
.


.


.
અમે સંતના ચેલા.
લોક ભલે ને અવગણતા ને ગણતા ગાંડાઘેલા !
.
શાતા આપે એ જ અમારું એક અસલ સરનામું,
રુદિયાને ના રુચે એ સઘળુંયે સાવ નકામું.
કોઈ કહે બડભાગી અમને, કોઈ કહે વંઠેલા !
અમે સંતના ચેલા.
.
એ જ અમારી અંદર મ્હોરે વડલો થઈ ઘેઘૂર,
કેમ કરીને થાવું ખુદના પડછાયાથી દૂર ?
આંખ મળે ત્યાં આપોઆપ જ થઈ જાતાં અલબેલા !
અમે સંતના ચેલા.
.
( નીતિન વડગામા )

.
અસ્તિત્વને ખોયા વિના અત્તર થવાય ના,
ચાલીને કાંખઘોડીથી પગભર થવાય ના.
.
એ મારો પિંડ છે કે હું ઉત્તર બની શકું,
તું પ્રશ્ન છે, ને પ્રશ્નથી ઉત્તર થવાય ના.
.
પીવું અને પચાવવું એની કમાલ છે,
પીવાથી માત્ર ઝેર કંઈ શંકર થવાય ના.
.
ઓળખ અલગ અલગ છે અહીં પ્રત્યેક જીવની,
કોઈથી પણ કોઈની બરાબર થવાય ના.
.
આંગણ હો આપણું અને ઉત્સવ હો આપણો,
‘નાદાન’ પારકાને ત્યાં અવસર થવાય ના.
.
( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

.
ન આદિ અંત જેની વાત એ માંડીને બેઠો છું,
સમયના ફીંડલાને ખૂંટીએ ટાંગીને બેઠો છું.
.
ન ઝંઝાવાતનો છે ડર, ડરાવે શું હવે આંધી,
દીવાની વાટને બે હાથથી ઢાંકીને બેઠો છું.
.
દિશાઓને ગજવવાના થવાના ચૂર સપનાઓ,
વહી વંચા ! હું મારા ભાગ્યને વાંચીને બેઠો છું.
.
હવે નહિ ઘૂઘવે મોજાં, હવે સંભળાય નહિ ગર્જન,
ઈલમથી સાત સાગરની નજર બાંધીને બેઠો છું.
.
ઘૃણાઓના પડ્યા હેવા અને બંધાણ જખમોનું,
જનોઈ વાઢ કાતિલ ઘાવ હું સાંખીને બેઠો છું.
.
રજતનો પાસ લાગ્યો કેશને ‘બેજાન’ ઉતાવળ કર,
પ્રતીક્ષા આંખમાં શબરીની જો આંજીને બેઠો છું.
.
( બેજાન બહાદરપુરી )

.
ક્યાં સુધી અટકળ ઉપર જીવી શકું ?
તું કહે, એ પળ ઉપર જીવી શકું.
.
સૂર્ય છોને ભાગ્યનો ઊગ્યો નહીં,
આંસુની ઝળહળ ઉપર જીવી શકું.
.
ટેરવામાંથી સતત ટપક્યા કરીશ,
શબ્દ છું ! કાગળ ઉપર જીવી શકું.
.
ચોતરફ વાતાવરણ ભીનું થયે,
જળ બની ખળખળ ઉપર જીવી શકું.
.
છે અજાણી ભોમકા તો શું થયું ?
શક્ય છે અંજળ ઉપર જીવી શકું.
.
( ‘વિવશ’ પરમાર )

.
આયખું અંધારને ઘેરી વળ્યું છે કે પછી અંધાર મારા આયખાને કૈં ખબર પડતી નથી,
ચોતરફથી ક્યારનો ભીંસી રહ્યો છે શૂન્યનો આકાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.
.
શ્વાસનો જો હોય પ્રશ્ન તો હવાની કો’ કચેરી જઈ અને બે-ચાર શ્વાસોનો ઘટાડો હું કરત,
પણ હવે કૈં ક્યારનો સૌ સ્વપ્નનો લાગી રહ્યો છે ભાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.
.
શુષ્કતાને ત્યાગવા માટે કરી છે એક સુક્કા પાંદડાએ લ્યો હવે અરજી અમારા નામ પર;
શું કરું ? મંજૂર રાખું ? કે પછી સૌ રદ કરું આધાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.
.
રાતના સૂનકારને તોડી રહેલી સ્વપ્નતાં એ આવનારી કાલનો સંકેત નહિ તો શું હશે,
આંખ ફરકે, ક્યારનું ધબકી રહ્યું છે હૈયું વારંવાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.
.
સત્યમાં સાબિત થવા દોડી રહી છે એક અફવા ક્યારની આ શહેરના રસ્તા ઉપર ચારે તરફ,
શું થશે ? સાબિત થશે ? કે આખરે બનશે બધે ચકચાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.
.
( જિતેન્દ્ર પ્રજાપતિ )

.
હા, હવાથી જ્યોત થરથરતી હતી,
પ્રાર્થનામાં આંખ ઝરમરતી હતી !
.
વૃક્ષ થોડું કૂંપળોને એમ કે’,
કે હયાતી પાંદડે ખરતી હતી !
.
વાદળી હારી બિચારી દોડમાં,
આંખ બારેમાસ નીતરતી હતી !
.
ચીંધવાને આંગળી ગઈકાલ તો,
કો’ મહાહસ્તી ય અવતરતી હતી.
.
તીર આવ્યું એ તરફ મિત્રો હતા,
લાગણી તેથી જ ચરચરતી હતી.
.
છોકરીની વાત અફવા નીકળી,
જિંદગી તો મોત પર મરતી હતી !
.
નીચલા તરસ્યા રહે એ ઠીક ના,
માટલી એ ખ્યાલથી ઝરતી હતી.
.
( આબિદ ભટ્ટ )

.
હાથ, હૈયું ને હલેસાં જોઈએ;
સાવ પાસે ના કિનારા જોઈએ.
.
ઈશને પણ એકલું ગમતું નથી,
મિત્રના કાયમ જમેલા જોઈએ.
.
કૈં નહીં તો એટલું તો કર, ખુદા,
ચોતરફ ચહેરા હસેલા જોઈએ.
.
એકલું આ ભીંતને ગમતું નથી,
ભીંત પર ફોટા મઢેલા જોઈએ.
.
મુશ્કિલો જો આવશે, સત્કારશું;
દેહમન કાયમ કસેલાં જોઈએ.
.
કોણ, ક્યારે થૈ અતિથિ આવશે ?
બારણાં હરદમ ખૂલેલાં જોઈએ.
.
( આહમદ મકરાણી )

.
કરે છે કામ ખોટા ને પછી પસ્તાય પાછળથી,
થયેલી ભૂલ નાની પણ પછી સમજાય પાછળથી.
.
ગણ્યાં અંગત અમે જેને સ્વજનથી પણ વધારે તો,
મદદ માગી જરા કે લાગણી પરખાય પાછળથી.
.
સતત ગૂંથ્યા કરે છે જાળ અંગત સ્વાર્થના કાજે,
નથી એ જાણતાં એમાં જ ખુદ અટવાય પાછળથી.
.
તમે જો બીજ વાવો તો પછી હંમેશ જળ સિંચો,
થવા વટવૃક્ષ જોજો કૂંપળો ફણગાય પાછળથી.
.
ઉદાસી સાગરે વ્યાપી ગુમાવી જળ પ્રખર તાપે,
મિલન જેનું થવાનું એ નદી છલકાય પાછળથી.
.
( હરીશ પંડ્યા )