વાત છે – આદિલ મન્સૂરી

ઘૂઘવતા ઝાંઝવાઓમાં તરવાની વાત છે

માયાને સામે કાંઠે ઉતરવાની વાત છે

સૂરજને પાછો આઈનો ધરવાની વાત છે

ઝળહળતા કોઈ શહેરમાં તરવાની વાત છે

મોતી હો, છીપ હો કે હો પરપોટો છેવટે

ડૂબી જઈને પાછા ઊભરવાની વાત છે

ખોદ્યા કરું છું શબ્દને ઊંડે સુધી સતત

કેવળ સમયનો ખાલીપો ભરવાની વાત છે

વિસ્મય કળીનો આંખ ઉઘાડીને સાંભળે

કે ભર વસંતે ડાળથી ખરવાની વાત છે

ઘરમાં અટૂલા એકલા એકાંતના ખૂણે

બારીથી, બારણાંઓથી ડરવાની વાત છે

આ જીવને શરીરથી છૂટા પડ્યા પછી

અવકાશમાં અનંત વિહરવાની વાત છે

( આદિલ મન્સૂરી )

ન આવ્યાં – રાજ લખતરવી


રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યાં,

વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યાં.

કહે છે કે એ બધાને જુએ છે,

અમે કેમ એની નજરમાં ન આવ્યાં?

મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,

તમે કેમ પ્રહરમાં ન આવ્યાં.

બધાને સુરાનું ચડ્યું ઘેર ઘેરું,

મને એક એની અસરમાં ન આવ્યાં.

વિકટ, અતિવિકટ, દોસ્ત આવ્યા વળાંકો,

સરળ મોડ મારી ડગરમાં ન આવ્યાં.

ઘણા આમ તો ટૂંકા રસ્તા હતા પણ,

મને કામ એક્કે સફરમાં ન આવ્યાં.

ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયાં,

મને જે વિચારો બહરમાં ન આવ્યાં.

ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ,

ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં.

પછી રાજ ફળશે નહીં તો થશે શું?

મને સ્વપ્ન બસ એ જ ડરમાં આવ્યાં.

( રાજ લખતરવી )

આપણા સંબંધનું – જ્યોતિષ જાની

આપણા સંબંધનું

તારે કોઈ નામ આપવું

હોય તો-

તને ગમતા કોઈપણ એક ફૂલનું

નામ આપજે!

ફૂલ ખરી પડે

એ પહેલા

એની સુગન્ધથી

નિરંતર છલકતો દરિયો હું બની જઈશ!

( જ્યોતિષ જાની )

ધીમે ધીમે ઢાળ ઊતરતી – રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં

એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં

તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એક સામટું

પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

( રમેશ પારેખ )

ખબર નથી – આહમદ મકરાણી

વરસો સુધી જીવો છતાં પળની ખબર નથી,

અસ્તિત્વના દરિયા તને તળની ખબર નથી.

જીવન મહીં છે કેટલા ઉત્સાહની ખપત?

નહિતર જુઓ હનુમંતને બળની ખબર નથી.

યમ તો બિછાવે ફાંસલા માનવજીવન મહીં,

બેખૌફ થૈ માનવ જીવે, છળની ખબર નથી.

ક્યારે થતું એ બંધ ને ક્યારે ખૂલી જતું,

આ દ્વારને તો કોઈ સાંકળની ખબર નથી.

જીવ્યા કરું છું હું, કશી પણ જાણ ક્યાં મને,

વૃક્ષો કને તો એક પણ ફળની ખબર નથી.

( આહમદ મકરાણી )