ફાગણનો ઘૂંઘટ-ચેતન શુક્લ ‘ચેનમ’

હળવેથી ફાગણનો ઘૂંઘટ ખોલો તારણહારા,
શ્વેત રંગની અંદર બેઠા જાનીવાલીપીનારા.

ગુલાલની મુઠ્ઠીમાં છલકે સ્પર્શ કાજની આશા,
કોણ ત્વચા પર રંગો ઘૂંટી ઉકેલશે એ ભાષા,
આખી મોસમ તારી આંખે કેફ કસુંબલ પીનારા.

કેસૂડાંની ખિસકોલી ત્યાં બેઠી મહુડો ફોલે,
વાસંતી વૈભવને કાંઠે કલરવ ટહુકા ડોલે,
ગુલમ્હોરી ગીતોમાં પંખી કેમ કરે સિસકારા.

કોણ ઋતુમાં રંગ ભરે ને કોણ ભરે પિચકારી,
ગરમાળાના ઝુમ્મર નીચે કોણ કરે ચિચિયારી,
કુદરત પાસે અરજી લઈને આવ્યા છે રંગારા.

( ચેતન શુક્લ ‘ચેનમ’ )

Leave a comment