મારું દીવાસ્વપ્ન-પન્ના નાયક

ધોધમાર વરસતા સ્નોમાં
તું આવીશ ત્યારે
હું નહીં હોઉં
પણ
દરવાજા પાસેના
પગલૂછણિયા નીચે મૂકેલી ચાવીથી
ઘર ખોલજે.
સ્ટવ પાસે
તપેલી, સાણસી
ચાની ભૂકી, ખાંડ, ને મસાલો મૂક્યાં છે.
હું
સંગીતના ક્લાસમાંથી
વેળાસર આવવાનો પ્રયત્ન કરીશ.
ત્યાં સુધી
તું ગીતો સાંભળજે, ટીવી જોજે, છાપું વાંચજે.
મારા આવ્યા પછી
આડા પડ્યા પડ્યા
સુખના ઓડકાર આવે ત્યાં સુધી
વાતોમાં આપણે વિહરીશું.
મને ખબર છે કે
એ ક્યારેય આવવાનો નથી.
તો પણ
એને માટે મૂકેલી
ચિઠ્ઠીનું આ દીવાસ્વપ્ન….

( પન્ના નાયક )

નિર્ણય-પન્ના નાયક

એના કરેનીનાની જેમ
ટ્રેનના પાટા પર પડતું મૂકવામાં
કે
મેડમ બોવરીની જેમ
ઝેરી દવા ગળે ઉતારવામાં
કે
સીલ્વિયા પ્લાથની જેમ
ઓવનમાં માથું મૂકવામાં
કે
એન સેક્સટનની જેમ
ગરાજ બંધ કરી કાર્બન મોનોક્સાઈટ શ્વસવામાં
હું જરાય માનતી નથી.
મારે તો જીવવું છે.
ક્વીન વિક્ટોરિયા થઈને
અને
કરવું છે રાજ…

( પન્ના નાયક )

વાવાઝોડું-જયા મહેતા

વિનાશક વાવાઝોડું પસાર થઈ ગયું છે
મુશળધાર વરસીને થાકેલું
આકાશ અત્યારે શાંત છે
સતત સુસવાટાથી લોથપોથ
પવનો અરબી સમુદ્ર પર પોરો ખાય છે
જળબંબાકાર થઈ ખળભળી ઊઠેલી
ધરતી અત્યારે આરામ કરે છે.
હવે બધાં ઠરીઠામ થયાં છે ત્યારે
લાલ લાલ ભીની ભીની
માટીમાંથી
લીલાં લીલાં કૂણાં કૂણાં
તરણાં માથાં ઊંચા કરે છે
જાણે મહાયુદ્ધ શમી ગયા પછી
રણભૂમિ પર રમતાં બાળકો !

( જયા મહેતા )

રોંગ નંબર-હર્ષદેવ માધવ

જળ બનીને
સમુદ્રનો સંપર્ક કરવા
ટેલિફોન નંબર જોડું છું
ત્યાં રેતીમાંથી અવાજ સંભળાય છે,
‘માફ કરજો, આ રોંગ નંબર છે.’
પાંદડું બનીને
વૃક્ષ માટે પૂછું છું
ત્યારે
પાનખરનો ગુસ્સો ભભૂકી ઊઠે છે,
‘તું નીચે ખરી પડ, તું નંબર ભૂલી ગયો છે.’
વાટ ભૂલેલા વટેમાર્ગુ બનીને
માર્ગ શોધું છું
ત્યારે વિકટ જંગલ કહે છે
‘ટેલિફોનનું રિસીવર નીચે મૂક.’
હું
થાકેલો-હારેલો
વિચારું છું
ત્યારે
ચારે બાજુથી સંભળાય છે
ટેલિફોનની ઘંટડીઓનો અવાજ
આખું વિશ્વ ઘૂમે છે ચારેકોર.
પરંતુ હું પોતે જ મારો નંબર ભૂલી ગયો છું.

( હર્ષદેવ માધવ, અનુ. નલિની માડગાંવકર )

મૂળ : સંસ્કૃત કવિતા

ક્યાં છે બધાં-નીતા રામૈયા

હું જેને ચાહી શકું એવું
કોઈ જ રહ્યું નથી
જેને ચાહતી હતી તે બધાં
ક્યાંક વેરાઈ ગયાં
ધરતીકંપમાં
ક્યાં છે બધાં
મારે કોને ગળે વળગવું
શું રાંધવું શું ખાવું
જે કૈં પણ કરવું તે
શાના માટે કોના માટે
મારી છાતીનો ધબકાર
ખાટલાની સીંદરી સોંસરો જાય
રાત્રિના અંધકારને પંપાળું
પણ મારો હાથ
સૂકાભઠ્ઠ બાવળનાં જડિયાંમાં ફરતો જાણે
બધું જ
મરતું
મરેલું
મારું જીવન
રસોડા જેવું ધમધમાટભર્યું હતું
હવે
લૂખો સૂકો વાયરાનો ઠૂઠવો
ધૂળનું ઝાપટું
મારું જીવન.

( નીતા રામૈયા )

સ્મૃતિઓ-જયા મહેતા

સ્મૃતિઓ સળવળ્યા કરે છે
ફરી ફરીને દૂઝ્યા કરતા જખમની જેમ
અને
આંખને ખૂણે ઝળૂંબી રહે છે
આંસુનાં ટીપાં.
એમાં મેઘધનુષના રંગો જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ ઝાકળબિંદુઓ નથી
કમળની પાંખડી પરનાં.
એમાં ઉદાસીના કાળભૂખરા રંગ જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ વરસાદમાં લટકી રહેલાં ટીપાં
સુક્કી ડાળી પરનાં.
જુઓને, કેવી ઝળૂંબે છે આંખને ખૂણે
જીવંતપણાની નિશાનીઓ !

( જયા મહેતા )

સમજણ-નલિની માડગાંવકર

નાની હતી ત્યારે
મા ! તું મારી નાનકડી હથેળી
ચોખાના દાણાથી ભરી દઈને કહેતી;
‘બેટા, એક પણ દાણો નીચે પાડ્યા વગર લઈ જા.’

ચાની ઉકળતી તપેલી ઉતારતાં કહેતી
‘બેટા, સાણસીની પકડ ઢીલી ન થાય એ જોજે.’

રસોડામાં ગરમીથી આંખો બળતી ત્યારે કહેતી;
‘જા બેટા, આંખો ધોઈ આવ, નજરને ઝાંખી ન પડવા દે.’

મને વધતી જોઈને કહેતી;
‘આ વેંત એકની છોકરી હવે છાપરું ફાડવા માંડી છે.’

આવાં વીતેલાં વર્ષો હું મારી સાથે લઈ આવી છું.

ચોખાનો દાણો, સાણસીની પકડ, ચોખ્ખી નજર
સાચવતાં હવે મને આવડી ગયું છે.

હવે હું કંઈ ગળતી મીણબત્તી નથી.
ખુદાના દીવાને તેજે હવે મારે આકાશ જોવું છે.

( નલિની માડગાંવકર )

બગીચામાં-નીતા રામૈયા

કુહાડી સાથે માણસે બગીચામાં પ્રવેશ કર્યો
અને
લીમડાની ડાળી પવનની બાથમાં
લપાઈ ગઈ
દિવાસો ઊજવતી રાતરાણીને
અંધારા આવ્યાં
બાળકની જેમ
વૃક્ષને ખોળે ચડેલી વેલે
ચીસ પાડતાં પંખી સામું જોયું
અને
મોગરાની કળીઓ ઠીંગરાઈ ગઈ.

( નીતા રામૈયા )

સાચવજો-માધવ રામાનુજ

રાત પડી છે ને અંધારું છે સાચવજો
ઊંઘ ચડી છે ને અંધારું છે સાચવજો !

કેટકેટલું ભટક્યા ત્યારે ઝાંખી ઝાંખી
વાટ પડી છે ને અંધારું છે સાચવજો !

હંમેશાં નિષ્ફળ રહેતી’તી એ ઈચ્છાઓ
પાર પડી છે ને અંધારું છે સાચવજો !

જીવનભર જે ગણગણવાનું મન હતું એ
કડી જડી છે ને અંધારું છે સાચવજો !

સાથી સંગાથીને સાથે નહીં લેવાની
જીદ નડી છે ને અંધારું છે સાચવજો !

બધાં ગયાં ને રહી ગઈ સ્મરણોની કેવળ
એક છડી છે ને અંધારું છે સાચવજો !

એકાંતો કંઈ રમ્ય નથી એની અત્યારે
ખબર પડી છે ને અંધારું છે સાચવજો !

કોઈ આવશે એવી આશા હજુ હશે પણ-
આંખ રડી છે ને અંધારું છે સાચવજો !

યાદ કરો એ મનમાં આવી ઊભું રહે, એ
શુભ ઘડી છે ને અંધારું છે સાચવજો !

(માધવ રામાનુજ )

માધવનું સપનું-મનોજ્ઞા દેસાઈ

મંદિરના માધવને સપનામાં દેખાયું,
રાધા બની ગઈ મીરાં !
પછી મીરાંને રાધાના રૂપમાં નિહાળવાને,
ગોપીજનવલ્લભ અધીરા.

રાધાએ પહેરેલું શ્વેત એક વસ્ત્ર
અને હાથમાં લીધો’તો એકતારો,
મેઘધનુષનું ઓઢીને ઓઢણું,
મીરાં કે’ ‘મોહન બસ ! મારો મારો’.
રાધાની ડોક મહીં શોભે રુદ્રાક્ષ
અને મીરાંની ગ્રીવામાં હીરા !
રાધા બની ગઈ મીરાં !

ચંદનતિલક એક રાધાને ભાલ
અને કુમકુમ મીરાં લલાટ સોહે,
રાધા મગન એકતારાની ધૂનમાં
ને મીરાં તો વાંસળી મોહે.
માધવ મૂંઝાયા, ત્યાં આંખો ખૂલી
તો હતાં રાધા ને મીરાં મીરાં.
રાધા બની ગઈ મીરાં !

( મનોજ્ઞા દેસાઈ )