અંધારું-પ્રવીણ દરજી

અંધારું
ચોર પગલે
ઊતર્યું
પહાડ પર
ઝાડ પર
વાડ પર
અને
ગબડ્યું ખનિકામાં
પ્રસર્યું
મેદાને
નદી-નાળે
ગામ-ઘર
અને
ફળિયે
પછી
અટક્યું
સમુદ્રમાં
એકાકાર થઈ
સમુદ્રરૂપે.
અંધારું
બસ,
અંધારું જ છે !
અંધારું
એટલે
અંધારું…
એટલે…

( પ્રવીણ દરજી )

સળગવા એક ક્ષણ માગી…-જગદીશ ગુર્જર

અપેક્ષા એક ક્ષણ માગી રે મિતવા,
નિકટતા એક ક્ષણ માગી રે મિતવા.

જગત રંગીન તારા આગમનથી,
નીરખવા એક ક્ષણ માગી રે મિતવા.

ઋતુ ભીનાશની ઘરમાં જ આવી,
પલળવા એક ક્ષણ માગી રે મિતવા.

તું પડખે હોય તો એ પણ કબૂલું,
ભટકવા એક ક્ષણ માગી રે મિતવા.

નીરવતામાં હલે છે તારાં કંકણ,
રણકવા એક ક્ષણ માગી રે મિતવા.

તેં શણગારી છે રાતો જાગરણથી,
સળગવા એક ક્ષણ માગી રે મિતવા.

છે તારા સ્પર્શનો દરિયો તરંગિત…
ઊછળવા એક ક્ષણ માગી રે મિતવા.

( જગદીશ ગુર્જર )

ક્ષણનો ઉદ્દગાર-જગદીશ ગુર્જર

હું આદિ-અનાદિનો વ્યાપાર છું,
પરમ ચેતનાનો, હું આકાર છું.

તમે જોઈ લ્યો, અન્યથી પર નથી,
નિરાકાર છું, શુદ્ધ સાકાર છું.

આ વ્યક્તિત્વનું હું સ્વયમ કેન્દ્ર છું,
ચિદાકાશનો સહજ સત્કાર છું.

આ વળગણ છે શેનાં…ને જંજાળ શી,
અહમથી અલગ એક ચિત્કાર છું.

આ કોલાહલોમાં તને શોધતો,
હું અસ્તિત્વનો એક ચમત્કાર છું.

મેં દરિયો અલખનો ઉલેચી લીધો,
અતિ ધન્ય ક્ષણનો હું ઉદ્દગાર છું.

( જગદીશ ગુર્જર )

એ તું જ છે-નીતિન વડગામા

હાથમાં કાગળ ધરે એ તું જ છે,
અક્ષરો થઈ અવતરે એ તું જ છે.

સાવ ભૂંસે છે ભુલાવી દઈ બધું,
એ પછીથી સાંભરે એ તું જ છે.

સાતમા પાતાળનું તળ તાગવા,
છેક ઊંડે ઊતરે એ તું જ છે.

સાવ સૂના હાડમાં આઠે પ્રહર,
શ્વાસરૂપે સંચરે એ તું જ છે.

ડૂબતાંને તારવા મઝધારમાં,
એક તરણું થઈ તરે એ તું જ છે.

લોક ઊભા છે ઉગામી પથ્થરો,
માત્ર ફૂલો પાથરે એ તું જ છે.

બાથ આખા વિશ્વને ભરવા સતત,
વ્હાલ થઈને વિસ્તરે એ તું જ છે.

( નીતિન વડગામા )

સાંજ-પ્રીતમ લખલાણી

૧.
બાવળને છાંયડે
ખરે બપોરે
બેઠો હોય છે તડકો રાહમાં
સાંજ ક્યારે
આવશે ?

૨.
સાંજનો
નમણો નાજુક
ચહેરો જોતાં જ
પંખી તો શું
સૂરજને પણ
યાદ આવે છે ઘર !

૩.
પંખીને
પરીઓની વારતા કરવી
સાંજ
વૃક્ષ ડાળેથી
ક્યાં ખોવાઈ ગઈ ?

4.
સીમ ચરીને
પાછી ફરતી સાંજ
છલકાય છે
બોઘરણે !

૫.
દિવસભર
ચોવટ-ચુગલીમાં
ડૂબેલો ગામનો
ચોરો
સાંજના આગમને
કેવો થઈ ગયો
ઈશ્વરમાં લીન !

૬.
શંખ ફૂંકવા
પડાપડી કરતી,
કપ્પ્રની મઘમઘતી
સુગંધમાં
ઝૂમતી,
ઝાલરમાં રણકતી,
ઠાકોરજીને
હાથજોડ કરતી
સાંજ
ઝાંઝર રણકાવતી
પવનનો હાથ પકડી
ક્યાં ગઈ ?

( પ્રીતમ લખલાણી )

બપોર-પ્રીતમ લખલાણી

૧.
હોલા સાથે
પીલુડીને છાંયડે,
બપોર
આવનારી સાંજનું
સંગીત રચે.


ભેંસની પીઠે ચઢી
બપોર ગામના
તળાવમાં
ધૂબકા મારે

૩.
ધણને સીમમાં
ચરાવતાં
પસીને લદબદ થયેલ
બપોર,
વડલાની વડવાઈએ
હીંચકા ખાય !

૪.
ટાઢા પહોરની રાહમાં
બપોર
માથે ફાળિયું ઓઢી,
ફળિયે કેવી
ઘસઘસાટ ઊંઘતી પડી હોય છે !

( પ્રીતમ લખલાણી )

અજવાળું-પ્રીતમ લખલાણી

૧.
પાટીપેન,
લખોટી અને ગરિયા વચ્ચે
શૈશવ બેઠું છે
લઈ સ્મરણનું અજવાળું.

૨.
દીવાના અજવાળે
તુલસી ક્યારાને
મહેંકતો જોઈ
રોજ સવારે આંગણું ઝળહળી
ઊઠે !

૩.
ગોખે-ચપટીક અજવાળે
દેવ બેઠા છે ખુશ !

૪.
ઝળહળતા મોંઘેરા દીપ
પ્રગટાવ્યા બાદ પણ
રાજમહેલ ક્યાં પામી શકે છે
ઝૂંપડીએ ટમટમતા દીવાના
અજવાળાની ખુશી !

( પ્રીતમ લખલાણી )

હરદ્વાર ગોસ્વામી

Hardwar Goswami

ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટીમાંથી M.A ની ડિગ્રી મેળવી. ત્યારબાદ 2002માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી M. Phil ની ડિગ્રી મેળવી. (સંશોધન ગ્રંથ: ત્રણ ગઝલકારો-એક અધ્યયન). 2000ની સાલથી તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના વિઝિટીંગ લૅક્ચરર તરીકે જોડાયા. એ પછી એમ.પી આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજ (અમદાવાદ) અને એસ. એલ. યુ કૉલેજ (અમદાવાદ)માં લેક્ચરર તરીકે સેવાઓ આપી. 2013થી તેઓ ફુલ-ટાઈમ કવિ, સંચાલક, ગીતકાર અને નાટ્યકાર તરીકે વ્યસ્ત છે. તેમણે કાવ્યસર્જનનો પ્રારંભ તેમના શાળાજીવન દરમિયાન કર્યો હતો. ધોરણ-11માં તેમની કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. 2007માં તેમની ગઝલો ‘વીસ પંચા’ નામના સંપાદનમાં (અન્ય ચાર યુવા કવિઓ અનિલ ચાવડા, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ અને ચંદ્રેશ મકવાણા સાથે) સ્થાન પામી. 2005માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ 2009ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે. તેમણે નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને 1995ંનુ જ્યારે ‘નાટકનું નાટક’ ને 1996ંનુ બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ડૉ. ધીરુ પરીખ હરદ્વાર ગોસ્વામીની કવિતા વિશે કવિલોક મે-જૂન (2015) માં નોંધે છે: “હરદ્વારના સર્જનની અતિ મહત્વની વાત એ છે કે અતિ હ્રદયસ્પર્શી સંવેદન તેઓ ખુબ જ ઓછા શબ્દોમાં અસરકારક રીતે મુકી આપે છે. આમ કરવા જતાં તેઓ કવિતાતત્વને હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી રાખે છે”.

E-mail : hardwargoswami@gmail.com

સ્ત્રી-પ્રીતમ લખલાણી

૧.
પ્રિયતમામાંથી
પત્ની થવા
સ્ત્રી
આખું આયખું
લાગણીના કિચનમાં
અને
સંબંધોના
લિવિંગરૂમમાં
ખર્ચી નાખે છે !

૨.
બિચારી
સ્ત્રીએ
જીવનના
પ્રત્યેક તબક્કે
ઘરના ઉંબરનો
ખ્યાલ કરવો પડે છે !

૩.
ફળફૂલથી
લચી પડેલી ડાળથી,
પાંખ ફૂટતાં જ
માળેથી ઊડી ગયેલાં પંખીની,
પાનખરમાં રાહ જોતાં વૃક્ષની
પીડાને
જો આપણે સમજી શકીએ તો,
સ્ત્રીની જીવનવ્યથાને
સમજી શકીએ !

( પ્રીતમ લખલાણી )

મારે ટેરવે-આબિદ ભટ્ટ

સ્પર્શનો અભ્યાસ મારે ટેરવે,
શબ્દનો વિન્યાસ મારે ટેરવે.

સો અષાઢો સામટા વરસી જજે,
સાત રણની પ્યાસ મારે ટેરવે !

મેંશ આંજી સૂર્ય આંખે એટલે,
છે જરા કાળાશ મારે ટેરવે.

ચિત્ત ચગડોળે ચડે તો પૂછતે,
છે સકળનો ક્યાસ મારે ટેરવે !

ઝંખના તારી જ છે આઠે પ્રહર,
શ્વાસનો વિશ્વાસ મારે ટેરવે !

ભીતરે છે આગ એની જ્યોતનો,
ખૂબ છે અજવાસ મારે ટેરવે !

( આબિદ ભટ્ટ )