ્રેરી તરફ જતો રસ્તો અને લાઈબ્રેરીની બહાર
નીકળતા રસ્તાની હું પ્રવાસી અને યાત્રિક છું
સાંજે નિરાંતે ઝૂલતા વૃક્ષમાંહું પવન સાથે પ્રીત કરું છું
અને પળપળના ઊડતા પતંગિયાનું રચું છું રંગીન ગીત.

મારી ભીતર કેટલાંય કોરાં પાનાં અમસ્તાં તરફડે છે;
એના પર કશું લખતી નથી પણ તારો ચહેરો દોરું છું.

( પન્ના નાયક )

પ્રેમનો મારગ-પન્ના નાયક

પ્રેમની લીલીછમ જાજમ બિછાવેલા રસ્તા પર
પગમાં છાલાં પડે ત્યાં સુધી
અટક્યા વિના
ચાલ્યા કરો છો તમે.

તમને કોણ સમજાવે
કે
આ કહેવાતા પ્રેમનો રસ્તો
ક્યાંય જતો નથી
કે
ક્યાંય લઈ જતો નથી.

તમે ઊભા હતા ત્યાં ને ત્યાં જ
ઊભા છો હજી અને ઊભા જ રહેશો ત્યાં.

છતાંય
મનમાં માનો છો
ને વંચક મનને મનાવો છો
કે
તમે જોજનના જોજન કાપ્યા છે.
હકીકતમાં તો…

( પન્ના નાયક )

ટહુકો-પ્રીતમ લખલાણી

૧.
રાત્રે આ ટમટમતા તારા
એ બીજું કાંઈ નથી.
પણ દિવસે
પંખી ચાંચે આભમાં
વેરાઈ ગયેલા
ટહુકા જ હોય છે.

૨.
કોઈ ઢળતી સાંજે
પંખી ટહુકે ત્યારે
પીંજરું પીગળીને
આભ થઈ જતું હોય છે.


ઊડી જતો
ટહુકો
એવું તે શું કહી ગયો
કે પર્ણ
લાલ-પીળાં થઈ ગયાં ?

૪.
પંખી પૂછે ડાળને
‘જોઈએ છે
ટહુકો ?
તો બોલો તે
કઈ ઢગલીમાં હશે ?’

( પ્રીતમ લખલાણી )