અમે નાના હતા ત્યારે દર વર્ષે અલૂણા વ્રત કરતા. એ ચાર-પાંચ દિવસો દરમ્યાન પૂરેપૂરા વ્રતમય બની જતાં. સ્કુલમાં પણ એ દિવસો દરમ્યાન રંગબેરંગી વસ્ત્રો પહેરીને જવાનું હોય. હાથમાં મહેંદી મૂકવામાં આવતી. આખો દિવસ મીઠા વગરની જાતજાતની વાનગીઓ ખાવાની મળતી. સીંગદાણાની અને રાજગરાની ચીક્કી, સૂકોમેવો, ફળો વગેરે ખાવા મળતું. રોજ સવાર-સાંજ ગોરમહારાજના ઘરે હાથીની પૂજા કરવા જતાં. વ્રતના છેલ્લા દિવસે પૂજા કરી નવાં નવાં કપડાં પહેરીને ફરવા જતાં અને ફોટોગ્રાફર પાસે ફોટો પડાવતાં. વળી અલૂણા નિમિત્તે સ્કુલમાં અને જ્ઞાતિમાં વિશેષ સ્પર્ધાઓ રાખવામાં આવતી. જેમાં અલુણાની રાણી, મહેંદી હરીફાઈ અને ખાયણાં હરીફાઈ ખાસ રહેતી. આખા ગુજરાતમાં અલૂણાં દરમ્યાન ખાયણાં ગાવાનું પ્રચલિત છે કે નહીં તેનો મને ખ્યાલ નથી. પણ અમારા અહીં (દક્ષિણ ગુજરાતમાં) અલૂણાં દરમ્યાન ખાસ ખાયણાં ગાવામાં આવતા. ખાયણાં એટલે આમતો કવિતાની એક પંક્તિ સમાન. પણ તે વિશેષ રાગમાં ગાવામાં આવે છે. વળી એ પંક્તિ જેને લાગતીવળગતી હોય તેનું નામ તેમાં લેવામાં આવે. ખાયણાં અને હિંચકો એ બન્ને અભિન્ન અંગ જેવા. અલૂણા દરમ્યાન બપોરના સમયે હિંચકા પર બેસીને અમે ખાયણાંઓ ગાઈને સમય પસાર કરતા. અમે કરેલા તમામ અલૂણાવ્રત અમારા સૌના માસી કોકિલામાસીની રાહબરી હેઠળ અમે કરતાં. અમને ખાયણાં શીખવવાનું, મહેંદી મૂકવાનું, જવારા વાવવાનું, સૌને તૈયાર કરવાનું, ફોટોગ્રાફ પડાવવા લઈ જવાનું વગેરે બધું કામ કોકિલામાસી જ કરતાં. હાલ જ્યારે અલૂણાવ્રત ચાલી રહ્યા છે ત્યારે મને મારું બાળપણ ફરી યાદ આવ્યું અને ખાયણાં પણ. મારા કહેવાથી કોકિલામાસીએ તરત જ ઘણાં બધાં ખાયણાં આજે લખી આપ્યા જે હું અહીં રજૂ કરું છું.
ખાયણાં ગાઉં ને હિંચકે રે ઝૂલૂં
રમત સઘળી ભૂલું રૂડાં મારા ખાયણાં
*
નિશાળ જાય મારા બંસરીબેન સલૂણા
વ્રત કરે અલૂણા કે અષાઢ માસના
*
પાછલી રાતે શેકું ધાણીને દાળિયા
દેવર્શભાઈ નિશાળિયા ને ગજવે ઘાલવા
*
ઓ પેલી ઓ પેલી ધરમપૂરની ધજા
દીકરી પરણાવવાની મજા તો વલસાડ શહેરમાં
*
ઓ પેલી ઓ પેલી રામજી મંદિરની ધજા
ભણવા ગણવાની મજા જમનાબાઈ સ્કુલમાં
*
તાંબાનું તરભાણું મહીં જડેલા હીરા
સંધ્યા કરશે વીરા તો ચાંદનીબેનના
*
મારા તે બાપને હું ઓ દીકરી દીવો
જાજમ તકિયા સીવો જમાઈને બેસવા
*
મારા તે બાપને હું એ દીકરી લાડકી
કન્યાદાનમાં આપી સોનાની વાડકી
*
જૂના તે ઘરમાં સામાસામી ખીંટી
સવા બે લાખની વીંટી વીરાજીના હાથમાં
*
આકાશે આપ્યા ને ધરતી માએ ઝીલ્યા
મા-બાપે ઉછેર્યા કે પરને સોંપવા
*
કઈ બેનને લીલુ ને કઈ બેનને પીળુ
કઈ બેનને ગુલાબી સાળુ શોભશે
*
સીમાબેનને લીલુ ને વર્ષાબેનને પીળુ
ગીતાબેનને ગુલાબી સાળુ શોભશે
*
પ્રીતિબેન રાંધે ને દીપ્તિબેને પીરસે
દીપ્તિબેનને છાંટો મૂકવાની ટેવ છે
*
ભાઈ તો જમે ને ભોજાઈ ડોકાવે
રખે જો નણંદી આવે રે મારા બારણે
*
નહીં આવું નહીં આવું ભાભી તારે બારણે
તારા પુત્રને કોણ ઝુલાવશે પારણે
*
સરોવરને પાળે માને દીકરી મળ્યા
ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે સરોવર ભરાઈ ગયા
*
આવો ને સહિયર ઝીણાં મોતી પોઈએ
વાંકળીયા વર જોઈએ કે અમીબેનના
*
સરોવરને પાળે મહાદેવજીનું દેરું
દર્શન કરવાનું તેડું ભાઈ ભોજાઈને
*
અમિતભાઈના હાથમાં ઓફિસની છે ફાઈલ
નવો છે મોબાઈલ નમ્રતાવહુના હાથમાં
*
ચાંદનીબેન પરણેને મોર પૂતળીના માંડવા
અખંડ ઉજાગરા એના મા-બાપને
*
મારા તે બાપે પરદેશ દીકરી દીધી
ફરી ખબર ના લીધી મૂઈ કે જીવતી
*
મારા તે બાપે વ્હાણે ચઢી વર જોયા
ચતુર વરને મોહ્યા કે ચોપડો વાંચતા
*
હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં આરસી
આવતાં લીલીબેન પારસી ને પેલે પાર ઉતારજો
*
હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં રેતી
આવતાં મંજુબેન મ્હેતીને પેલે પાર ઉતારજો
*
આજે તે રાંધુ લાપસી લચકાતી
અનીતાવહુ મચકાતીને જમવાનું નોતરું
*
આજે તે રાંધુ તાંદલિયાની ભાજી
ટીશા તારી આજીને જમવાનું નોતરું
*
આજે તો રાંધુ તળેલા તે પાત્રા
હેમાબેન કરે જાત્રા બદ્રીકેદારની
*
ભણો ગણો પણ ઘરધંધો તો શીખો
એ વિણ સંસાર સુનો ભણતર શા કામના
*
કાચની કોયલ આંબલિયામાં રમતી
મામા ભેગી જમતી ટીશાબેન લાડકી
*
ફ્રોક પહેરુંને કેસરી પટ્ટો બંધાવું
વિદ્યાર્થીની કહેવડાવું કે જમનાબાઈની
*
મહાદેવના મંદિરમાં થાળ ભરી પરસાદ
વહેલો આવ્યો વરસાદ કે વલસાડ શહેરમાં
*
ભણું ગણું ને શાળાએ જઈ આવું
આશિષ તો લઈ આવું સરસ્વતી માતના
*
અલૂણા કરું હું નવમા ધોરણની બાળા
જમનાબાઈ છે શાળા મારી રળિયામણી
*
દેવને વ્હાલા ઘીના દીવાના કોડિયાં
મુજને વ્હાલા ગુરુજી મારી નિશાળના
*
ભર્યા સરોવરમાં તરતો કમળનો ગોટો
સોને મઢાવું ફોટો રાધાવલ્લભલાલનો
*
આવોને માલણ ફૂલ ચમેલીના લાવો
અંબોડો ગૂંથાવો તે તુલસીબેનનો
*
સાંજ પડે ને આથમતા રવિનું તેજ
માડી કેરું હેત મને કેમ વિસરે
*
સાસુજી આવ્યાને ખાયણાં ગાતાં અટકી
કહે વહુ આજ ફટકી કે રાગડા તાણતી
*
સરોવરને પાળે હારો હાર આંબા
દેસાઈ સરખા મામા મોસાળુ લાવશે
*
આજે તે રાંધુ સેવ એ સુંવાળી
ચાંદનીબેન કુંવારીને જમવાનું નોતરું
*
લીલી દરોઈ નખે કરીને ચૂંટું
જોષીને લગન પૂછું પ્રણવભાઈના
*
દીકરી પરણેને માને આવે આંસુ
સારી રીતે રાખે સાસુ રે એને સાસરે
*
શ્રાવણ વરસે ને ભાદરવાની હેલી
માડી તારી વાણી રે નિત્ય સાંભરે
*
મારે તે બારણે ફૂલ ચમેલીના કૂંડા
સૌના કરતાં રૂડાં પ્રીતિબેનના સાસરા
*
મોટરમાં બેસીને આવો મોટા ફુઈ
પાંચમના જનોઈ કે પાર્થભાઈના
*
આ રે દુનિયામાં એક મોટી ખોડ
સરખે સરખી જોડ રે શોધી નવ મળે
*
ચાંદીના પ્યાલામાં દેવર્શભાઈ પીએ મીલ્ક
નમ્રતાવહુ પહેરે સીલ્ક કે વલસાડ શહેરમાં
*
પ્રણામી સ્ટ્રીટમાં રાધાકૃષ્ણનો વાસ
રમવા જઈએ રાસ આસોની રાતના
*
સાંકડી શેરીમાં રાધાકૃષ્ણ મળ્યા
માખણ લૂંટી લીધા રાધા રીસાઈ ગયા
*
વણ બોલાવ્યા પર ઘર તો નવ જઈએ
ઉછાંછળા નવ થઈએ કે રહીએ માનમાં
*
ખાયણાં ખાયણાં બોલ્યા સામા સામી
ગમ્મત આજે આવી કે રૂડાં ખાયણાં
*
રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદા
ગીત એના ગાતા કે પૂરા થયા ખાયણાં.