વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ

                ડોટકોમ વ્રુંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે

                કે કયા કયા નામ એમાં રાખું? 

ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ

                તો રાધા રીસાય એનું શું? 

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ

                ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? 

પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી

                કે કોને છોડું ને કોને ચાખું?

ગીતાજી ડોટકોમ એટલું ઉકેલવામાં

                ઉકલી ગઈ પંડિતની જાત

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે

                ને એજ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સૂર, નરસૈંયો

                થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખુ ઝાંખુ.

એ જ ફ્કત પાસવર્ડ મોકલી શકે છે

                જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ

એને શું વાયરસ ભૂંસી શકવાના

                જેને ચીર પૂરી આપે ઘનશ્યામ

ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે

                હું કોઈ દિવસ વિન્ડો ન વાખું.

 

( કૃષ્ણ દવે )

2 thoughts on “વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

Leave a reply to BHARAT DAVE Cancel reply