તાજા ગુલાબનું ફૂલ-એસ. એસ. રાહી

વહેલી સવારે બગીચામાં

એક યુવાન પ્રેમીને તેની પ્રેમિકાને

આપવા માટે

તાજા ગુલાબનું ફૂલ તોડતો

જોઉં છું ત્યારે

હું ચૂપ નથી બેસતો.

હું તેને તેમ કરતાં જરૂર રોકું છું

કારણ…?

એક ગરીબ પિતા

તેની ઝૂંપડીની બહાર

તેનાં કુમળાં બાળકોને સોટીથી

મારતો જોઉં છું ત્યારે

હું તેને તેમ કરતાં ચોક્કસ અટકાવું છું

કારણ…?

લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતો

એક વૃધ્ધ

રસ્તો ક્રોસ કરવા માટે

આજુબાજુ જુએ છે

હું તેની પાસે પહોંચી જાઉં છું અને

તેને હું મારા હાથનો ટેકો આપી

રસ્તો ક્રોસ કરાવું છું.

કારણ…?

સિટી બસ ચિક્કાર ભરેલી છે

એક બસ સ્ટેન્ડ પાસે એક યુવતી

તેના સાવ નાના બાળકને લઈને

બસમાં ચઢે છે

બેસવાની જ્ગ્યા માટે તે આમતેમ

જુએ છે

ત્યારે હું તેને મારી સીટ ખાલી

કરી આપું છું અને તેને ત્યાં

બેસવા કહું છું.

કારણ…?

કારણ કે જ્યારે આવું કશુંક બને છે

ત્યારે મારામાં સૂતેલો બાળક સફાળો

જાગી ઊઠે છે…


( એસ. એસ. રાહી )

આ તે કઈ રીત છે? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે?

સંબંધના ચણતરમાં લાંબી તિરાડ

અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠથી અળગા કરું

તો મને બોલવાની આપો છો આણ,

રણમાં અમથી જ મને એકલી મૂકીને,

પછી ચલાવવા આપો છો વ્હાણ!

પ્રશ્નોના કિલ્લામાં રોંધીને કોછો કે

આ તો બસ પાણીની ભીંત છે!

આ તે કઈ રીત છે?

નસનસમાં ધગધગતા ખિલા ઠોકો

ને પછી અટકાવી કહેતા કે જા

ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,

કહેતા કે ઝીલવા મંડ ઘા

આશાઓ-ઈચ્છાઓ બાળીને કોછો કે

તારી ને મારી પ્રીત છે!

આ તે કઈ રીત છે?

( આશા પુરોહિત )

ખુલ્લું ખાલીખમ – એષા દાદાવાળા

ખુલ્લું ખાલીખમ આકાશ,

ફીક્કો પડી ગયેલો ચંદ્ર,

એકલાં-અટૂલાં તારાઓ,

બાલ્કનીમાં ડોકિયું કરતાં વૃક્ષની ડાળી પરથી

ખરું ખરું થતાં પર્ણો,

અધખૂલી આંખોનાં કોઈક ખૂણે

ચમકવા મથતા અશ્રુઓની મથામણ,

મારી કવિતાની ખુલ્લી પડેલી ડાયરી,

કોરાં પાનાં,

અનેક જનમેદની વચ્ચે તદન એકલો દરિયો,

એનાં ઉછાળાં મારતાં મોજાં,

ને કૂંડામાં ઉગેલું તને ગમતું ગુલાબનું ફુલ,

આ બધાંના સથવારે,

રોજ વિતાવું છું,

તારા વગરની ઉદાસ સાંજ….!

( એષા દાદાવાળા )

મળવું એટલે… – સોનલ પરીખ

જળની વચ્ચે થળની વચ્ચે

ટળવળતી અટકળની વચ્ચે

હું ને તું તો મળતાં રહેતાં

પ્રેમ ને પ્રેમની પળની વચ્ચે

અંતર વગરના રસ્તા ઉપર

અંત વગરનો સાથ લઈ

દિવસ ભરના થાક પછી તું આવ

મહેકતી રાત થઈ

પરપોટાના પડછાયે ને

સમય સીવે તે સળની વચ્ચે

હું ને તું તો મળતાં રહેતાં

પ્રેમ ને પ્રેમની પળની વચ્ચે

શબ્દ વગર ને સૂર વગર ને

નાદ વગર પણ જે ગૂંજે

એકાન્તોની અવરજવરમાં

મૌન મૌનને કહે તે શું છે?

હોવાની હદ પાર કરી

ખોલે અનહદ તે કળની વચ્ચે

હું ને તું મળતાં રહેતાં

પ્રેમ ને પ્રેમની પળ વચ્ચે

( સોનલ પરીખ )

શબ આ કવિનું – મનમોહન નાતુ

શબ આ કવિનું બાળશો નહીં રે!

જિંદગી ભર એ

બળતો જ હતો…

ફૂલો પણ તે પર

ચઢાવશો નહીં રે!

જિંદગી ભર એ

ખીલતો જ હતો…

( મનમોહન નાતુ, અનુ: જયા મહેતા )