માણસ-વેણીભાઈ પુરોહિત

 કરવતથી વહેરેલાં

ઝેરણીથી ઝેરેલાં

કાનસથી છોલેલાં,

તોય અમે લાગણીનાં માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં:

તોય અમે લાવણીનાં માણસ.

ખેતરમાં ડૂંડામાં

લાલ લાલ ગંજેરી,

શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયલ છે: દાણા દુણાયલ છે:

ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં-

તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં…દૂધિયાં પિરોજાં,

દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં:

કાંઠેથી મઝધારે

સરગમને સથવારે,

તોય અમે આવણી ને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

કરવતથી…

( વેણીભાઈ પુરોહિત )

Share this

10 replies on “માણસ-વેણીભાઈ પુરોહિત”

  1. એક સમર્થ કવિ જેમને એમની યોગ્યતા મુજબનું સન્માન ન મળ્યું વેણીભાઇ ની માણસ વિષેની કવિતા સધ્યાન્ત સુંદર છે

  2. એક સમર્થ કવિ જેમને એમની યોગ્યતા મુજબનું સન્માન ન મળ્યું વેણીભાઇ ની માણસ વિષેની કવિતા સધ્યાન્ત સુંદર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.