ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ?
શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ !
વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય;
ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?!

પ્રેમ પદારથ વિરલ જગે, જ્યાં જ્યાં ગોકુળ ત્યાં ગળે !
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

કુશળ ગવૈયા વ્રજે ઘણા, જે ગાઈ દીપ પ્રગટાવે;
માધવ વીણ તો કોણ ભીતરી અંધારું અળપાવે ?
રોષ કરે, વલવલે, પવનની સાથે ઝગડી પડે;
અણસમજુ, રેતીનો કૂબો તૂટ્યાથી પણ રડે !

ઝૂરો જનમભર, પણ માધવને મળવું હોય તો મળે !

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં;
એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં !
રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે;
શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ?

મથુરાની ગત મથુરા જાણે;
અમે જાણીએ, અહીં પ્રેમનું મચી જતું રમખાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

દૈવ અમારું ગયું રૂઠી, ના કશો કીધો અપરાધ;
તમે મેળવ્યું મધુ, અમારે હિસ્સે છે મધમાખ !
જીવતર લાગે હવે દોહ્યલું, આયુષ લ્યો વાઠીને;
ઉદ્ધવજી ! લઈ જાઓ, દઈએ સહુના જીવ કાઢીને !

તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો;
થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ?
સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી;
વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી !

રહ્યાં અ-સાવધ અમે, રમ્યો એ દાવ કપટનો ધાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

વસ્ત્ર વિના તો દાખવશે શી રીતે કલા રંગારો ?
ઘાસ નથી તો આપોઆપ જ ઠરી જશે અંગારો !
એક વૃક્ષ પણ હોય નહીં એવાં રણમાં આથડશે;
વનરાવન, ગોકુળ માધવને ક્ષણે ક્ષણે સાંભરશે !

થાય કદી પસ્તાવો, કહેજો : આવે થાક્યો – હાર્યો !

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

( વીરુ પુરોહિત )

ફરી એક વાર..-કુમાર જૈમિનિ શાસ્ત્રી

૧.
આજે ફરી એક વાર
મનના ગોકુળિયામાં
બાલકૃષ્ણની બંસી બજી ઊઠી છે
એક કાચ્ચી-કુંવારી છોકરી
ભર ઊંઘમાંથી
આળસ મરડીને
જાગી ઊઠી છે…

૨.
યુગોયુગોથી સુષપ્ત નસોમાં
ઉન્માદના હરણાં ને સસલાં
કૂદાકૂદ કરી
મર્યાદા-બંધોને તોડીફોડીને
તહસ-નહસ કરી રહ્યાં છે
આ દુર્ઘટનાને ટાળવા માટે
ક્યારેક
નિખાલસતાપૂર્વક
મેં તેને પ્રપોઝ કરી હતી.


આજે ફરીથી
એ ઘડીનું
અનાયાસ સ્મરણ થઈ આવે છે
ફરીથી
એ છોકરીની અબોટ કુંવારપ
એક innocent છોકરાને
ઉન્માદની છોળો વચ્ચે
નોધારો મૂકીને ચાલી જાય છે

૪.
છોકરો
કૈંક વર્ષોથી
લગ્ને લગ્ને
કુંવારો રહી જાય છે
કારણ કે-
નિયતિ
આવા પ્રત્યેક કિસ્સામાં
દર વર્ષે
એક નવી જ છોકરીને
લાવીને ગોઠવી દે છે…..
ફરી
એક
વાર…..

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા

રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે,
ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે,
એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે.

છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે,
વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે.

કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે,
રંગે લથબથ આંગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ફૂલો એનું વળગણ છે, રંગો એનું પહેરણ છે,
રંગ-રસીલો સાજણ છે, આ કેસૂડાનાં કામણ છે.

નહીં ઓળખે, ડૂબ્યો છું, આખો યે ખોવાયો છું,
રંગોના આ સગપણ છે, આ કેસૂડાનાં કામણ છે.

( હર્ષદ ચંદારાણા )

સાચવી તો લે જ-કૃષ્ણ દવે

ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ,
અટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને,
લથડું કદાચ તો પણ એ સાચવી લે જ.

ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે,
પકડું કદાચ તો પણ એ સાચવી લે જ.

જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે,
સળગું કદાચ તો પણ એ સાચવી લે જ.

ખેંચાણ હર તરફથી વચ્ચે હું સ્થિર છતાંયે,
છટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હું શું કરું આ સઘળા દુ:ખને ગમું ને દુ:ખથી,
બટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

માટે જ ત્યાં ઉગું છું જાણું છું મૂળમાંથી-
ઉખડું કદાચ તો પણ એ સાચવી લે જ.

તળ હો કે ટોચ કાયમ હું મોજથી રમું ને-
ગબડું કદાચ તો પણ એ સાચવી લે જ.

સહેલું નથી ગઝલની સામેય પણ ફરકવું,
અડકું કદાચ તો પણ એ સાચવી લે જ.

( કૃષ્ણ દવે )

કાંઈ નહીં-કૃષ્ણ દવે

ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં,
ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો-
ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે,
પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

અડાબીડ એકલતામાં યે ઘટાટોપ દરબાર ભરી એ-
બાવળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

હાંફી, થાકી, ફસડતા પ્રત્યેક સમયનો વીરડો થઈ એ-
મૃગજળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

આરંભેલી એક ગઝલના મહાનૃત્યમાં શબ્દોનું દિગ્દર્શન કરવા
કાગળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

( કૃષ્ણ દવે )

એ કોણ છે ?-નીતિન વડગામા

રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ?
આંગણું ભીનું કરે, એ કોણ છે ?

હરપળે આ શ્વાસના મંદિર ઉપર,
થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ?

કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ?
આંગળી ટચલી ધરે, એ કોણ છે ?

શાંત જળમાં, આભમાં, અવકાશમાં,
શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ?

પાંદડું પીળું કરીને ખેરવે,
ને પછીથી પાંગરે એ કોણ છે ?

સાવ ખાલી થઈ જતા આ પાત્રને,
જે સ્વયં આવી ભરે એ કોણ છે ?

ઊંઘ ઉડાડીને અક્ષર પાડવા,
હાથમાં કાગળ ધરે એ કોણ છે ?

( નીતિન વડગામા )

ઈજન-જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ.

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ.

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

( જગદીપ ઉપાધ્યાય )

છત્રી-પ્રીતમ લખલાણી

૧.
છત્રી ખૂલતાં જ
તડકો
આભથી
ધોધમાર વરસે !

૨.
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય.

૩.
માણસને
છાપરા તળે
કોરોકટ ઊભેલ જોઈને
છત્રી
ટહુકતા મોરને કહે :
‘મૂવા, અભાગિયા
અવસરે પણ
ભીંજાઈ ન શક્યા !’

૪.
જો
માણસ
છત્રીની જેમ
ઊઘડી શકતો હોત તો !
કદાચ
આભ
બારેમાસ
મન મૂકીને
વરસતું હોત !

૫.
જ્યોતિષના ઇશારે
ફૂટપાથે
નાચતો પોપટ
છત્રીના છિદ્રમાંથી
દેખાતા
આભ સામું જોઈને
ભવિષ્યનું પાનું
નહીં ખોલતો હોયને ?

( પ્રીતમ લખલાણી )