હું આવું દોસ્ત !-યોસેફ મેકવાન

પીળા પડી ગયેલા તડકાને

પાંપણોની ધાર પરથી ખંખેરતો

આખ્ખી ને આખ્ખી મોસમનો પહાડ ઊતરી

લાગલો જ ચાલ્યો આવું છું, દોસ્ત !

પરીની વાર્તાનું સુગંધીદાર મોત

ખરી ગયું છે

રડવુંયે ન આવ્યું કે હસવુંયે ન આવ્યું !

અંધકારનો કાટ ચડેલા શબ્દો

હવે ઉજમાળા બન્યા છે લોહીમાં ઘસાઈને

ક્યારેક લાગે છે-

ઝગમગતા ઝાડનું ઝૂમખું હું ન હોઉં !

-ત્યારે રાત્રીની વિરાટ ગહનતાની ચીસ

સાંભળું છું.

ને રણકી ઊઠું છું

ને પવનની પગથીઓ પરથી ગબડતો-સરકતો-

ઉભો થઈ ચાલું છું તડકાની ધાર પર

ને ત્યાંથી

લાગલો જ ચાલ્યો આવું છું દોસ્ત !

એય, સાંભળે છે કે?


( યોસેફ મેકવાન )

તું યાદ અચાનક આવે છે-પ્રવીણકુમાર રાઠોડ

શ્રાવણની ઝરમર રાતોમાં તું યાદ અચાનક આવે છે
ઝાકળના પારિજાતોમાં તું યાદ અચાનક આવે છે

અહીંથી લઈ જાનારા સઘળા રસ્તાઓ ગાયબ થઈ બેઠા
જીવલેણ અહીં આઘાતોમાં તું યાદ અચાનક આવે છે

અક્ષર અટકે, શબ્દો અટકે ભાષા અટકે પૃષ્ઠો અટકે
કોઈ શાયરના જઝબાતોમાં તું યાદ અચાનક આવે છે

સરખે સરખા ભેરુ સાથે જ્યાં ભર્યો ડાયરો હોય કદી
ત્યાં મસ્ત મઝાની વાતોમાં તું યાદ અચાનક આવે છે

એ મયખાનું, એ મસ્તાનો, એ મયખ્વારી, એ અમીરાઈ
હરદૌર તણી શરૂઆતોમાં તું યાદ અચાનક આવે છે.

( પ્રવીણકુમાર રાઠોડ )

નિવેદન-જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,

તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.

આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો

મારા રસ્તા પર ઝૂક્યાં છે.

આ વૃક્ષની નીચે

તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-

છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા

-સાવ એકલવાયા.

હોટલના ખૂણાના સૂનકારમાં

ખાલી ગ્લાસની સાથે

આજની સાંજનો સંબંધ બાંધીશ.

માફ કરજે દોસ્ત,

I’d rather be alone….


વેદનાને જ્યારે શબ્દો જડતા નથી

ત્યારે હું એને પી જાઉં છું.

મારા નશામાં

કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-

એ હકીકત તું જ જાણે છે;

એટલે જ

બીજા પાસે બોલબોલ કરતો

તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.

મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !

એક તને જ કહી શકું છું:

I’d rather be alone….


( જગદીશ જોષી )