આવે છે-ભાવિન ગોપાણી

હવે બજારની છેલ્લી દુકાન આવે છે;
ખભેથી ભાર ઉતારો સ્મશાન આવે છે.

લડાઈ રોજ હું કરતો રહ્યો છું, કારણ કે,
સ્વભાવ છે જ જટાયુ, વિમાન આવે છે.

તું જ્યારે મારી ખબર કોઈને પૂછી લે છે,
મનેય મારી ઉપર ત્યારે માન આવે છે.

ઘરે રહું તો સતાવે સફરનો શોખ અને,
સફરમાં યાદ સતત ખાનદાન આવે છે.

મદદનું એક વખત પાટિયું લગાવ્યું’તું,
શિખામણોનું લાગતાર દાન આવે છે.

ચિરાગ એટલે આવી શક્યા ન બહાર કદી,
ગલીના નાકે હવાનું મકાન આવે છે.

( ભાવિન ગોપાણી )

Leave a comment