સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે! સાંજ પડે ને…
મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…
કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…
શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…
કેવળ તારા એક જવાથી શું શું ખોયું?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…
શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…
પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…
( રિષભ મહેતા )