સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ

તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા,
વાર નહીં લાગે, સમજાય છે ?
આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં,
ફૂલો પણ વાગે, સમજાય છે ?

કાળી આ રાત જેવું જીવન છતાંય
હું તો તારાઓ ગણી ગણી થાકી,
તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક
હજી ચાંદનીને માણવાની બાકી.
ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,
સ્વપ્નો પણ જાગે, સમજાય છે ?

રણઝણવા ઝંખે છે આતુર આ ઉર
રાહ જુએ છે ભીતરના સૂર,
ધાર્યું’તું તમને પણ છેડતાં તો આવડશે
ખૂણે પડ્યું આ સંતૂર.
કેળવો જો કંઠને તો હજી ગાઈ ઊઠીશું,
ગીત એક રાગે, સમજાય છે ?

( મનોજ્ઞા દેસાઈ )

ખિસકોલી-પ્રીતમ લખલાણી

૧.
વસંત
કઈ ડાળેથી પ્રવેશી
વૃક્ષમાં
તેની ખબર હોય છે
માત્ર
ખિસકોલીને જ !

૨.
ફળિયે
ટહુકા વીણતી
ખિસકોલીને જોઈને
કોયલ મૂંઝાઈ, કે
ખિસકોલી મારી જેમ
ટહુકવા તો નહીં માંડેને ?

૩.
કોયલને
ખિસકોલીએ જ
કહ્યું કે ;
‘વસંત આવે છે’.

( પ્રીતમ લખલાણી )

પાંદડું-પ્રીતમ લખલાણી

૧.
ડાળે
એક પાંદડું
ફરફરતું હોય છે
ત્યાં લગી
વૃક્ષને ક્યાં બીક હોય છે
પાનખરની ?

૨.
ફૂલ, ડાળ કે
પંખીથી નહીં પણ
વૃક્ષ ઓળખાય છે
પાંદડાંથી.

૩.
જે દિવસે
કાગડા અને કોયલમાંથી
વૃક્ષ લેશે
કાગડાનો પક્ષ
તે દિવસે તેની ડાળને
લીલાં નહીં પણ
ફૂટશે કાળાં પાંદડાં.

૪.
મોસમના રંગે
બદલાતા વૃક્ષને
સમજી શકે છે માત્ર
પાંદડાં.

( પ્રીતમ લખલાણી )

એટલે તો-બરકત વીરાણી ‘બેફામ’

એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા,
જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા.

જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો,
જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા.

ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.

ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત,
દિલની અંદર લાગણીઓનાંય લીરા થઈ ગયા.

એમ તો સૌએ રડ્યા બેફામના મૃત્યુ ઉપર,
દાટવા માટે પરંતુ સૌ અધીરા થઈ ગયા.

એ મર્યા તો એમ ઊંચકવા પડ્યા બેફામને,
કોઈ મોટા ઘરના જાણે કે નબીરા થઈ ગયા.

( બરકત વીરાણી ‘બેફામ’ )

કોઈ એમ ન માને કે…-પન્ના નાયક

કોઈ એમ ન માને કે હું માત્ર પુસ્તકોથી ઘેરાયેલી છું
લાઈબ્રેરીની બહાર પણ જીવન વહે છે નદીની જેમ
એક બાજુ ઘૂઘવતા અક્ષરોનો અવિરામ સમુદ્ર
અને બહાર ઊછળતા મનુષ્યોના અનેકવિધ ચહેરાઓ.

પ્રત્યેક ચહેરો મારે માટે નહીં લખાયેલી કે નહીં વંચાયેલી
નવલકથા કે નવલિકા કે એક સ્વયં કવિતા છે.
કોઈના સ્મિતના અજવાળે હું આંખોના અધ્યાય વાંચી લઉં છું
તો કોઈકનાં આંસુનાં મુક્તક મારી આંખની છીપમાં હોય છે.

લાઈબ્રેરી તરફ જતો રસ્તો અને લાઈબ્રેરીની બહાર
નીકળતા રસ્તાની હું પ્રવાસી અને યાત્રિક છું
સાંજે નિરાંતે ઝૂલતા વૃક્ષમાંહું પવન સાથે પ્રીત કરું છું
અને પળપળના ઊડતા પતંગિયાનું રચું છું રંગીન ગીત.

મારી ભીતર કેટલાંય કોરાં પાનાં અમસ્તાં તરફડે છે;
એના પર કશું લખતી નથી પણ તારો ચહેરો દોરું છું.

( પન્ના નાયક )

પ્રેમનો મારગ-પન્ના નાયક

પ્રેમની લીલીછમ જાજમ બિછાવેલા રસ્તા પર
પગમાં છાલાં પડે ત્યાં સુધી
અટક્યા વિના
ચાલ્યા કરો છો તમે.

તમને કોણ સમજાવે
કે
આ કહેવાતા પ્રેમનો રસ્તો
ક્યાંય જતો નથી
કે
ક્યાંય લઈ જતો નથી.

તમે ઊભા હતા ત્યાં ને ત્યાં જ
ઊભા છો હજી અને ઊભા જ રહેશો ત્યાં.

છતાંય
મનમાં માનો છો
ને વંચક મનને મનાવો છો
કે
તમે જોજનના જોજન કાપ્યા છે.
હકીકતમાં તો…

( પન્ના નાયક )

ટહુકો-પ્રીતમ લખલાણી

૧.
રાત્રે આ ટમટમતા તારા
એ બીજું કાંઈ નથી.
પણ દિવસે
પંખી ચાંચે આભમાં
વેરાઈ ગયેલા
ટહુકા જ હોય છે.

૨.
કોઈ ઢળતી સાંજે
પંખી ટહુકે ત્યારે
પીંજરું પીગળીને
આભ થઈ જતું હોય છે.


ઊડી જતો
ટહુકો
એવું તે શું કહી ગયો
કે પર્ણ
લાલ-પીળાં થઈ ગયાં ?

૪.
પંખી પૂછે ડાળને
‘જોઈએ છે
ટહુકો ?
તો બોલો તે
કઈ ઢગલીમાં હશે ?’

( પ્રીતમ લખલાણી )

તો લખજે મને-પરાજિત ડાભી

આંસુઓને સારવાનું થાય તો લખજે મને.
દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને.

જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ,
મોતને જો મારવાનું થાય તો લખજે મને.

જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે,
તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને.

ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું,
એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને.

હારવામાં તો હંમેશા હારવું નક્કી જ છે,
જીતમાં પણ હારવાનું થાય તો લખજે મને.

જન્મ આપીને ગુનાઓ પર ગુનાઓ લાદતા,
ઈશને લલકારવાનું થાય તો લખજે મને.

લોહી છાંટીને લખ્યું જે શ્વાસનાં કાગળ ઉપર,
કાવ્ય એ સુધારવાનું થાય તો લખજે મને.

( પરાજિત ડાભી )

એકાંતનો માળો-પન્ના નાયક

મારા ઘરમાં જ એક બગીચો છે
ફૂલોથી સભર
ને
તરબતર.
મને ફૂલોની તરસ લાગી છે
અને
સુગંધની શાંતિને
હું ગટગટાવું છું.

મારા ઘરમાં જ
અનેક પહાડો છે
આ પહાડો સૌજન્યશીલ છે
એ સૂરજને રૂંધતા નથી
કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી.

મારા ઘરમાં જ
એક દરિયો પણ છે
અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે
માછલીઓ નિરાંતને જીવે તર્યા કરે છે.

હું એ દરિયાનાં મોજાં પર
નાનો અમથો માળો બાંધીને
ક્યારેક એકલી એકલી
મારા એકાંતને માણ્યા કરતી હોઉં છું.

( પન્ના નાયક )

સમણાં-ઇસુભાઈ ગઢવી

તમે તો ગોરલ પાછલા પરોઢનાં સમણાં
આખા તે આયખાના અધુરા ઢોલ
ગોરલ, સમણામાં થાય રોજ બમણા.
તમે તો ગોરલ…

અકેડા પાણકામાં પાથરીને પ્રાણ અમે
પાતાળી નદીઓને પૂરી,
શ્વાસોના થોકબંધ ખડક્યા અંબાર તોયે
ભીતરની ભીંતો અધૂરી,
સૂકાભઠ આભલાના ચંદરવે ચિતર્યો
સુખોના સરનામાં નમણાં.
અમે તો ગોરલ…

લીલીછમ ઝંખનાનાં જાળાં ગૂંથીને
અમે સુગરિયા માળાઓ બાંધ્યા,
વેદનાની સોયોમાં ઓરતા પરોવીને
તૂટેલા તાંતણાઓ સાંધ્યા,
આંગણા ઊગેલી કાંટાળી વાડ પર
ફૂલો ફોરમવાની ભ્રમણા
તમે તો ગોરલ…

આવો ઉગાડીએ રણમાં ગુલાબ
ને દરિયામાં વીરડાઓ ગાળીએ,
હેમાળો આંગળીના ટેરવે ઉપાડીએ
ને ધરતીને પાંપણોથી વાળીએ,
આશરાની ઓથ ગોરલ ચપટીક આપો
ભલે પીડાનાં પૂર ડાબાં-જમણાં.
તમે તો ગોરલ, પાછલા પરોઢનાં સમણાં.

( ઇસુભાઈ ગઢવી )