ટેવ છે એને-મુકેશ જોષી

ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે,
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું થોળશે

.

સહેજ બારી ખૂલતાં સામે શરદ પૂનમ થતી,
કઈ તિથિ થાશે અગર એ બારણું જો ખોલશે.

.

સ્પર્શની બાબત નીકળશે, તું શરત ના મારતો ,
એ તો પરપોટાની કાઢી છાલ પાછો છોલશે.

.

નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઈને,
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે.

.

ઓ મદારી ! દૂધ શાને પાય છે તું નાગને,
તું મલાઈ આપશે તો માણસો પણ ડોલશે.

.

( મુકેશ જોષી )

સ્વર : આલાપ દેસાઈ
સંગીત: આલાપ દેસાઇ

.

ઊર્ધ્વ દિશાએ-હિમાંશુ પટેલ

ધૂમ્ર પ્રસરશે ઊર્ધ્વ દિશાએ
જીવ નિકળશે ઊર્ધ્વ દિશાએ.

.

ખળખળ જળ ભળવાનું દરિયે
પાછું ચડશે ઊર્ધ્વ દિશાએ.

.

ચારે બાજુ ભટકો શાને ?
ઈશ્વર મળશે ઊર્ધ્વ દિશાએ.

.

ખોટે ખોટાં ખાંખાખોળા
જીવન જડશે ઊર્ધ્વ દિશાએ.

.

દુનિયા સજ્જડ કિલ્લા જેવી
દ્વાર ઊઘડશે ઊર્ધ્વ દિશાએ.

.

મેલી ઘેલી ચાદર ફેંકો
વાન નિખરશે ઊર્ધ્વ દિશાએ.

.
( હિમાંશુ પટેલ )

પડ્યું હોય તે પ્રગટે-માનસી એમ. પાઠક

પડ્યું હોય તે પ્રગટે વ્હાલા પડ્યું હોય તે પ્રગટે
આથમે, ઊગે, ધરબાય ભલે ને અટકે .

.

મનની ભીની ધરતીએ રોજજજે પડતા ચાસ
ઊગી નીકળતું કેટલુંય અડાબીડ, હોય નજીવું કે ખાસ
એક વિચારને પાળો, પોષો, ત્યાં તો બીજો છટકે
પડ્યું હોય તે પ્રગટે.

.

કદીક રહેશે રમમાણ એવું, કદીક ફરશે સંતાતું
રહેશે એવું લીન ભલે તને ન બતાતું
રાખશે તારું ધ્યાન એવું કે તું એનાથી ન ભટકે

પડ્યું હોય તે પ્રગટે.

.

( માનસી એમ. પાઠક )

પીડા તો – ઈસુભાઈ ગઢવી

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

સખી, પીડા તો અંગતના આંગણાનું નામ.

.

સુખ આપે પોતાનાં એવું કોણે કીધું?

દુઃખ દે છે પરાયાં એવું માની લીધું!

સખી, સુખ અને દુઃખ તો રાધા ને શ્યામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હોય આંસુ અઢળક એ તો મોટાં છે ભાગ,

કોણ આંસુ વિણ અંતરની ઓલવશે આગ?

સખી પારકાના પાણીનું આપણે શું કામ?

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હશે વૈશાખી તાપ તો આવશે અષાઢ,

ઊગે ઊજળું પ્રભાત હશે અંધારું ગાઢ,

સખી, સમજણના સથવારે જીવવાનું આમ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

વેદના ને વહાલ તો બે સખીઓનો સાથ,

એક હશે આગળ બીજું પાછળ સંગાથ,

સખી, દુ:ખો તો સાવ કાચાં ઠ્ઠીકરાનાં ઠામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

( ઈસુભાઈ ગઢવી )

તડકા ઉપર – નરેશ સોલંકી

તડકા ઉપર

કાળી રાત ઢોળીને

આ કોણ ચાલ્યું ગયું?

તડકાને અડતા જ

બેઉ હાથ કાળા થઈ જાય છે.

હાથ જ્યાં જ્યાં અડકે

દીવાલ કાળી

બારી કાળી

બારી બહાર હાથ લાંબો કરતા

સમગ્ર ક્ષિતિજ કાળી

કાગડો રાજી

કોયલ રાજી

રાજી થાતું અંધારું

નથી ભેદ

હવે લાલ પીળા લાલનો

કાળી ધોળી ખાલનો.

.

છેદ કર્યો છે કોણે

આમ કાળી રાતમાં?

કોણે તેની આંખમાં

નાખી છે કાળી શાહી

કે પછી લોહી જ સુકાઈને

બની ગયું છે કાળું.

.

( નરેશ સોલંકી )

તાન્કા – ફિરોઝ હસ્નાની

.

(૧)

હોળીના રંગે

કાનજી સંગ રાધા

થ્યો રંગોત્સવ,

તેથી મંદિર દ્વારે

મળે તેનો સંગમ.

.

(૨)

લાગણીને ક્યાં ?

હોય છે ભેદ કશા

રંક રાયના,

કૃષ્ણએ ખાધી ભાજી

હેતથી વિદુરની !

.

(૩)

લાગણી ભલે

અભણ રહી ગઈ

સાચી તો ખરી,

શબરીના બોર જો

એટલે ચાખે રામ.

.

( ફિરોઝ હસ્નાની )

મને ક્યાં આવડે છે હેં ભૂરા ?-દીપક ત્રિવેદી

નિસરણીથી ઊતરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?
તણખલાથી જ તરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

ખૂલી આંખે મેં જોયું’તું સપન એ તું જ પરગટ કર હવે,
બધાં સપનાંઓ લખવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નથી સમજણ ગુલાબોની ચમેલી રાતરાણી, જૂઈની
કમળ સઘળે ખીલવવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

તમે ઊભા નદીકાંઠે અને હું રણ મહીં ભટક્યા કરું
નદીકાંઠે વરસવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નહીં છોડે જગતમાંથી ભલે ભગવાન આવે સ્વર્ગથી
ફૂદરડીભેર ફરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નશો તો આ કલમની દેણગી એ પારખો, પંડિતજી રે !
નથી બાક્સ ? સળગવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

ઢળે છે રાત ને દિવસ અવિરત સૂર્ય ને આ ચંદ્રમા
ઉમળકાભેર ઢળવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

( દીપક ત્રિવેદી )

યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

 

પૂછયું કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી…

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક જ ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ એ જ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ…

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક જ ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક જ ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

આ દેશનો ધર્મ,

યુધ્ધ એ જ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે…

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

“પાર્થ”ને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ એ જ કલ્યાણ…!!!!

.

( એષા દાદાવાળા )

આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫)

(1)

આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,

એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે

એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે

ત્યારે જ

ત્યાં એક બાળક સતત રમત રમે છે

એ અંધકાર સાથે દોડે છે

એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં

એક બુદ્ધનું બિન્દુ ખોળે છે

અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે

એ પ્રવેશદ્વાર જ છે,

ત્યાં જ એક આંખ દેખાય છે

ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ

એ તમારા કર્મો સાથે માયાળુ બની

માયા બજારમાં ફરે છે

પણ

એ કશું ખરીદતો નથી

કારણ દ્રષ્ટા છે

.

(2)

એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે

એના દેહમાં ફેરફારો થાય છે

એના ‘હું ‘ માં ફેરફાર થાય છે

એ માતા પાસે શક્તિ માંગે છે

એ ટનલમાં પ્રવેશે છે

ત્યાં આગના અંગારા છે

એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે

એટલે જ

હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે

ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ

એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,

એ સફેદ તળાવના કિનારે આવે છે,

એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે

અને

એ કહે છે ‘તું ‘ કોણ ?

ભીતરથી એક અવાજ આવે છે

રાવણ – અહિર્ રાવણ

એ સફેદ તળાવમાં ન્હાય છે

એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી

સાચેજ પેલા માન સરોવર જેમ

હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે

એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ

એ બગલા ભગત છે

એટલે

એ અડગ મનથી

બસ ચાલે છે…

બસ ચાલે છે….

એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે

એ લાકડી હિમશિલામાં ડગે છે,

એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય

એ યુવાન ચાલે જ છે …..

એ ચાલે જ છે

.

(3)

હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે

એના વાળ સફેદ થયા છે

બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે

રસ્તામાં અઢળક દેવો મળે છે

એ દર્શન કરે છે

અંતે અંતિમ પડાવ આવે છે

એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે

ગાત્રો થીજવી દે છે

આપણા એ જ કર્મો , કૃત્યો

ભયાનક રાક્ષસ બની આવે છે સામે

પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે

અને

પરિક્ષા કરવા કહે છે

એ કહે છે !

તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને

સમર્પણ કરો

એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે

બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….

(૪)

હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે

અંતે એક પ્રકાશપુંજ દેખાય છે

એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર

એક જ

એક

ચિદાનંદ રુપમાં હદય બોલે છે

શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ

ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને

“અમે….. અમે ……અમે”

ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે

અતઃ કવિર્નામસ

.

( વિપુલ પટેલ )

 

એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ

મચ્છરદાનીમાં સૂવું એટલે-રમેશ આચાર્ય

Woman stretching in bed after wake up, Happy greets new day with warm sunlight.

 

મચ્છરદાની બાંધી દો,

સમયને સાંધી દો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

માતાના ગર્ભમાં હોવાની અનુભૂતિ,

આઘે આઘે દેખાઈ રહેતી દ્યુતિ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે સલામત અંતરે જીવવું,

જીવતરને માપસર સીવવું.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે માથે આકાશ હોવાનો અનુભવ કરવો,

એક ભવમાં બીજો ભવ કરવો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આટલી જગ્યા તો આપણી છે તેનો અહેસાસ,

નિરાંતના એક-બે શ્વાસ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

છેડા મેળવવાની આવડત કેળવવી,

જાતને જાત સાથે હળવે હળવે હેળવવી.

મચ્છરદાનીમાં સૂવું એટલે

શબપેટીમાં જાતને ગોઠવવાની મથામણ

મચ્છરદાનીમાં સૂવું એટલે…

 

( રમેશ આચાર્ય )

 

તા. ૫-૧૧-૧૯૪૨ થી તા. ૨૫-૦૩-૨૦૨૫

સ્વર્ગસ્થ કવિ રમેશભાઈ આચાર્યને હાર્દિક ભાવાંજલિ.