સખી ઝૂલોને-સંદીપ ભાટીયા

સખી ઝૂલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

રંગના વંટોળોયાઓ વનમાં વાટ ભૂલ્યા છે
ઊગવું આથમવું શું દિન કે શું રાત ભૂલ્યા છે
અલ્પ શું આલિંગવામાં શું અફાટ ભૂલ્યા છે
તમેય ભૂલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

હટાવી દો બધા પરદા મિટાવી દો નકાબોને
મોસમ મોકલે છે જાસા રાજાઓ નવાબોને
જાઇ જૂઇ મોગરાઓને ચમેલીને ગુલાબોને
અને બકુલોને
પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને

( સંદીપ ભાટીયા )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજયંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યાર વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

તમે આવતાં, ઉદ્ધવ ! આજે અમે;
છેલ્લું પાનેય ખરી ગયેલાં વૃક્ષ સમા થૈ ગયાં !
ધૂપ હતા અગરું-ચંદનનો પહેલાં;
આજે આટાકટના વ્યર્થ ગણાતા ધૂમ્ર બની રહી ગયા !

ન’તા જાણતા : ઘટ ભરવાથી;
ઘટ સંગાથે સીંચણિયું પણ ડૂબશે, લથબથ થાશે !
તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

ચકલીઓને પાર જવાની હોંશ;
પરંતુ અંતે થાકી સમુદ્રમાં ડૂબાડી દે છે જાત !
નહીં છલકાશે ઊંડો-સૂકો કૂપ;
ભલેને પક્ષીઓનાં મર્મ વિદારક, ક્રંદન હો’ દિન-રાત !

એક દિવસ જોજો, ઉદ્ધવજી !
માધવ સારુ સારેલાં અશ્રુ અમૃત કહેવાશે !

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

“અમે કર્યો છે પ્રેમ જ કેવળ,” હરખ્યાં જગમાં કથી;
શા સગપણ જોડ્યાં કહાનાએ, અમે જાણતા નથી !
હોય પ્રેમમય, તે સઘળાંને બાહુપાશમાં લે છે;
તેથી જ પહેલાં બધા છોડમાં બે પર્ણો પ્રગટે છે !

વશ કરશું જો ફરી આવશે;
તો, ઉદ્ધવજી ! કદી ન માધવ જાવાનું લ્યે નામ !
કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

મલય પર્વતે ચંદનવૃક્ષો, બીજે બધે બાવળનાં;
યુગો સુધી સહુ ગુણ ગાવાના, માધવન’ને ગોકુળનાં !

રટણ હોય છે એક જ, ઉદ્ધવ ! રોજ અમારું સપને;
કાં તો મારા થાવ, અને કાં સ્વીકારી લો અમને !

એક દિવસ જો જો, ઉદ્ધવજી !
બધા પ્રેમીઓ, ગોકુળ ગણશે ગમતું તીરથધામ !

કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ !
અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ !

( વીરુ પુરોહિત )

હોળી-દિવ્યા સોની “દિવ્યતા”

IMG-20160323-WA0022
*
જ્યારથી આંખો એમની વખોડી ગઈ;
ત્યારથી હૈયે વિયોગની હોળી થઇ !
*
જયારે કર્મોના હિસાબ આપતી, ખાલી ઈશ્વરની ઝોળી થશે;
ક્યાંક રંગોની ધૂળેટી તો કેટલાક હૈયે ત્યારે ઉની હોળી થશે !
*
જેટલી માનવીના મનમાં આંચ છે;
એટલે હોળીમાં પણ ક્યાં દાઝ છે ?
*
કૃષ્ણ બનવું સહેલું છે, રાધારાણી બનવા કરતા કદાચ;
રાધાએ હૈયાની કરી હોળી પણ ના બાંધ્યા ત્રિભુવન નાથ !
*
પ્રિયતમાના ચહેરે શોભેશે મેઘધનુષી રંગો;
હોળી તો બસ નિમિત્ત છે, હૈયું રંગો કે અંગો !
*
શું કરું સતરંગી હું વાત ? મારી આંખે તો અંધારા આવી જાય છે;
જયારે પેટની હોળી ઠારવા, કોઈ બાળક મજુરી કરવા જાય છે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ?
શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ !
વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય;
ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?!

પ્રેમ પદારથ વિરલ જગે, જ્યાં જ્યાં ગોકુળ ત્યાં ગળે !
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

કુશળ ગવૈયા વ્રજે ઘણા, જે ગાઈ દીપ પ્રગટાવે;
માધવ વીણ તો કોણ ભીતરી અંધારું અળપાવે ?
રોષ કરે, વલવલે, પવનની સાથે ઝગડી પડે;
અણસમજુ, રેતીનો કૂબો તૂટ્યાથી પણ રડે !

ઝૂરો જનમભર, પણ માધવને મળવું હોય તો મળે !

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં;
એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં !
રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે;
શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ?

મથુરાની ગત મથુરા જાણે;
અમે જાણીએ, અહીં પ્રેમનું મચી જતું રમખાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

દૈવ અમારું ગયું રૂઠી, ના કશો કીધો અપરાધ;
તમે મેળવ્યું મધુ, અમારે હિસ્સે છે મધમાખ !
જીવતર લાગે હવે દોહ્યલું, આયુષ લ્યો વાઠીને;
ઉદ્ધવજી ! લઈ જાઓ, દઈએ સહુના જીવ કાઢીને !

તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો;
થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ?
સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી;
વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી !

રહ્યાં અ-સાવધ અમે, રમ્યો એ દાવ કપટનો ધાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

વસ્ત્ર વિના તો દાખવશે શી રીતે કલા રંગારો ?
ઘાસ નથી તો આપોઆપ જ ઠરી જશે અંગારો !
એક વૃક્ષ પણ હોય નહીં એવાં રણમાં આથડશે;
વનરાવન, ગોકુળ માધવને ક્ષણે ક્ષણે સાંભરશે !

થાય કદી પસ્તાવો, કહેજો : આવે થાક્યો – હાર્યો !

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

( વીરુ પુરોહિત )

ફરી એક વાર..-કુમાર જૈમિનિ શાસ્ત્રી

૧.
આજે ફરી એક વાર
મનના ગોકુળિયામાં
બાલકૃષ્ણની બંસી બજી ઊઠી છે
એક કાચ્ચી-કુંવારી છોકરી
ભર ઊંઘમાંથી
આળસ મરડીને
જાગી ઊઠી છે…

૨.
યુગોયુગોથી સુષપ્ત નસોમાં
ઉન્માદના હરણાં ને સસલાં
કૂદાકૂદ કરી
મર્યાદા-બંધોને તોડીફોડીને
તહસ-નહસ કરી રહ્યાં છે
આ દુર્ઘટનાને ટાળવા માટે
ક્યારેક
નિખાલસતાપૂર્વક
મેં તેને પ્રપોઝ કરી હતી.


આજે ફરીથી
એ ઘડીનું
અનાયાસ સ્મરણ થઈ આવે છે
ફરીથી
એ છોકરીની અબોટ કુંવારપ
એક innocent છોકરાને
ઉન્માદની છોળો વચ્ચે
નોધારો મૂકીને ચાલી જાય છે

૪.
છોકરો
કૈંક વર્ષોથી
લગ્ને લગ્ને
કુંવારો રહી જાય છે
કારણ કે-
નિયતિ
આવા પ્રત્યેક કિસ્સામાં
દર વર્ષે
એક નવી જ છોકરીને
લાવીને ગોઠવી દે છે…..
ફરી
એક
વાર…..

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા

રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે,
ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે,
એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે.

છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે,
વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે.

કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે,
રંગે લથબથ આંગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ફૂલો એનું વળગણ છે, રંગો એનું પહેરણ છે,
રંગ-રસીલો સાજણ છે, આ કેસૂડાનાં કામણ છે.

નહીં ઓળખે, ડૂબ્યો છું, આખો યે ખોવાયો છું,
રંગોના આ સગપણ છે, આ કેસૂડાનાં કામણ છે.

( હર્ષદ ચંદારાણા )