મને લાગતું નથી-અદી મિર્ઝા

એનું ય દિલ દુખાય, મને લાગતું નથી,
કરશે એ કંઈ ઉપાય, મને લાગતું નથી.

વચમાં સમયના કેટલા અવરોધ છે પ્રભુ !
તારા સુધી અવાય, મને લાગતું નથી !

એનો પ્રભાવ જોઈને ચૂપ થૈ ગયા બધા !
એક પ્રશ્ન પણ પૂછાય, મને લાગતું નથી.

સુખ પણ ફરીથી આવશે, વિશ્વાસ છે મને,
પણ દુ:ખ હવે ભૂલાય, મને લાગતું નથી.

ઈન્સાન આખરે તો ઈન્સાન છે “અદી”
એ કંઈ ફરિશ્તો થાય, મને લાગતું નથી.

આંખોમાં કોઈ ચહેરો વસી જાય પણ ખરો,
દિલમાં કોઈ સમાય, મને લાગતું નથી.

( અદી મિર્ઝા )

આનંદની અનુભૂતિ-મેઘબિંદુ

રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર
રૂમઝુમ રૂમઝુમ નર્તન કરતાં લાગણીઓના તાર

જેમ ફૂલથી સુગંધ પ્રસરે
એમ સંબંધો મહેકે
સ્નેહ તણી બંસીની ધૂનમાં
આનંદ સૌ લહેકે

પ્રીતભર્યા એ નેણવેણથી છલકે પ્રેમ અપાર
રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર

સમજણનું અજવાળું એવું
ક્યાંયે નહીં અટવાયા
એકબીજાનો હાથ ઝાલીને
પરમ સુખને પામ્યા

સહજતાને પંથે માણ્યો આનંદ અપરંપાર
રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર

( મેઘબિંદુ )

ઉઘાડો અટારી !-હરકિસન જોષી

નિરાશાને ખંખેરી નાખે છે મારી
અને ક્યાંકથી ખોલી આપે છે બારી

વહે લ્હેરખી એક એવી હવાની
ઉગાડી દે સૂરજ ને ફાનસ દે ઠારી !

દરદ એનું મીઠું છે અમૃત સરીખું
કદી ચાખી છે એની પ્રેમળ કટારી ?

તમે ફાળવ્યો થોડો ફાજલ સમય તો
કરી ગ્રંથ ગરબડ, મેં પીડા વધારી

ધરી જન્મ કેવા કર્યા મેં પરાક્રમ
જુઓ આપ ક્યારેક જાતે પધારી !

પ્રતીક્ષાના બદલામાં ઝાંખી તો આપો
પ્રવેશદ્વાર નહિ તો ઉઘાડો અટારી !

( હરકિસન જોષી )

નામ લખી દઉં-પ્રીતિ સેનગુપ્તા

ભીતરી શેવાળ ઉપર નામ લખી દઉં,
શ્વાસની વરાળ ઉપર નામ લખી દઉં.

બંધ ઘર છોડી જતાં-એક છેલ્લી વાર,
ઓસરીની પાળ ઉપર નામ લખી દઉં.

ચાહવું, સહેવું, જોડવું,છોડવું-ચાલ,
લોભમયી જંજાળ ઉપર નામ લખી દઉં.

પારકી છે સર્વ ક્ષણ, એ જાણ છે છતાં,
સરકતા જતા કાળ ઉપર નામ લખી દઉં.

ના હોય ભલે પુષ્પો કે પાંદડાં બાકી,
સૂની ડાળે ડાળ ઉપર નામ લખી દઉં.

વીજ ને વાદળ વણે જે તંતોતંતને,
શ્યામરંગી શાળ ઉપર નામ લખી દઉં.

અક્ષત, સોપારી, વળી નાડાછડી યે હોય,
કંકુ લીંપેલા થાળ ઉપર નામ લખી દઉં.

જીવન નામે વહેણ એક તરફ વહી રહ્યું,
ઝટ જઈ એ ઢાળ ઉપર નામ લખી દઉં.

( પ્રીતિ સેનગુપ્તા )

કોણ બોલે છે ?-શોભિત દેસાઈ

સતત બકબક થતી ચોમેર, ઓછું કોણ બોલે છે ?
ઘસાયેલા અવાજો વચ્ચે જુદું કોણ બોલે છે ?

પીંછું કુમળું ન ફરતું હોય જાણે કાનમાં મારા !
તમારે મૌન છે, તો આવું મીઠું કોણ બોલે છે ?

શિયાવિયા થઈને ચૂપ બેઠી છે પ્રજા પૂરી,
પિટાયો’તો કદીક ઢંઢેરો – ‘સાચું કોણ બોલે છે ?’

ચલો ને ! શોધવા જઈએ તિમિરમાં આંખ સાબૂત લઈ-
ન ગમતું હો ઘણાને એવું આખું કોણ બોલે છે ?

બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયા,
તો કેવળ પ્રશ્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે ?

( શોભિત દેસાઈ )

તરતા રહ્યાં-સાહિલ

આવમાં તરતા રહ્યા યા તાવમાં તરતા રહ્યાં,
જે મળ્યો શિરપાવ એ શિરપાવમાં તરતા રહ્યાં.

જિંદગીભર ખાલીખમ મેદાનને તાક્યા કરી,
ના લીધેલા-ના લીધેલા દાવમાં તરતા રહ્યાં.

હોય મસમોટો કે નાનો ફેર કૈં અમને નથી,
હરઘડી બસ જે મળ્યો એ લહાવમાં તરતા રહ્યાં.

છેક મધદરિયે પહોંચ્યાં બાદમાં જાણી શક્યાં,
સાવ તૂટેલી હતી જે નાવમાં તરતા રહ્યાં.

માણસોને મન ન જાણે કેમ ગોઝારી હતી,
રાત-દિ’ ઉલ્હાસથી જે વાવમાં તરતા રહ્યાં.

શત્રુઓ દ્વારા મળેલા જખમ રૂઝાઈ ગયાં,
જાણીતાં હાથે કરેલા ઘાવમાં તરતા રહ્યાં.

આઈના જેવા થવાની શું મળી ‘સાહિલ’સજા,
જિંદગી આખી અમે દેખાવમાં તરતા રહ્યાં.

( સાહિલ )

મારો લય !-દિવ્યા સોની “દિવ્યતા”

એની લટ મને મારી ગઈ તોય,
છે એના જ શ્વાસોમાં મારો લય !

એકાદ બે ક્ષણ મળવાને,
હું મારું, જીવન વિસરી ગઈ !

વાતો આપણી ચોતરફે ,
સૌના મનને ફાવે એમ થઇ !

ખોટી વાતો પહોંચાડતી,
હતી આપણા ઘરની જ ઉધઈ !

આપની વાહ સાંભળીને,
કલમ આ સાચે જ, સારી થઈ;

અહીં દુઃખને માટે દરિયા મોટા,
ને સુખ ખાબોચીયે પડ્યું છે જઈ!

મારી નીંદર પણ તારા જેવી જ,
આવી પળવારમાં જાય ખોવઈ.

કોણ કહે નશો કરવા માટે,
જોઈએ બસ મદિરા કે મય ?

સાથે જીવતા વૃદ્ધ થયા પણ;
આપણા પ્રેમની ક્યાં વધી છે વય ?

ખોટું કરતા, હા મન તો દાઝે જ;
ને સાથે રહે તારી આંખોનો ભય !

( દિવ્યા સોની “દિવ્યતા” )

હૈયા બેઠા-દિવ્યા સોની “દિવ્યતા”

હૈયા બેઠા એક ડાખળીએ
મારી ચિંતા છે એની આંખડીએ !

હા, ચોખ્ખે ચોખ્ખો પ્રેમ કરી;
અમે વાત વાતમાં બાખડીએ !

કોઈ કાને તારી કૂથલી કરે ;
અમે તેની સાથે આખડીએ !

આપણા આ સંગાથની સોડમ
છે, ફૂલ તણી સૌ પાંખડીએ !

મારા જીવનની સઘળી ચિંતા
લે ઈશ મૂકી તારી ચાખડીએ !

ભલે શબ્દોમાં તારું નામ નથી;
તું જ સાહી ભરે મારા ખડીએ !

( દિવ્યા સોની “દિવ્યતા” )

એક તો આ-ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

( ખલીલ ધનતેજવી )

તું અંગાર છે-ચિનુ મોદી

તું થીજેલો છે બરફ ને તપ્ત તું અંગાર છે,
હોડીને ડૂબાડનારો પાણીનો અવતાર છે.

તું જ છે આકાશમાં ને તું જ છે પાતાળમાં,
જાણી લે કે તું જ તારો કામનો કરનાર છે.

શેઠિયો તું, વેઠિયો તું, તું સૂતો; તું જાગતો,
સર્વ ક્ષણમાં ગુપ્ત રીતે તારો તો સંચાર છે.

સાચ કહો કે જૂઠ કહો; પાપ કહો કે પુણ્ય કહો;
સ્વર્ગ ને આ નર્ક પણ શબ્દનો સંસાર છે.

નાનપણથી કોક આ ‘ઈર્શાદ’ને સમજાવને,
ક્યાંક ગુણાકાર તો ક્યાંક ભાગાકાર છે.

( ચિનુ મોદી )