ફૂંક મારીને તકદીર ઊરાડીને જીવ્યો
અસંખ્ય ઈશ્વરોની આંખ ઊઘાડીને જીવ્યો
ચબરખી જેમ મારી જાતને ફાડીને જીવ્યો
અવાક છું છતાં ય ગાઈ વજાડીને જીવ્યો
બિસતંતુનો મૃદુ ભાર હું જીરવી ન શક્યો
ગાંસડી વેઠની હું કાંધે ઊપાડીને જીવ્યો
કલ્પવૃક્ષોને પરાજય મેં એમ આપ્યો
મૂળસોતાં આ મનોરથને ઉખાડીને જીવ્યો
ભરવૈશાખના બળતા સૂરજનાં કિરણોને
જવારા જેમ હું હૈયામાં ઉગાડીને જીવ્યો
ગાંઠ મારી’તી એવા જોરથી, છૂટી ન શકી
શું કરું? છેડો આમ છેકથી ફાડીને જીવ્યો
સરકતી ક્ષણને પકડવાની આમ ચપટીમાં
જો ચટપટી હતી, હું ચપટી વગાડીને જીવ્યો
વિષગ્રંથિ કદાપિ સર્પની સ્વપ્ને ન ધરું
હું તો રજ્જુની જેમ રમ્ય ફૂંફાડીને જીવ્યો
કોણ જાણે છે,- ગરલ કંઠમાં રૂંધી રાખી
ગઝલને બહાને હું અમૃત ચખાડીને જીવ્યો
( હરીશ મીનાશ્રુ )
aa rachna khub gami
ગાંઠ મારી’તી એવા જોરથી, છૂટી ન શકી
શું કરું? છેડો આમ છેકથી ફાડીને જીવ્યો
saras
khoob sarasa rachanaa.
કલ્પવૃક્ષોને પરાજય મેં એમ આપ્યો
મૂળસોતાં આ મનોરથને ઉખાડીને જીવ્યો..
હિનાબેન સરસ મોતી કાઢ્યુ.ઃ)
Sapana