હૈયાધારણ શું છે?-સુરેન્દ્ર કડિયા
મૂંઝવણ છે, પણ મારણ શું છે, તારણ શું છે?
અજવાળાનો ‘અ’ લખવાનું કારણ શું છે?
હું જ હવામાં ઘેરાયો છું શ્વાસ વચોવચ
ઘટના છે, પણ ઘટનાનું નિર્ધારણ શું છે?
હોઠ ફફડતાં વેંત દશે દિકપાળો ડોલ્યા
સાવ ધીમેથી પ્રગટેલું ઉચ્ચારણ શું છે?
ગગન-પિંડ છું, બંધાયો છું યુગ-યુગોથી
નવલખ તારા ફરતું આ બંધારણ શું છે?
પગલાં વચ્ચેના અવકાશો કેમ પુરાશે?
પગલે-પગલે છળતી હૈયાધારણ શું છે?
( સુરેન્દ્ર કડિયા )
Protected: હૈયાધારણ શું છે?
વિશ્વાસ-હરેશ કાનાણી
૧.
બાળકોને વિશ્વાસ છે
તૂટેલો દાંત લઈ જશે ચકલી
અને આગલા મહિને-
ભગવાન ચાંદીનો નવો દાંત
મોકલશે….
વૃક્ષને ભરોસો છે
મૂળમાં સમાયેલ પાણી
બદલાઈ જશે ફળોના રસમાં….
પરંતુ મને વિશ્વાસ કેમ નથી
સવાર તરફ સરકતી આ રાતમાં
ગાઢ નીંદર હોવા છતાં
કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!
૨.
અમે
તને રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ તો ક્યારેક ઘોડો!
પણ
અમને ક્યાં ખબર હતી કે
એ
ઊંટ કે ઘોડાને
તું
છોડી આવીશ
બળબળતા રેગીસ્તાનમાં….!
( હરેશ કાનાણી )
Protected: વિશ્વાસ
નીરખને-ભગવતીકુમાર શર્મા
ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને !
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને !
સઘળી તારી સીમાઓને તું ફેંકી દે;
અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને !
પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે;
ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને !
અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ;
વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને !
તું જે બોલે-લખે-સાંભળે તેનાથી શું?
શબ્દબ્રહ્મ થઈ ઝળહળતો ૐકાર નીરખને !
મારી કવિતા અર્થઘટનથી અળગી ચાલે;
શિશુમુખના પરપોટા શા ઉદગાર નીરખને !
ક્રોંચ વીંધાયું; શ્લોકનું ગર્ભાધાન થયું કે?
વૃક્ષડાળનો લોહીઝાણ ચિત્કાર નીરખને !
( ભગવતીકુમાર શર્મા )
Protected: નીરખને
Protected: મને
મિત્રો-એસ્થર ડેવિડ
અજાણતાં જ
તમે કોઈ ગુનો કરી બેસો-
ક્યારેક “સ્વબચાવમાં…..”
તો,
કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે….
પણ
અજાણતાં જ
તમે કોઈ ગુનો કરી બેસો તો
મિત્રો તમને
સજા વગર નહીં જીવવા દે-
તેઓ પ્રથમ તો
કાયદો જ પોતાના હાથમાં લેશે
ને પછી છરી-
ક્યારેક તો છરી એવી મારી દેશે-
હ્રદય અને પાંસળી વચ્ચે
એક દોરાવા જગ્યા છોડીને…..
એટલે જીવવા તો દેશે:
એક દોરાવા જેટલી જગ્યા છોડીને-
પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”
એવા ભાવથી….
( એસ્થર ડેવિડ )