વાંચી લેજે-માધવ રામાનુજ

કાગળ કોરો રાખીને આ પત્ર લખું છું: વાંચી લેજે
અલખ લિપિમાં આખે આખો ગ્રંથ લખું છું: વાંચી લેજે.

અવાજમાં અક્ષર ગૂંથ્યા કે
અક્ષરમાં ગૂંથ્યા અવાજ એ હું શું જાણું!
મૌન કઈ લિપિમાં તેં રુંધી રાખ્યું છે,
બધાં રહસ્યો તું જાણે છે હું શું જાણું!

કયા અક્ષરે ઓળખવાનો સ્પર્શ, લખું છું: વાંચી લેજે
કાગળ કોરો રાખીને આ પત્ર લખું છું: વાંચી લેજે.

બધું અનંત છે એવું કહેતાં કહેતાં-
અંત તરફ ક્યાં ચાલ્યા હું શું જાણું!
પ્રેમ એટલે કેવળ કેવળ શબ્દ હશે
કે અનુભૂતિ એ તું જાણે છે હું શું જાણું!
અનહદના એકાંત સુધીનો અર્થ લખું છું: વાંચી લેજે.

પ્રાસ મળે ના મળે તોય તે
ગીત રચાતું જાય કેમ, એ હું શું જાણું!
સાજ મળે ના મળે તોય
સંગીત રચાતું જાય કેમ, એ હું શું જાણું!

વાણી પણ લાગે છે જ્યારે વ્યર્થ, લખું છું વાંચી લેજે
અનહદના એકાંત સુધીનો અર્થ લખું છું: વાંચી લેજે.

કાગળ કોરો રાખીને આ પત્ર લખું છું: વાંચી લેજે
અલખ લિપિમાં આખે આખો ગ્રંથ લખું છું: વાંચી લેજે.

( માધવ રામાનુજ )

કદાચ…-નલિની માડગાંવકર

અમે અળગા થયાં,
બે દિશાના વિરોધી પવનોએ
અમારી ગતિમાન નૌકાના
ભુક્કા બોલાવ્યા.

ઘડિયાળના અટકી અટકીને
બે વિરોધી દિશામાં ચાલતા
કાંટા જેવો અમારો સંસાર
વાદ-વિવાદના કકળાટ વચ્ચે
સમયની ગતિને સાંભળવા અસમર્થ
બુઠ્ઠી સંવેદનાઓ…ધક્કા મારીને
ચાલતી ઘડિયાળ જેવી.

બંને વચ્ચે ચણાઈ ગઈ દીવાલ
અને સેતુ જેવાં બાળકો સૂનાં સૂનાં

બંનેના હૃદયમાં જીવતાં હતાં સપનાં
અને થોડાંક વાવેલાં બીજ
પણ ક્યારેય આપણે
એકબીજાના ક્યારામાં પાણી જ રેડ્યું નહીં.
અને પ્રેમ બારણે ટકોરા મારી
પાછો વળી ગયો.

સમજણના બંધ દરવાજાએ
પહોળી ને પહોળી કરી બંને વચ્ચેની ખાઈ
છેવટે
ઈચ્છાઓને દફનાવવા બંનેના હાથ લંબાયા…
કાશ, બાળકોના લંબાયેલા નાનકડા હાથમાં
ઈચ્છાઓએ સોંપી
આપણે હાથ મેળવી લીધા હોત તો !
પણ હવે તો…

( નલિની માડગાંવકર )

એમ તો હું પણ-જયા મહેતા

એમ તો હું પણ જાગી હતી
સપનાંનોસથવારો લઈને
આંખમાં.
ટચલી આંગળીએ ગોવર્ધન તોળવા
હું ઘણું મથી,
પણ
મારે ભાગે તો હતો
ખરાબે ચડેલા વહાણનો ટકી રહેવાનો
તરફરાટ,
રણની તપતી રેતીના
ધખારા,
હલાહલને પોતાનામાં સમાવીને બેઠેલા
સાગરના તળિયાનો
અંધકાર,
ભીતર બહાર બહાર ભીતર
લથડિયાં ખાતા
કેવળ શ્વાસ
અને…

( જયા મહેતા )

ફૂલ લઈને આવે-પન્ના નાયક

ફૂલ લઈને આવે
સાજન ફૂલ લઈને આવે
અપરાધીનો ભાવ લઈને ભૂલ થઈને આવે.

ફૂલની પાછળ કાંટાઓ પણ હોય
છતાંય છુપાય નહીં.
એવું શાને હોય કે ફરફરતી ફોરમની વચ્ચે
ભમરાઓ પણ ગાય નહીં ?
ચાર બાજુનો ચોરસ થઈને વર્તુળ લઈને આવે.
સાજન ફૂલ લઈને આવે.

ફૂલના મૂલને ચૂકવે છે
પણ ફ્લાવરવાઝનું શું ?
કાચની ઝીણી દીવાલ વચ્ચે
ડૂબતી સાંજનું શું ?
ગોકુળ ગોકુળ કરતો કરતો ધૂળ લઈને આવે.
સાજન ફૂલ લઈને આવે.

( પન્ના નાયક )

પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું-મનોજ્ઞા દેસાઈ

પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું છું
ત્યારે તેં કુરુક્ષેત્રમાં પેલી ટિટોડીને
દીધેલું ઘંટનું એક વિરાટ રક્ષાકવચ
અદ્રશ્ય રૂપે
મને દેખાય છે
આખાય અભયારણ્યને આવરી લેતું…

જ્યારે જ્યારે
ખગ્રાસ સૂર્યગ્રહણની તેજ-છાયા
એની ઓછાયા-પડછાયા
મારી આ ધરતીને વીંટળાઈ વળ્યા
ત્યારે મને
કોઈક વાર સૂર્યમાં તારું મુખ દેખાયું
એ જ શ્યામલતા
ને તેની ફરતાં એ જ તેજોવલય…

તો કોઈ વાર થયું
કે તારું સુદર્શનચક્ર તો નહીં હોય
યુદ્ધ વખતે અર્જુનના જીવનાર્થે
સૂર્ય સામે ધરી દીધેલું
અસ્તનો આભાસ ઊભો કરતું.

( મનોજ્ઞા દેસાઈ )

તમારો ચહેરો-નીતા રામૈયા

આસમાની તારલીએ ઝગમગે તમારો ચહેરો
ને તારલી જાય છુપાઈ તો કેવું લાગે

આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો
ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે

વનરાજિની વેલડીએ ઝગમગે તમારો ચહેરો
ને વેલડી જાય સુકાઈ તો કેવું લાગે

મોગરાની પાંદડીએ ઝગમગે તમારો ચહેરો
ને પાંદડી જાય મૂરઝાઈ તો કેવું લાગે

આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો
ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે

( નીતા રામૈયા )

મારા આંસુનું કારણ-પન્ના નાયક

મને ખબર ન પડે એમ
એક બાઈ
મારામાં ઘર કરી ગઈ છે.
એ એમ માને છે
કે
હું અને એ બન્ને એક જ છીએ
પણ હરગિજ
અમે એક નથી જ નથી
હું તો આનંદી, સંતોષી, ને સ્વચ્છંદી
ને
એ તો સદાયની અસંતોષી ને કકળાટિયણ
એને વારે વારે આવે છે રડવું
એટલે
બેગ ભરીને લાવેલા રૂમાલથી
લૂછ્યા કરે છે પોતાની આંખો,
નીચોવ્યા કરે છે આંસુભીના રૂમાલ એ કૂવામાં,
ને માપ્યા કરે છે એની સપાટી.
માલિક થઈ મને કબજામાં રાખવાના
એના અવિરત પ્રયત્નોમાં
હું એને ઝાઝી સફળ થવા દેતી નથી
એટલે એ બળ્યા કરતી હોય છે
ધુંધવાતા કોલસાની જેમ.
ક્યારેક મારા આંસુ
એને કારણે હોય છે.

( પન્ના નાયક )

ખારવાની વહુ-મનીષા જોષી

એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તો
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ તો કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પણ જઈ રહેલા ખારવાઓ
આવે રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ.

( મનીષા જોષી )

પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી

સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે
જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ
રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે

નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે
અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

અલગ છે પ્રેમની ભાષા ચતુરાઈ ન ચાલે ત્યાં
ઠગે તારું જ તુજને છળ, પછી ત્યાં સહી કરી દેજે

સદીની ઊપજે અહીંયા મળ્યાં છે શ્વાસ થીજેલાં
મળે સંવેદનાની કળ, પછી ત્યાં સહી કરી દેજે

અગર છે ડૂબવાની વાત તો કિનાર શા માટે
મળે મઝધારનું જો તળ, પછી ત્યાં સહી કરી દેજે

( પ્રજ્ઞા વશી )

જીવને કાંઠે-એસ. એસ. રાહી

જીવને કાંઠે મને લાવી દીધો,
સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો

આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું
રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો

તે પછી તો શાંત થઈ ગઈ એ નદી
જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો

સાંભળી જો મેં કથા એકલવ્યની
ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો

રાતભર પીવડાવી હેતલ ચાંદની
એક માણસને મેં બહેકાવી દીધો.

ભર અષાઢે રાખતી’તી દૂર તું
આ ઉનાળે પ્રેમ વરસાવી દીધો ?

હું નિવાસી કોલસાની ખાણનો
કેમ ‘રાહી’ને તેં ચમકાવી દીધો ?

( એસ. એસ. રાહી )