મને કોઈ ભૂલી ગયું


પૂર્ણ આકાર પામી શક્યો નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

એટલે સાવ અણઘણ રહ્યો છું હજી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

રૂપ કે રંગ સાજ શણગાર ક્યાં, મારા હોવા વિશેનોય અણસાર ક્યાં

ને હજી નામ જેવુંય કંઈ પણ નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

ચોતરફથી બધાં બારણાં બંધ છે, માર્ગ મળતો નથી કે હવા અંધ છે

શ્વાસ ગૂંગળાય છે માટીની ગંધથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

આ અધૂરાપણાને સ્વીકારો હવે, કોઈ આવી અહીંથી ઉગારો મને

ચક્ર દુર્ભાગ્યનું પણ અટકતું નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

ધીમું ધીમું ફર્યા કરતું પૈડું સતત, શી ખબર ક્યાં જઈને અટકશે રમત

હું તો થાકી ગયો એના ફેરા ગણી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

જાતને લૂણો લાગેલો દેખાય છે, પિંડ ખુલ્લો પડેલો કહોવાય છે

ઊંડા ખાડામાં ફંગોળશે  એક દી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

હા વલીથી લઈ છેક આદિલ સુધી, શું કશું ક્યાંક ખૂટ્યા કરે છે હજી

કે ગઝલ રોજ ફરિયાદ કરતી રહી: ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

( આદિલ મન્સૂરી )

3 thoughts on “મને કોઈ ભૂલી ગયું

 1. “CHAKDA PAR MANE KOI BHULI GAYU”
  “GAZAL ROJ FAREEYAD KARTI RAHI!
  aa gazal ma ketli vedna samayeli chhe ek ek
  shabda ghayal kari gaya. KHUBAJ SUNDAR.
  comments by:
  Chandrakant.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.