પ્રગટી જ્યોત જ્યાં-રાજેશ વ્યાસ “મિસ્કીન”

ના રહ્યો વર્ષો જૂનો અંધાર પ્રગટી જ્યોત જ્યાં,

થઈ ગયું ઘર તેજનો અંબાર પ્રગટી જ્યોત જ્યાં.

.

એક સરખો છે બધે ધબકાર પ્રગટી જ્યોત જ્યાં,

દેહમાં હું દેહનીયે બ્હાર પ્રગટી જ્યોત જ્યાં.

.

તેલની માફક પુરાતું જાય છે કેવળ સ્મરણ,

માત્ર અજવાળું જ અપરંપાર પ્રગટી જ્યોત જ્યાં.

.

અણસમજમાં કેટલા આભાસ અંધારે રચ્યા,

ના કશું આ પાર કે ઓ પાર પ્રગટી જ્યોત જ્યાં.

.

વસ્ત્ર જુદાં લાગતાં’તાં સ્પર્શની સીમા થકી,

તેં વણેલા જોઉં સઘળા તાર પ્રગટી જ્યોત જ્યાં.

.

તું ઝલકતી સર્વ રૂપે, છે સ્વયમ સૃષ્ટિ જ તું,

શોધવો ક્યાં જઈ હવે સંસાર પ્રગટી જ્યોત જ્યાં.

.

પૂર કેવાં ઊમટ્યાં સઘળું તણાયાની મઝા,

ક્યાં હવે એ ગ્રંથ કે એ સાર પ્રગટી જ્યોત જ્યાં.

.

કોઈ મારાથી અલગ ના, હું અલગ ના કોઈથી,

થઈ ગયું કંઈ એમ એકાકાર પ્રગટી જ્યોત જ્યાં.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.