Tag Archives: બિન્દુ ભટ્ટ

મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

.

કેટલીક વાતો લોકોના માનસને ઝંઝોડી નાંખનારી હોય છે અને છતાં ચૂપચાપ આવીને પસાર થઈ જાય છે. એના આવનજાવનથી કોઈનું વિશેષ ધ્યાન ખેંચાતું નથી. જાણે કંઈ બન્યું જ નથી એમ લોકો વર્તે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક વાક્ય બહુ પ્રચલિત છે…”કૂતરું માણસને કરડે એમાં ‘સમાચાર’ જેવું કશું ન કહેવાય, પણ માણસ કૂતરાને બચકું ભરે તો એ અવશ્ય ‘સમાચાર’ છે”. આમ કંઈક ‘અસામાન્ય કરીને’ અથવા તો ‘અસામન્ય છે’ તેવો આક્ષેપ મૂકીને સતત જાહેર માધ્યમોમાં છવાયેલા રહેવાની ઘણાંને આદત છે. કોઈપણ વાતનો વિરોધ કરો, તેમાં વિવાદ ઉભો કરો એટલે તેના તરફ લોકોનું ધ્યાન આપોઆપ ખેંચાવાનું.

.

૧૯૪૪માં ઈસ્મત ચુગતાઈની ઉર્દૂ વાર્તા ‘લિહાફ’ (ચાદર)થી ખલબલી મચી ગઈ હતી. આજે દીપા મહેતાની ‘ફાયર’ ફિલ્મથી પણ એવી જ ખલબલી મચી છે. આ બંને કહાનીમાં સજાતીય (Lesbian) સંબંધો ધરાવતી બે સ્ત્રીની વાત છે. શું આટલા વર્ષો પછી પણ સમાજમાં વૈચારિક પરિવર્તનનું વાવાઝોડું નથી ફૂંકાયું ?

.

એક મહિલા કોર્પોરેટરને તેના જ ઘરમાં ધોળે દિવસે નિર્મમતાથી રહેંસી નાંખવામાં આવી. માસૂમ કૂમળી કળી જેવી બે છોકરીઓનું પ્રથમ અપહરણ, પછી બળાત્કાર અને પછી તે બંનેને મારી નાંખવામાં આવી તોય સમાજ ચૂપ છે. દહેજના ખપ્પરમાં કેટલીયે અરમાનભરી કન્યાઓ હોમાતી રહે છે, કેટલીયે દીકરીઓ યૌવનમાં પગ મૂકે તે પહેલાં દેહભૂખ્યા દલાલોના હાથે વેચાઈ જતી હોય છે અને ત્યારે પણ સમાજ તો ચૂપ જ રહે છે. સમાજને ખરેખર સ્પર્શતી આવી ઘણીબધી બાબતો પ્રત્યે સમાજે ઉદાસીનતા દર્શાવી છે. અને ‘ફાયર’ પ્રદર્શિત થવાથી તેની સામે મોરચાઓ કાઢવામાં, ભાષણો કરવામાં, તોડફોડ કરવામાં સમાજ હવે વ્યસ્ત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. શું Lesbian સંબંધોને બદલે Gay સંબંધો ધરાવતા બે પુરુષોની વાત હોત તો ફિલ્મનો આટલો વિરોધ થાત ? આ વિરોધની પાછળ શું મૂળભૂત સ્ત્રીનો વિરોધ તો નથી ને ? સ્ત્રી કરે તે ખરાબ જ એવી માન્યતા તો નથી ને ? અથવા તો કદાચ આવા સંબંધો વધવાથી પુરુષો સાથેના સ્ત્રીના સંબંધમાં ફરક પડશે એવો ભય તો નથી ને ? પ્રશ્નો અને તેના ઉત્તરો હું સુજ્ઞ વાચકો પર છોડું છું. કારણ કે મારે બીજી વાત કરવી છે.

.

આવો જ વિષય લઈને ૧૯૯૨માં ગુજરાતીમાં બિન્દુ ભટ્ટની “મીરાં યાજ્ઞિકની ડાયરી” પ્રકાશિત થઈ હતી. આ લઘુનવલ ડાયરી સ્વરૂપે લખાયેલી છે. બિન્દુ ભટ્ટ એક અખબાર સાથેની તેમની મુલાકાતમાં જણાવે છે કે “આ પુસ્તકમાં એક અસુંદર સ્ત્રી દ્વારા સૌન્દર્યને પામવાની વાત કરી છે. પ્રેમની જરૂરિયાત અંગત છે. સમાજને અહિત થાય તેવા કોઈ સંબંધો ચલાવાય નહીં. પણ સમાજ ક્યારેક નોર્મલ સંબંધો વિશે પણ ઉગ્રતાથી પ્રતિભાવ આપતો હોય છે. દરેક પોતાની રીતે જીવન જીવે ત્યાં સુધી વાંધો લેવો ન જોઈએ. છતાં સ્વતંત્રતા બીજાને ઠેસ પહોંચાડે તેવી ન હોવી જોઈએ”.

.

કથાની નાયિકા મીરાં યાજ્ઞિકના આખા શરીરે કોઢ છે. તે પોતે આ બાબત પ્રત્યે ખૂબ જ સભાન છે. એક પ્રશ્ન મીરાંને સતત સતાવે છે કે “આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે એના સુધી ?” પોતાની દુનિયામાં મસ્ત-વ્યસ્ત રહેતી મીરાંને એક જ મૈત્રી છે….એને ‘કાબરી’ કહીને સંબોધતી વૃંદા સાથે. વૃંદા એને ભલે આવું સંબોધન કરે છે પણ એ મીરાંના કોઢને મહત્વ નથી આપતી. એ તો માને છે કે “સૌન્દર્યને પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે”. વૃંદાનો આવો વ્યવહાર મીરાં માટે આત્મવિશ્વાસની ધરી છે. અને એની આવી લાગણીથી મીરાં તેને પોતાના જીવનમાં સ્થાન આપે છે અને એ સંબંધ ઘનિષ્ઠ બને છે.

.

પરણિત પ્રિન્સિપાલ કામાણી સાહેબ (કે.એમ.) અને વૃંદા એકબીજાના પ્રેમમાં છે. પણ વૃંદા એક સ્ત્રીના અધિકારને ઝૂંટવીને લગ્ન કરવા નથી માંગતી. અને એમ આ સંબંધ મંઝિલ સુધી પહોંચી શકતો નથી. કે.એમ. સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લંડન ચાલ્યા જાય છે. વૃંદા ઉદાસ છે. નિરાશ છે. એકાકી છે.

.

પ્રેમ એ જીવવાનું કારણ છે. અને તેથી દરેક નોર્મલ વ્યક્તિને પ્રેમની ખોજ રહેતી હોય છે. પ્રેમ એટલે પ્રેમ….તે ગમે તેની વચ્ચે હોઈ શકે. વૃંદા સાથે એક જ રૂમમાં રહેવાથી મીરાંને સાથ સંગાથ મળે છે. વૃંદાની ગેરહાજરી તેને ઉદાસી અને એકલતાનો એહસાસ કરાવે છે. બંને ઉદાસ અને એકાકી મિત્રોને સંજોગો એકબીજાની નિકટ લાવે છે જે છેવટે શારીરિક સંબંધમાં પરિણમે છે. Love is finding yourself in another’s heart. શરીરના માધ્યમ દ્વારા અન્યમાં પ્રેમ શોધવાની મીરાં કોશિશ કરે છે પણ એને એ વાતનો ખ્યાલ તો છે જ કે વૃંદા માટે એ કે.એમ.ની અવેજી માત્ર છે. બંનેને પ્રિય એવું શિરીષ ફૂલ પોતાના જીવનમાં ક્યારે ખીલશે એનો મીરાંને ઈન્તઝાર છે. વૃંદા એને પ્રેમ નહીં પણ એનો ઉપયોગ જ કરતી હતી તે વાત સાબિત થાય છે જ્યારે વૃંદા મીરાંને અસ્પષ્ટતામાં રાખીને ડો. અજિત સાથે લગ્ન કરી લે છે.

.

અપમાન, અસ્વીકાર, અવહેલનાનો ડંખ મીરાંને મૂંઝારો અને માનસિક તનાવ બક્ષે છે. તે દરમ્યાન જ એ માર્કસવાદી કવિ ઉજાસ અગત્સના પરિચયમાં આવે છે. ક્રાન્તિકારી ઉજાસની કવિતામાં આક્રોશ છે. વિધુર અને એક પુત્રીનો પિતા એવો ઉજાસ “હમ તો બે-ઘર હૈ ! I don’t have a home !“ કહે છે ત્યારે મીરાંને એના પ્રત્યે સહાનુભૂતિ થાય છે. ઉજાસનું સાન્નિધ્ય મેળવીને મીરાં એના તરફ ઢળે છે. એ ઉજાસના પ્રેમમાં છે તેવો તેને અહેસાસ થાય છે. અને એનો એ એકરાર પણ કરે છે. Love makes life more meaningful and complete. પોતે બધાથી કંઈક અલગ છે, ઊણી છે તેવું મહેસૂસ કરતી મીરાં ઉજાસના સહવાસમાં પોતે ‘નરી સ્ત્રી’ છે તેવું અનુભવે છે.

.

ઉજાસ વાત તો આત્માના સૌન્દર્યની કરે છે પણ એય છેવટે એક સામાન્ય માનવી જ નીકળે છે. જો પ્રેમ હોય તો લગ્ન સિવાયના સેક્સને પણ ખરાબ ન માનતી મીરાં ઉજાસ સમક્ષ શારીરિક સમર્પિત થાય છે. પણ ઉજાસ જ્યારે એના પર આક્રમકતાથી તૂટી પડે છે ત્યારે મીરાં હેબતાઈ જાય છે. એને ખૂબ આઘાત લાગે છે. જ્યારે ઉજાસ સમાજ સમક્ષ એને એક મિત્ર તરીકે સ્વીકારવાની પણ હિંમત નથી બતાવી શકતો ત્યારે એને વધુ દુ:ખ થાય છે. Silent પ્રેમને માણવા માંગતી મીરાં ઉજાસના Violent attitudeને સહન નથી કરી શકતી. ઉજાસના આવા વર્તન માટે પણ એ છેવટે પોતાના કાબરચીતરા શરીરને દોષીત માને છે. આ સંબંધથી પણ એ કશું જ પામી શકતી નથી. સિવાય કે જીવન પ્રત્યે નિરસતા.

.

વૃંદા અને ઉજાસ….એમ નદીના બે કિનારાઓની વચ્ચેથી પ્રેમની શોધ કરતાં કરતાં મીરાંના હાથમાં છલના સિવાય કંઈ જ આવતું નથી. સ્ત્રી અને પુરુષ એમ બબ્બે અનુભવો ભ્રમ પૂરવાર થાય છે. એને કોઈમાં રસ નથી રહેતો, એને કંઈ કરવું ગમતું નથી. પ્રેમની અપૂર્ણ શોધની મથામણ પછી મીરાં ફરી એકાકી રહી જાય છે. અને વેદના વ્યક્ત કરે છે……..

.

“સતત ગૂંગળાઉં છું. હવે તો જાણે દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે”.

.

અને આમ એક વર્ષના સમયપ્રવાહમાં વિસ્તરેલી “મીરાં યાજ્ઞિકની ડાયરી” પૂર્ણ થાય છે.

.

મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન

પૃષ્ઠ : ૧૮૮

કિંમત : રૂ. ૬૦.૦૦

.

[ આ પુસ્તક પરિચય માર્ચ ૧૯૯૮ના “પારિજાત”માં પ્રકાશિત થયો હતો.]

.