તો લખજે મને-પરાજિત ડાભી

આંસુઓને સારવાનું થાય તો લખજે મને.
દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને.

જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ,
મોતને જો મારવાનું થાય તો લખજે મને.

જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે,
તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને.

ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું,
એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને.

હારવામાં તો હંમેશા હારવું નક્કી જ છે,
જીતમાં પણ હારવાનું થાય તો લખજે મને.

જન્મ આપીને ગુનાઓ પર ગુનાઓ લાદતા,
ઈશને લલકારવાનું થાય તો લખજે મને.

લોહી છાંટીને લખ્યું જે શ્વાસનાં કાગળ ઉપર,
કાવ્ય એ સુધારવાનું થાય તો લખજે મને.

( પરાજિત ડાભી )

એકાંતનો માળો-પન્ના નાયક

મારા ઘરમાં જ એક બગીચો છે
ફૂલોથી સભર
ને
તરબતર.
મને ફૂલોની તરસ લાગી છે
અને
સુગંધની શાંતિને
હું ગટગટાવું છું.

મારા ઘરમાં જ
અનેક પહાડો છે
આ પહાડો સૌજન્યશીલ છે
એ સૂરજને રૂંધતા નથી
કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી.

મારા ઘરમાં જ
એક દરિયો પણ છે
અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે
માછલીઓ નિરાંતને જીવે તર્યા કરે છે.

હું એ દરિયાનાં મોજાં પર
નાનો અમથો માળો બાંધીને
ક્યારેક એકલી એકલી
મારા એકાંતને માણ્યા કરતી હોઉં છું.

( પન્ના નાયક )

સમણાં-ઇસુભાઈ ગઢવી

તમે તો ગોરલ પાછલા પરોઢનાં સમણાં
આખા તે આયખાના અધુરા ઢોલ
ગોરલ, સમણામાં થાય રોજ બમણા.
તમે તો ગોરલ…

અકેડા પાણકામાં પાથરીને પ્રાણ અમે
પાતાળી નદીઓને પૂરી,
શ્વાસોના થોકબંધ ખડક્યા અંબાર તોયે
ભીતરની ભીંતો અધૂરી,
સૂકાભઠ આભલાના ચંદરવે ચિતર્યો
સુખોના સરનામાં નમણાં.
અમે તો ગોરલ…

લીલીછમ ઝંખનાનાં જાળાં ગૂંથીને
અમે સુગરિયા માળાઓ બાંધ્યા,
વેદનાની સોયોમાં ઓરતા પરોવીને
તૂટેલા તાંતણાઓ સાંધ્યા,
આંગણા ઊગેલી કાંટાળી વાડ પર
ફૂલો ફોરમવાની ભ્રમણા
તમે તો ગોરલ…

આવો ઉગાડીએ રણમાં ગુલાબ
ને દરિયામાં વીરડાઓ ગાળીએ,
હેમાળો આંગળીના ટેરવે ઉપાડીએ
ને ધરતીને પાંપણોથી વાળીએ,
આશરાની ઓથ ગોરલ ચપટીક આપો
ભલે પીડાનાં પૂર ડાબાં-જમણાં.
તમે તો ગોરલ, પાછલા પરોઢનાં સમણાં.

( ઇસુભાઈ ગઢવી )