થઈ જાએ-મરીઝ

કોઈ એ રીતે મહોબ્બતનો વિજય થઈ જાએ,
જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાએ.

લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા,
એક જગા પર જો જમા થાય હૃદય થઈ જાએ.

આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં,
સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ.

મળે આંખોથી આંખો, ને બધો સંવાદ થઈ જાએ,
‘મરીઝ’ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાએ.

હૃદયની વાત કહેવાનો મને મોકો નહીં દેજો,
મને ભય છે કશું કહેવા જતાં ફરિયાદ થઈ જાએ.

જીવન શું છે ફક્ત ચૈતન્ય છે બે ચાર દિવસનું,
મરણ શું છે કે આદમી તસવીર થઈ જાએ.

( મરીઝ )

Leave a comment