વીંટીની જેમ અંગત

વીંટીની જેમ અંગત એક ઘાવ પહેર્યો છે મેં,

આવ કે વર્ષોથી આ તારો અભાવ પહેર્યો છે મેં.


દુ:ખની ના એક પણ રેખા જરાય જોવા મળે,

એમ આ ચહેરા ઉપર મારો સ્વભાવ પહેર્યો છે મેં.


કેમ ઉતારી શકું અદ્રશ્ય વસ્ત્ર સમજાવ તું,

એકદમ ભીતરથી આ તારો લગાવ પહેર્યો છે મેં.


હાથ મેં તારો ચૂમ્યો હું સાવ રેશમી થઈ ગયો,

એક રેશમ જેટલો સુંદર બનાવ પહેર્યો છે મેં.


જો અહીંથી કાઢવામાં આવશે તો હું ક્યાં જઈશ?

ચામડી અંદર સતત તારો પડાવ પહેર્યો છે મેં


( અનિલ ચાવડા )

3 thoughts on “વીંટીની જેમ અંગત

  1. એક નખશીખ સુંદર રચના. મેઇલમાં ફક્ત ચાર લીટી વાંચી લગભગ તણાઇ આવ્યો! …આભાર અને અભિનંદન હીનાબહેન તમને અને શ્રી અનિલ ચાવડાને!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.