માણસ છું-બાબુલાલ ચાવડા ‘આતુર’

ચમકે ના ચમકે એવા ચાંદરણા જેવો માણસ છું,
ડૂબતો માણસ ઝાલે છે એ તરણા જેવો માણસ છું.

કોઇ શિકારી રાજી ક્યાં છે તીર પોતાનું વેડફવા?
કસ્તૂરીને ખોઇ ચૂકેલા હરણા જેવો માણસ છું.

માંડ રળે છે કોઇ પેટિયું ફૂટપાથે ફેલાવીને,
જર્જર, મેલા-ઘેલા એ પાથરણા જેવો માણસ છું.

જે દરિયાને મળી નથી એ નદીની પીડા જાણું છું,
કોઈ નદીને મળે નહીં એ ઝરણા જેવો માણસ છું.

છપ્પનભોગી ઓડકારની સામે થાકી-હારીને,
ભૂખમરાએ શરુ કરેલા ધરણા જેવો માણસ છું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

ઓ સાથી!-બાબુલાલ ચાવડા ‘આતુર’

નરી આંખે નિહાળી છે, કૃપા પ્રગટી છે, ઓ સાથી!
ગગનના ગોખમાં ઝળહળ ઋચા પ્રગટી છે, ઓ સાથી!

રુંવાડાભેર આ હોવાપણું શ્લોકત્વ પામ્યું છે,
અતિશય આર્તનાદે વેદના પ્રગટી છે, ઓ સાથી!

ડચૂરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો!
ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે, ઓ સાથી!

અહો, ઊમટ્યાં છે કંઈ ગંધર્વ ને કિન્નરનાં ટોળાંઓ,
અજાણ્યાં વિસ્મયોની આવ-જા પ્રગટી છે, ઓ સાથી!

સમયના શુષ્ક વેરાને રઝળતા શ્વાસમાં અંતે,
નવેસરથી પુરાતન ભવ્યતા પ્રગટી છે, ઓ સાથી!

પ્રગટશે કંઈ નવું ’આતુર’ હવે આ સખ્યમાંથી પણ,
અહીં તું છે ને શબ્દોની લીલા પ્રગટી છે, ઓ સાથી!

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

કેટલાક વળી-તુષાર શુક્લ

કેટલાક વળી વર્ષગાંઠે ઉદાસ બની જાય છે
વિચારે છે કે એક વર્ષ ઓછું થયું…
વિચારી તો એમ પણ શકાય ને કે એક વર્ષ વધ્યું?!
પ્યાલો અરધો ખાલી ય છે.
પ્યાલો અરધો ભરલો ય છે.
બંને સત્ય છે!

સવાલ સમજણનો છે. દ્રષ્ટિનો છે.
જે જીવનને માણે છે એ વધઘટના હિસાબમાં નથી અટવાતા.
જે વર્ષોને વેડફે છે એ જ વર્ષ ઘટ્યાનાં રોદણાં રડે છે.
સમય ન હોવાની ફરિયાદ કરનારાનું સમયપત્રક જ,
વાસ્તવમાં, ખોટું હોય છે!

દિવસ આખાનું વ્યવસ્થિત આયોજન હોય
એમની પાસે ઉડાડવા માટેનો ય સમય હોય છે.
સમયને વેડફનારાને જ સમય ખૂટે છે!

( તુષાર શુક્લ )

વર્ષગાંઠે-તુષાર શુક્લ

વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે,
અનુસંધાય છે જીવન સાથે.
આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને
જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને.

વળી એક વર્ષ…વળી એક ગાંઠ…
આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ.
વર્ષગાંઠ બંધન નહિ,
અનુસંધાન બની રહે જીવનનું
તો જ ગમે ગાંઠને ઉજવવાનું.

( તુષાર શુક્લ )

કુશળ પતંગબાજ-તુષાર શુક્લ

કુશળ પતંગબાજ પોતાના પતંગને અનુકૂળ દોરી રાખે છે.
એ એમાં ઝોલ પડવા નથી દેતા.
અનાવશ્યક અજાણ દોરના લપટાવાથી પોતાની
દોરને ઝૂમઝૂમ થવા નથી દેતા.
એ પતંગના ઉડ્ડયનને અનુરૂપ દોર રાખે છે.
એમની કુશળતા કદી ય અગાશી પર દોરીનો ઢગલો થવા દેતી નથી.
એમના આ કૌશલને સાથ મળે છે સજ્જ ફિરકીધારકનો.

ફિરકી પકડનાર પતંગ ઉડાડતા નથી,
પણ એને ઉડતા રાખવામાં સહાયક જરૂર સિદ્ધ થાય છે.
એ આવશ્યકતા પ્રમાણે દોરીનો પ્રવાહ જાળવે છે.
દોરી ગૂંચાય નહિ એનું ધ્યાન રાખે છે.
અને દોરી ગૂંચાય તો એને ઉકેલી નાખે છે. ન જ ઉકલે તો ગાંઠ મારે છે.

આ ગાંઠ મારવાનો નિર્ણય સમયસરનો હોય તે જરૂરી છે.
એ ગાંઠ મારવામાં પ્રવીણ હોય છે.
એણે મારેલી ગાંઠ, દોરને આગળ સરકવામાં ઓછામાં ઓછી અડચણ રચે છે.
અને, અધવચ્ચે છૂટી પણ નથી જતી.
ગૂંચ પડે નહિ, અને પડે ને ઉકલેનહિ
તો નવી ગાંઠ મારતા ય આવડવું જોઈએ !

( તુષાર શુક્લ )

ગાંઠ બાંધનારા-તુષાર શુક્લ

ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે.
એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે
એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે.
ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે.
કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે
કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય.

જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય
જ્યાં કશુંક છૂટતું હોય અને એને જાળવી લેવું જરૂરી હોય
ત્યાં ગાંઠ આવકાર્ય છે.

અલબત્ત, ગાંઠ ગાંઠ જ છે.
એને ભૂલો નહિ તો
ગમે તેટલી ઝીણી ગાંઠ પણ ખટક્યા કરે છે.

પતંગરસિકો જાણે છે દોરીમાં જો આવી ગાંઠ આવે તો દોરી
સરકતી અટકે છે ને પેચ કપાય છે.
પવન અનુકૂળ હોય છતાં ય પતંગ કપાવાની પાછળ દોરીમાંની આ ગાંઠ છે.

વર્ષોની ગાંઠે જો વ્યક્તિ બંધાય તો એની ગતિ રૂંધાય
અને જીવન ગંધાય !

( તુષાર શુક્લ )

સૂર્યને-અનંત રાઠોડ “અનંત”

નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને,
કોઈ વ્હેલી સવારે પૂર્વમાંથી લઇ અને ચાલી ગયું છે સૂર્યને.

અચાનક ક્યાં ગયા ઝાકળના ટીપાં, સાચવ્યા’તા આપણે જે ફૂલ પર,
હા, નક્કી આપણા બે માંથી કોઈ એક જણ અડકી ગયું છે સૂર્યને.

હવે આ સાંજના અંધારને ક્યાં મૂકશું એ પ્રશ્ન છે ચારે તરફ,
સમીસાંજે જ આવી આપણી વચ્ચે કોઇ મૂકી ગયું છે સૂર્યને.

હવે એ એક જણ બેઠું છે સૂનમૂન આંગણે દિવો જલાવીને ‘અનંત’,
કરીને બંધ બે આંખો હવે એ એક જણ ભૂલી ગયું છે સૂર્યને.

( અનંત રાઠોડ “અનંત” )

નાસી ગયેલ છે-અનંત રાઠોડ “અનંત”

એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે,
છીંડુ મુકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે.

માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો,
નક્કી અરીસો કૈંક તો બાફી ગયેલ છે.

એવી રીતે લોકો કરે છે મારી છાનબીન,
જાણે કોઈ મારામાં કૈં દાટી ગયેલ છે.

તસવીરને જોતી રહી વરસી ગયેલી આંખ,
તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે.

( અનંત રાઠોડ “અનંત” )

આજ-અનંત રાઠોડ “અનંત”

ચીંતા મને એના વિષેની થઇ રહી છે આજ,
નાનકડી એ સમજણ શિખામણ દઇ રહી છે આજ.

કિસ્સો પતાવી દઉં ? ગળું એનું દબાવીને?
તારી પ્રતીક્ષા શ્વાસ છેલ્લા લઇ રહી છે આજ.

ઇશ્વર કરે ને કોઇ રસ્તામાં ઉઠાવી જાય,
એકલતા ઘરની ક્યાંક ફરવા જઇ રહી છે આજ.

ચાકુ લઇ આવી રહ્યા છે સ્વપ્ન સૌ ‘અનંત’,
આંખો મને ભાગી જવાનું કહી રહી છે આજ.

( અનંત રાઠોડ “અનંત” )

કશું કહેવું નથી-અનંત રાઠોડ “અનંત”

વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી,
દરરોજ ચાલે જીવ સટોસટ યુધ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી.

તૈયાર થઇને હોંશથી, સામાન લઇને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી,
ને સ્હેજ માટે બસ ચૂકી ગ્યા એ બધા સપના વિશે મારે કશું કહેવું નથી.

શરણાઈ લઇને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ વગર આવ્યો હતો,
ને ગામમાં મુકતો ગયો એ મૌનનાં ભડકા વિશે મારે કશું કહેવું નથી.

મોટા ઘરોની દીકરીની જેમ એ આવે અને એકાદ ક્ષણ જોવા મળે,
એકાદ ક્ષણનાં એ ખુશીનાં ઠાઠ ને ભપકા વિશે મારે કશું કહેવું નથી.

( અનંત રાઠોડ “અનંત” )