વિશ્વાસ-હરેશ કાનાણી

૧.

બાળકોને વિશ્વાસ છે

તૂટેલો દાંત લઈ જશે ચકલી

અને આગલા મહિને-

ભગવાન ચાંદીનો નવો દાંત

મોકલશે….

વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં….

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી આ રાતમાં

ગાઢ નીંદર હોવા છતાં

કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!

૨.

અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો!

પણ

અમને ક્યાં ખબર હતી કે

એ

ઊંટ કે ઘોડાને

તું

છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં….!

( હરેશ કાનાણી )

નીરખને-ભગવતીકુમાર શર્મા

ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને !
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને !

સઘળી તારી સીમાઓને તું ફેંકી દે;
અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને !

પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે;
ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને !

અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ;
વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને !

તું જે બોલે-લખે-સાંભળે તેનાથી શું?
શબ્દબ્રહ્મ થઈ ઝળહળતો ૐકાર નીરખને !

મારી કવિતા અર્થઘટનથી અળગી ચાલે;
શિશુમુખના પરપોટા શા ઉદગાર નીરખને !

ક્રોંચ વીંધાયું; શ્લોકનું ગર્ભાધાન થયું કે?
વૃક્ષડાળનો લોહીઝાણ ચિત્કાર નીરખને !

( ભગવતીકુમાર શર્મા )

મિત્રો-એસ્થર ડેવિડ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો-

ક્યારેક “સ્વબચાવમાં…..”

તો,

કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે….

પણ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો તો

મિત્રો તમને

સજા વગર નહીં જીવવા દે-

તેઓ પ્રથમ તો

કાયદો જ પોતાના હાથમાં લેશે

ને પછી છરી-

ક્યારેક તો છરી એવી મારી દેશે-

હ્રદય અને પાંસળી વચ્ચે

એક દોરાવા જગ્યા છોડીને…..

એટલે જીવવા તો દેશે:

એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

એવા ભાવથી….


( એસ્થર ડેવિડ )

મિત્રાયણ-રમેશ પારેખ

મારા ચારપાંચ મિત્રો છે એવા-

કેવા?

આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી

જેવા…


મારા ઉંબરાની રંગોળી માટે એ

પોતાની આંગળીઓ સૂકવે

મારી જીવલેણ છાતીને આકાશો,

વરસાદો, દરિયાઓ ચૂકવે

મારી મૂછના રખોપિયા છે એવા-

કેવા?

આમ લીલાછમ આમ સાવ

જેવાતેવા…


કોઈ માણસને મારાથી ગુણી શકું

એવો હું ક્યાં કોઈ આંકડો?

હું વતરણું ને પાટી થઈ બેસું તો

થાય-હું જ કેવો છું સાંકડો !

પછી જળમાં તણાઈ જાય નેવાં

કેવાં?

જેને ના હો દુષ્કાળથી લેવાદેવા…


( રમેશ પારેખ )